અયોધ્યાઃ અયોધ્યામાં રામ જન્મભૂમિ પર મંદિરના શિલાપૂજનની તૈયારીઓ વેગ પકડવા લાગી છે. ટ્રસ્ટનાં સૂત્રોના જણાવ્યાનુસાર શિલાપૂજનનું અનુષ્ઠાન ત્રણ દિવસ ચાલશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જે દિવસે આવશે તેના બે દિવસ અગાઉ શિલાપૂજન શરૂ થઇ જશે. તેમાં ૧,૦૦૧ વૈદિક બ્રાહ્મણ જોડાવાના હતા પણ કોરોના સંકટના કારણે ૧૧ કે ૨૧ બ્રાહ્મણ જ ત્રણ દિવસનું અનુષ્ઠાન સંપન્ન કરાવશે. તે માટે દેશનાં વિવિધ સ્થળેથી વૈદિક બ્રાહ્મણોને આમંત્રિત કરાયા છે.
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે વડા પ્રધાનને ત્રણ કે પાંચ ઓગસ્ટે અયોધ્યા આવવા આમંત્રણ મોકલ્યું છે. વડા પ્રધાન કાર્યાલયે હજુ મુલાકાતની ઔપચારિક જાહેરાત નથી કરી. સ્થાનિક લોકોનું કહેવું છે કે કોરોના સંકટ શિલાપૂજન સમારોહની ભવ્યતામાં અવરોધરૂપ બન્યું છે. રામમંદિરનું શિલાપૂજન ૫૦૦ વર્ષના ઇતિહાસની સૌથી મોટી ઘટના છે. સંતોએ કહ્યું હતું કે શિલાપૂજનના દિવસે અયોધ્યા નગરી દિવાળીની જેમ ઝગમગશે. મંદિરોમાં શંખ, ઘંટ, મૃદંગ વાગશે. ટ્રસ્ટના સભ્ય અને અયોધ્યાના રાજા વિમલેન્દ્ર મોહન મિશ્રએ જણાવ્યું હતું કે, વડા પ્રધાનના કાર્યક્રમની ઔપચારિક જાહેરાત બાદ શિલાપૂજનમાં લોકોની સહભાગિતા અને ઉલ્લાસ વ્યક્ત કરવા અંગે વિચારીશું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી શીલાવિધિ સાથે સાથે અયોધ્યામાં બીજા પણ ઘણાં વિકાસકાર્યોનો શિલાન્યાસ કરશે. અયોધ્યામાં હજારો કરોડનાં વિકાસકાર્યોનો પણ શિલાન્યાસ કરશે, જેમાં પર્યટન, હાઇવે, ઓવરબ્રિજ સહિત ઘણી મહત્ત્વની યોજનાઓ સામેલ છે. સરયૂ નદીના કાંઠે ભગવાન શ્રીરામની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના શિલાન્યાસની પણ શક્યતા છે. સરયૂના કાંઠે જ સીતા સરોવરનું નિર્માણ, નવ્ય અયોધ્યાના નામથી પ્રસ્તાવિત ઉપનગરી, અયોધ્યાથી ગોરખપુર સુધી સિક્સ લેન રોડના પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ થઇ શકે છે. આ ઉપરાંત અનેક વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવશે.