રાષ્ટ્રની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા ગુજરાતના શહીદો

આઝાદીની લડતમાં ફાંસીએ ચઢનારા સૌથી વધુ બંગાળ-પંજાબ અને મહારાષ્ટ્રના યુવાનો રહ્યા છે. દિલ્હી-હરિયાણા અને ઉત્તર પ્રદેશના પણ થોડાક શહીદ રહ્યા છે. આપણને પ્રશ્ન થાય કે ગુજરાતના કેટલા જાન કુરબાન કરનારા શહીદો થયા છે તેનો જવાબ આપવો કઠિન છે. ગુજરાત મુખ્યત્વે ગાંધીજીના માર્ગે ચાલ્યું હતું. ગાંધીમાર્ગે કોઈને ફાંસી થઈ હોય તેવું જાણ્યું નથી, કારણ કે ગાંધીવાદીઓ, હત્યા-ખૂન-લૂંટ-ધાડ જેવી પ્રવૃત્તિ કરતા નહિ. તેથી કાયદાને માનનારા અંગ્રેજો બહુ બહુ તો તેમને જેલમાં પૂરી દેતા, કાયદેસર કેસ ચાલતો અને સજા થતી. કેટલીક વાર તો સજા માફ પણ થતી. ખરાં બલિદાનો તો ક્રાન્તિકારી યોદ્ધાઓએ આપ્યાં હતાં, કારણ કે તે અહિંસાવાદી નહોતા. તેમ છતાં પણ જે લોકો અંગ્રેજી સત્તાનો વિરોધ કરવા સભા-સરઘસ કાઢતા અને પોલીસની ગોળીએ વીંધાઈ જતા તેમાંથી થોડાક નમૂના સંક્ષિપ્તમાં અહીં આપ્યા છે. આ બધા ગુજરાતી શહીદો છે. વંદનીય છે. તેમણે રાષ્ટ્રની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા. આવો તેમને યાદ કરીએઃ
(1) શંકરભાઈ ધોબી
ગુજરાતના ખેડા નગરના ડાહ્યાભાઈ ધોબીનો પુત્ર હતો. 14 વર્ષની ઉંમરમાં હાઈ સ્કૂલમાં ભણતાં ભણતાં તે 1942ના આઝાદીના આંદોલનમાં કૂદી પડ્યો હતો. અંગ્રેજ સરકારવિરોધી સરઘસમાં રાષ્ટ્રીય ઝંડો તેણે લીધો હતો. તે સૌની આગળ આગળ વંદે માતરમનો નારો લગાવતો ચાલતો હતો. પોલીસે ગોળીબાર કર્યો અને શંકર ઢળી પડ્યો. તેણે માતૃભૂમિ ઉપર પ્રાણ ન્યોછાવર કરી દીધા. ખબર નહિ, ખેડાવાળા ભાઈઓને શંકર યાદ છે કે નહિ ?
(2) રસિકલાલ જાની
અમદાવાદમાં 1926માં જન્મેલો રસિકલાલ જાની હાઈ સ્કૂલનું અધ્યયન પૂરું કરીને કોલેજમાં દાખલ થયો. તે બહુ પ્રતિભાશાળી વિદ્યાર્થી હતો. આ તરવરિયો યુવાન સૌને ગમતો હતો. 1942માં જ્યારે રાષ્ટ્રીય આંદોલન છેડાઈ ગયું ત્યારે તેણે પોતાના વિદ્યાર્થીઓનું એક મોટું સરઘસ અંગ્રેજી સરકારના વિરોધમાં કાઢ્યું. સરઘસ વધતું જ ગયું. વંદે માતરમના નારા ગુંજવતું જતું હતું ત્યાં પોલીસ સાથે રકઝક થઈ ગઈ. પોલીસે ગોળી ચલાવી દીધી અને સૌથી પહેલાં રસિકલાલ જાની શહીદ થઈ ગયો. તેના પિતાનું નામ ઠાકોરલાલ હતું.
(3) ભવાનભાઈ પટેલ
ભવાનભાઈ ઉર્ફે છોટાભાઈના પિતાનું નામ હાથીભાઈ હતું. તેઓ નડિયાદના વતની હતા. 15મી ઓગસ્ટ, 1942ના રોજ અંગ્રેજી સત્તાવિરોધી જે આંદોલન ચાલ્યું તેમાં ભવાનભાઈએ ભાગ લીધો. સરઘસ ધસમસતું નારા લગાવતું જઈ રહ્યું હતું. પોલીસે તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો, પણ ન અટક્યું. અંતે ગોળીબાર થયો. પોલીસની ગોળીથી ભવાનભાઈ શહીદ થઈ ગયા.
(4) બચુભાઈ નાયક
બચુભાઈ નાયક અનાવિલ બ્રાહ્મણ હતા. ભારત છોડો આંદોલનમાં તેમણે પૂરેપૂરો ભાગ લીધો. તેઓને પકડીને જેલમાં પૂરી દેવાયા. જેલના અત્યાચારોથી અને ગંભીર બીમારીથી તા. 23મી જાન્યુઆરી, 1942ના રોજ જેલમાં જ તેમનું મૃત્યુ થઈ ગયું.
(5) રમણલાલ મોદી
રમણલાલ મોદીએ સુરતના ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો. તેમણે ઘણી તોડફોડ પણ કરી. તેમને ગિરફતાર કરી લેવામાં આવ્યા. જેલમાં જ તેઓ શહીદ થઈ ગયા.
(6) ધીરજલાલ મણિશંકર
ધીરજલાલ ખેડાના બ્રાહ્મણ હતા. ભારત છોડો આંદોલનમાં તેમણે ખૂબ સક્રિય ભાગ લીધો હતો. સરઘસમાં જ્યારે તેઓ રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવા માટે જઈ રહ્યા હતા ત્યારે પોલીસની ગોળીથી શહીદ થઈ ગયા. ખબર નહિ ખેડાવાળાને ખબર છે કે નહિ?
(7) નરહરિ રાવલ
નરહરિનો જન્મ 1914માં અમદાવાદમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. 30મી ઓક્ટોબર, 1942ના રોજ ભારત છોડો આંદોલનમાં આ યુવાન કૂદી પડ્યો હતો, પોલીસે તેને ગિરફતાર કરીને જેલમાં બંધ કરી દીધા. અત્યાચારથી જેલમાં જ તેનું મૃત્યુ થઈ ગયું. તેના પાર્થિવ શરીરને લેવા માટે અમદાવાદના લોકો જેલના દરવાજે ઊમટી પડ્યા હતા. હજારોની સંખ્યામાં વંદે માતરમના નારા સાથે તેમની સ્મશાનયાત્રા અમદાવાદની સડકો ઉપર ફરેલી. તેમના પિતાનું નામ માણેકલાલ રાવલ હતું. શહીદને વંદન.
(8) કુમારી જયવતી સંઘવી
કુમારી જયવતી સંઘવીનો જન્મ 1924માં અમદાવાદમાં વણિક પરિવારમાં થયો હતો. ત્યારે દેશ રાષ્ટ્રની આઝાદીના ગરમાવામાં ગરમ થઈ ગયો હતો. પાંચમી એપ્રિલ, 1943ના રોજ ભારત છોડો આંદોલનમાં જયવતીએ મહત્ત્વનો ભાગ લીધો હતો. સૌથી આગળ ચાલનારી 19 વર્ષની આ યુવતીએ પોલીસનો ગેસનો શેલ પોતાની છાતી ઉપર ઝીલી લીધો અને તે સરઘસમાં જ શહીદ થઈ ગઈ. ધન્ય છે જયવતીને.
(9) ગુણવંત શાહ
ગુણવંત શાહનો જન્મ અમદાવાદમાં સન 1924માં વણિક પરિવારમાં થયો હતો. બ્રિટિશ શાસનની વિરુદ્ધમાં જે એક ભારે સરઘસ નવમી ડિસેમ્બર, 1942ના રોજ નીકળ્યું હતું તે આખા શહેરમાં ફરીને કલેક્ટરની ઓફિસે જવાનું હતું. રસ્તામાં પોલીસના રોકવા છતાં સરઘસ ન અટક્યું, પોલીસે ગોળી ચલાવી અને ગુણવંત માણેકલાલ શાહ શહીદ થઈ ગયા.
(10) ગોરધનદાસ રામી, પુષ્પવદન મહેતા, વસંતલાલ રાવલ
ગોરધનદાસ છગનલાલ રામીનો જન્મ અમદાવાદ પાસેના બાવળા ગામમાં થયો હતો. તે પણ બ્રિટિશ સરકારની વિરુદ્ધમાં ચાલતા સરઘસમાં જોડાયા હતા. અને પોલીસના ગોળીબારમાં શહીદ થયા હતા. આવી જ રીતે પુષ્પવદન ટીકારામ મહેતા પણ આ જ સરઘસમાં પોલીસના ગોળીબારથી શહીદ થઈ ગયા હતા, અને વસંતલાલ મોહનલાલ રાવલ પણ આ જ સરઘસમાં પોલીસની ગોળીથી શહીદ થઈ ગયા હતા. તે કોલેજના વિદ્યાર્થી હતા અને તેમના પિતાનું નામ મોહનલાલ હતું. તેઓ અમદાવાદના વતની હતા.
(11) છિબાભાઈ પટેલ
છિબાભાઈ સુરત જિલ્લાના પિંજારત ગામના વતની હતા. બ્રિટિશ સરકારની વિરુદ્ધમાં ચાલતા આંદોલનમાં તે જેલમાં ગયા અને જેલમાં ઘણા અત્યાચારો થવાથી જેલમાં જ શહીદ થઈ ગયા.
(12) છોટાભાઈ
ડાકોરના વતની છોટાભાઈ એક સરઘસનું નેતૃત્વ કરતા હતા. સરઘસ ક્રુદ્ધ થઈ ગયું. તે પોલીસ ઉપર તૂટી પડ્યું. પોલીસનાં હથિયાર છીનવી લીધાં. અને પોલીસને માર મારવા લાગ્યું. અફરાતફરી થઈ ગઈ. છોટાભાઈ વચ્ચે પડ્યા. જેમતેમ કરીને લોકોને સમજાવ્યા. પોલીસનાં હથિયારો પાછાં આપ્યાં, જેથી શાંતિ થઈ. એવામાં તો પોલીસની નવી કુમક પહોંચી ગઈ. પોલીસે સર્વપ્રથમ છોટાભાઈ ઉપર જ ગોળી છોડી અને છોટાભાઈ શહીદ થઈ ગયા.
(13) નાનાલાલ શાહ
અમદાવાદ જિલ્લાના રામપુરનો આ નાનો વિદ્યાર્થી ધસમસતા સરઘસની મોખરે રાષ્ટ્રીય ધ્વજ લઈને પોલીસથાણા ઉપર લહેરાવવા જઈ રહ્યો હતો. પોલીસે ગોળી ચલાવી, પણ નાનાલાલ ચૂપચાપ છુપાઈને પોલીસથાણા ઉપર પહોંચી ગયો. તે થાણા ઉપર ચઢીને ધ્વજ ફરકાવતો જ હતો ત્યાં પોલીસની ગોળીએ તેને વીંધી નાખ્યો. ફૂલ જેવો નાનાલાલ ઢળી પડ્યો. ત્યાં તો બીજા વિદ્યાર્થીઓ પહોંચી ગયા. ધ્વજ લઈને થાણા ઉપર ફરકાવી દીધો. નાનાલાલે આંખ ઉઘાડીને ફરકતો ધ્વજ જોયો; તે હસ્યો અને આંખ મીંચી દીધી, હા, કાયમ માટે.
(14) ઉમાકાન્ત કડિયા
નવમી ઓગસ્ટ, 1942ના રોજ અમદાવાદનું ખાડિયા ઉશ્કેરાઈ ગયું. પોળના નાકે 400-500 યુવાનો એકત્ર થઈ ગયા. વંદે માતરમના નારા સાથે આકાશ ગાજતું થઈ ગયું. પોલીસ દોડી આવી. ટોળું વીખરાતું નહોતું. પોલીસે ગોળીબાર કર્યો. એક ગોળી ઉમાકાન્તને કપાળમાં વાગી અને તે ઢળી પડ્યો. આજે પણ તે જગ્યાને ઉમાકાન્ત ચોક નામ અપાયું છે.
(15) નાનજીભાઈ પટેલ
નાનજીભાઈ આર્યસમાજી હતા. સ્વામી શ્રદ્ધાનંદજીના ચુસ્ત શિષ્ય હતા. ઉત્તર ગુજરાતના કરજીસણ ગામના વતની આઝાદીની લડાઈમાં કૂદી પડ્યા. એક બોમ્બ લઈને પોલીસ થાણા ઉપર ફેંકવા માટે જઈ રહ્યા હતા, પણ રસ્તામાં ઠેસ વાગવાથી પડ્યા અને બોમ્બ ફૂટી ગયો. નાનજીભાઈ પોતાના જ બોમ્બથી શહીદ થઈ ગયા હતા. તે રિવોલ્વર પણ રાખતા હતા. તે ઇચ્છતા હતા કે લોકો શસ્ત્રધારી બને અને અન્યાય કરનાર ગુલામીનો જોરદાર સશસ્ત્ર વિરોધ કરે.
રાષ્ટ્ર માટે પ્રાણ ન્યોછાવર કરનાર ગુજરાત અને ભારતભરના સૌ શહીદોને કોટિ કોટિ વંદન.
(ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત લેખકના પુસ્તક શહીદોની ક્રાંતિગાથામાંથી સાભાર.)