રામાવળા શ્રવણપાનની મોજ

0
871

રામાવળા સંદર્ભે કેટલાંક તીવ્ર સંસ્મરણો છે. એને સાંભળવાનો અનુભવ ભજન કે લોકગીતથી અનેરો છે. રામાવળા તરીકે ઓળખાતી ચાંવળાબંધની કંઠસ્થ પરંપરાની કંઈકેટલીય રચનાઓ કિશોરાવસ્થાથી સાંભળતો આવ્યો છું. કોલેજના દિવસોમાં મોટે ભાગે ઉનાળાની લાંબી રજાઓ મારે ગામડે કમળાપુરમાં ગાળતો, મારો સંવાદ દાદાજી સાથે શિશુઅવસ્થાથી જ વિશેષ.
બપોરની વેળાએ, કે મોડી રાત્રિ સુધી કંઠસ્થ પરંપરાની એમને કંઠે જળવાયેલી – સાંભળેલી કંઈ-કેટલીયે રચનાઓ મારા કાનમાં હજીયે ગુંજે છે. મોટા ભાગે સાંજના તેઓ અમારે ત્યાં ઘરની લાંબી ઓસરીમાં કથા વાંચતા. આ એમનો રોજિંદો ક્રમ઼ પણ હું હોઉં, ત્યારે એ ક્રમ તોડીને કશુંક મારી પાસે વંચાવે, કીર્તનો-ધોળ, જીલણિયા પદનું પઠન કરાવે અને પછી એનું વિવરણ પોતે કરે. વચ્ચે વચ્ચે દંતકથાઓ કહેતા જાય. જૂની હસ્તપ્રતો પણ મને જ એમણે વાંચતાં શીખવેલી. કઈ હસ્તપ્રત કોણે, ક્યારે લખેલી, એ બધું મોડી રાત સુધી તેમની પાસેથી સાંભળ્યું છે.
આ બધા વિષયોમાં કંઠસ્થ પરંપરાની કંઈકેટલીય રચનાઓનું પાન કર્યાનું ઘણું યાદ છે, કેટલુંક તો નોંધ્યું પણ છે. એ નોંધમાં રામાવળા સંજ્ઞા હેઠળ કેટલીક તૂટક રચનાઓ મળે છે.
સત્તર-અઢાર વર્ષની વયે હુતાશણી ટાણે નદીના પટમાં અમારા ગામના રૂડા રબારી અને સોંડા ગોચરને સામસામા જે હલકથી રામાવળા ગાતાં સાંભળેલા એ દૃશ્ય ચિત્તમાં અકબંધ છે. દાદાજીએ મને કહેલું કે આવા તિથિના રામાવળા આપણે ત્યાં અવારનવાર આવતા, વણથલીના પ્રાગજીબાપાએ પણ જોડેલા છે, તેને વંચાવીશ. પછી બીજા દિવસે વિપ્ર પ્રાગના રામાવળા વાંચેલા. એમાં બહુ ઊંડું ઊતરવાનું બનેલું નહિ. અંદરની ચોટને કારણે નહિ, પણ કીર્તન કરતાં કદમાં ટૂંકી હોવાને કારણે, કે એના ઢાળને કારણે મને આ સાંભળવું ખૂબ ગમતું.
યાદ છે, એક વખત દાદાજી સાથે કથા માટે ગોલિડા (તા. ચોટીલા) જવાનું બનેલું અને વળતાં ચાડવા નેસમાં એક કોળી પટેલની વાડીએ મોડી રાત સુધી સામસામા ગવાતા રામાવળા સાંભળેલા. રામાવળા શ્રવણની તીવ્ર યાદ તો મદાવા ગામના અમારા એક યજમાનની વાડીએ શેરડીનો વાડ પિલાતો હતો ત્યારે જવાનું બનેલું ને ત્યાં જે સાંભળેલા તે છે. કડાયુમાં ગોળ રંધાઈ રહ્યો હતો, ઓઇલ એન્જિનના ભખભખ અવાજ વચ્ચે જુવાનિયાઓએ જે રામાવળા માંડેલા એ મને ઊના-ઊના ગોળ કરતાંય વધુ ગળ્યા લાગેલા.
રામાવળા સાંભળવાની લાલચથી એકાદ વખત ખેતરે રાતવાસો કરવાનું પણ પસંદ કરેલું. આખી રાત પાણી વાળતાં-વાળતાં દુહા-રામાવળા એમ ચાલ્યા જ કરે… કોઠી ગામે નંદલાલ દાદા એમને અમારા રતિદાદા-ઋષિજી-યુવાવસ્થામાં જસદણના દરબારના ભાયાતો પાસે રામાવળા વાંચવા ગયેલા એ માહિતી આપેલી. મોટા ભાગે ઈ. સ. 1860ની સાલ હોવાનો એ સમય હશે.
ભાવનગરથી એમણે મગાવેલી શિલાછાપની રામાવળાની ચોપડી પણ પ્રાપ્ત થઈ છે. રામાવળા આ રીતે મનમાં સંચિત થયા કરેલા. પછી તો મેઘાણીની કૃતિઓમાંથી, લોકકથાગીતોના સંગ્રહોમાંથી છક્કડિયા, કુંડળિયા અને ચાંવળાબંધની-કૃતિઓ રામાવળા નામે એકત્ર કરતો રહ્યો હતો.
ઈ. સ. 198પ-86માં ડો. ભાયાણીસાહેબ પ્રાચીન લિપિના વર્ગો માટે રાજકોટ પધારેલા. એમને રામાવળા વિશે વાત કરેલી. એ પછી બે-એક વર્ષે એક દિવસ ઓચિંતા ઈ. સ. 1988માં ભાયાણીસાહેબનો પત્ર આવ્યો કે તમે એકત્ર કરેલા રામાવળા નામની રચનાઓ હકીકતે ચાંવળાબંધની-છંદની રચનાઓ છે અને મધ્યકાલીન સાહિત્યમાં એની એક લાંબી પરંપરા છે. તમે તમારી પાસેના રામાવળા મોકલો.
મેં ત્યારે હાથવગું હતું એ બધું ભાયાણીસાહેબને મોકલી આપેલું અને મનમાં ભંડારેલું તો રહ્યું જ. ત્યાં ભાયાણીસાહેબનો પત્ર આવ્યો સૂઈ હરદાસના રામાવળા ચાંવળા તમારે સંપાદિત કરીને પ્રકાશન માટે જલદીથી તૈયાર કરી આપવાના છે.
ભાયાણીસાહેબના સદ્ભાવનો સતત અનુભવ થયો છે, પાંડવળા તેમણે સંપાદિત કર્યા ને રામાવળા સંપાદિત કરવાની મને તક આપી, એ નિમિત્તે મને અતીતમાં એવો તો ધકેલી દીધો કે એ કિશોરાવસ્થાના દિવસો મારામાં ફરી જીવતા થયા. સ્મૃતિમાંથી ઘણું ખોતરાયું છે, ખૂબ દુઃખી પણ થયો છું. બહુ ઉતરડાઈ
જવું પડ્યું છે. હવે એ રાત્રિઓ, રામાવળાની હલકો, તાપણાના આછા અજવાળે મૂછને, દાઢીને, મમળાવતાં-મમળાવતાં રામાવળા ગાતાં કથકો, આ બધું હવે ક્યાં જોવા-સાંભળવા મળશે? હવે તો ગોળ ગાળવાવાળા-રાંધનારા-ગળિયારા પણ રહ્યા નથી. નિષ્ઠાથી રાતવાસો ગાળનારા મજૂરો (સાથીઓ) પણ રહ્યા નથી, હુતાશણી ટાણે હોળી ફરતે ડાંગને ટેકે ગોઠવાઈ રામાવળા ગાનારા ગોપાલકો ક્યાંક કોઈક મહાનગરના મફતિયા પરામાં પોતાના ઢોર-માલ સાથે રહેવા આવી ગયા છે, ને દૂધ વેચવાનો પોતાનો ધંધો કરતા-કરતા ટી.વી. જોવામાં મગ્ન છે. પેલા વાડીવાળા બધા ખેડૂતો ક્યાંય હીરા ઘસતા બેઠાં બેઠાં ફિલ્મી ગીતોની કેસેટ્સ સાંભળતા હશે કે ટોળે વળીને કોઈ નવી વિડિયો કેસેટ જોતાં બેઠા હશે… ધીરે ધીરે બધું ઘસાતું જાય છે, ભુલાતું જાય છે. આખો (ઘ્ંઁદ્દફૂહૃદ્દ) બદલાઈ ગયો છે. આપણી સંસ્કૃતિનું જતન-સંરક્ષણ કોણ કરશે.
કંઠસ્થ પરંપરાના વિપ્ર પ્રાગની-મારી પાસેની ધોળ કીર્તનની નોંધપોથીમાંની રામાવળા તરીકે ઓળખાવેલફૂ તત્ત્વજ્ઞાનમૂલક તિથિકાવ્ય સ્વરૂપની રચનાની પાંચ કડી ઉદાહરણ તરીકે મારા દાદાજીની અપ્રગટ નોંધપોથીમાંથી મૂકું છું.
