રામ મંદિર માટેના ટ્રસ્ટ સામે અયોધ્યાના સંત સમાજમાં ભભૂક્યો રોષ, આંદોલન કરશે

 

લખનૌઃ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે સરકારે ટ્રસ્ટ બનાવવાની જાહેરાત કરી એના ગણતરીના કલાકો જ થયા છે અને અયોધ્યામાં સંત સમાજે આ ટ્રસ્ટનો વિરોધ પણ શરૂ કરી દીધો છે. ટ્રસ્ટમાં રામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસને જગ્યા મળી નથી. આનાથી તેઓ નારાજ છે. તેમણે ક્હ્યું હતું કે અમારા દિગમ્બર અખાડાએ રામ મંદિર માટેની દરેક લડાઈ લડી છે. આ આંદોલન માટે અમે આખી જિંદગી લગાડી દીધી છે, પણ ટ્રસ્ટમાં મને કે અમારા અખાડાને જગ્યા અપાઈ નથી. આ અયોધ્યાવાસીઓનું અપમાન છે. તો બીજી તરફ દિગ્મ્બર અખાડાના મહંત સુરેશ દાસે કહ્યું હતું કે સંતોની બેઠકમાં ટ્રસ્ટના વિરોધ માટેની આગામી રણનીતિ નક્કી કરાશે. મહંત નૃત્ય ગોપાલ દાસના ઉત્તરાધિકારી કમલ નયન દાસનું કહેવું છે કે અમે આ ટ્રસ્ટને માનવા માટે તૈયાર નથી. આ ટ્રસ્ટમાં વૈષ્ણવ સમાજના સંતોનું અપમાન કરાયું છે. તેમણે ગૃહ મંત્રી અમિત શાહ પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ટ્રસ્ટનો પુરજોશથી વિરોધ કરીશું. ટ્રસ્ટમાં સામેલ અયોધ્યા રાજપરિવારના મોહન પ્રતાપ મિશ્રા અંગે તેમણે કહ્યું હતું કે તેઓ બસપામાંથી ચૂંટણી લડ્યા હતા. રામ મંદિર આંદોલન સાથે તેમને કોઈ લેવાદેવા નથી.