વિપ્ર પ્રાગના રામાવળા
વાહન મુખકને મોદીક યારી, ગરવા ગુણભંડાર રે
ગજવંદન ને ગવરીનંદન, સુદ્ઘબુદ્ઘનો દાતાર
સૂધબૂધનો દાતાર સૂંઢાળા, કંઠે છે મોતીની માળા
વિપ્ર પ્રાગ કે કરું વિનતી તારી, વાહન મુખકને મોદીક યારી. (1)
શંભુના સુત તમે સાર કરીને, અક્ષર આપજો સોય
વાણી એવી આપજો મુજને, ખોટ ન કાઢે કોય
ખોટ ન કાઢે કોય તો ખંતીલા, મુજ મતિ આપો બહુ મતિલા
વિપ્ર પ્રાગ કે દિલમાં દયા ધરીને, શંભુના સૂત તમે સાર કરીને. (ર)
હંસવાહની હાથે ચૂડો, શ્રવણ ઝબુકે જાલ રે
અણવટ ઓપે વિંછીયા વીંટી, ઝાંઝરનો ઝમકાર
ઝાંઝરનો ઝમકાર તે બીરાજે, સૂર તેનો ગગનમાં ગાજે
વિપ્ર પ્રાગ કે દીસે બહુ રૂડો, હંસવાહની હાથે ચૂડો. (3)
પડવા માટે પંડ રચ્યું છે, ચેતો મૂંઢ અજાણ
રામ રટીલે રાખ રુમાં, મુક્તિનો મેરામણ
મુક્તિનો મેરામણ તે મીઠો, પવનરૂપી પાંજરામાં પેઠો
વિપ્ર પ્રાગ કે આ શું મચ્યું છે, પડવા માટે પંડ રચ્યું છે. (4)
બીજે બીક નથી ભાઈ કેની, એક જન્મ મરણનું દુઃખ
સંસાર સાગર સપનામાં, જીવ કહે દીન પામ્યો સુખ
જીવ કહે દીન પામ્યો સુખ તે એવું, માટે નામ નારાયણનું લેવું
વિપ્ર પ્રાગ કહે ત્રેવડ કર તેની, બીજે બીક નથી ભાઈ કેની. (પ) અહીં લોકસંસ્કૃતિમાં ગણેશવંદના ભારે મૌલિકતા દાખવીને ગણેશની ભોજનપ્રીતિ લાડુનો નિર્દેશ, ઉંદરવાહન અને ગુણવાન વ્યક્તિત્વ વિષયક વિગતો નિરૂપાઈ જણાય છે. મૂળ તોમ લાગણી પોતાની કથાકથનની પેટિયું રળવાની જે કામગીરી છે એમાં કોઈ ખોડ ન કાઢે એ માટેની પ્રાર્થના રહી છે. સરસ્વતીના રૂપનું સુંદર વર્ણન અત્રે છે. પોતે પૂર્ણ કથાના પંડિત છે. સરસ્વતી કરતા પણ ગણપતિ પરત્વેની અપાર શ્રદ્ઘા અત્રેથી પ્રગટે છે.
આ છક્કડિયા દુહામાં તિથિકાવ્ય છે, પણ તિથિ અંકનો નિર્દેશ શ્લેષથી કર્યો છે. એમાંથી એમની કવિત્વશક્તિનાં પણ દર્શન થાય છે. આખું તિથિકાવ્ય જ્ઞાનમાર્ગી ધારાનું છે. પડવો એટલે એકમ અને આ શરીર નાશવંત છે એમ આરંભે જ જાણ કરીને કાવ્યની રચના કરતો વિપ્ર પ્રાગજી અહીં બળૂકો લાગે છે. અહીં યમક વર્ણસગાઈ પણ રચાઈ છે. પડવા માટે પંડ રામ રટી લે રાખ રુદામાં મુક્તિનો મેરામણ એમ પ, ર, મ નું આવર્તન અર્થપૂર્ણ છે.
લોકસમુદાયને સંસ્કારિતા આવા ગામડિયા ગણાતા કથાકારો જોડકણાં જેવી લાગતી શીઘ્રકવિતા જોડીને એમાં પણ પોતાની કવિપ્રતિભાના ચમકારાનું દર્શન કરાવી જતા. લોકસંસ્કૃતિની આ એક પરંપરા હતી. એમણે રચેલા દુહા, કુંડળિયાં, ભજનો, કીર્તનો, પદો, ધોળ ખરા અર્થમાં લોકસંસ્કૃતિની બુદ્ઘિસંપદાનો સાંસ્કૃતિક દસ્તાવેજ હતો, જે આપણે જાળવી શક્યા નથી. ચાવળા, રામવળા કે છક્કડિયા અથવા કુંડળિયા જેવી આ રચનાઓ ગવાય ત્યારે પંક્તિના માંનું પુનરાવર્તન, પ્રાસને કારણે પ્રગટતો લય અને પ્રલંબ ઢાળ ભાવક ચિત્તને આકર્ષે. એકધ્યાને સાંભળ્યા કરે. હવે એ ગાન અને શીઘ્રકવિતા શ્રવણપાનની મોજ ક્યાં માણવી? તેહિના દિવસાઃ….

લેખક લોકસાહિત્ય, ચારણી સાહિત્ય અને સંતસાહિત્યના જાણીતા વિદ્વાન છે. તેમણે ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય વિશે પણ ખૂબ કામ કર્યું છે.