રામમંદિરના ભવ્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની નેમ સાકાર થશેઃ વિજય રૂપાણીગાંધીનગરઃ ૫ ઓગસ્ટ અયોધ્યા તથા સમગ્ર દેશ માટે અને તમામ વિશ્વનાં કરોડો શ્રદ્ધાળુઓ માટે ઐતિહાસિક દિવસ હતો

રામમંદિરના ભવ્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની નેમ સાકાર થશેઃ વિજય રૂપાણીગાંધીનગરઃ ૫ ઓગસ્ટ અયોધ્યા તથા સમગ્ર દેશ માટે અને તમામ વિશ્વનાં કરોડો શ્રદ્ધાળુઓ માટે ઐતિહાસિક દિવસ હતો. બુધવારે અયોધ્યાસ્થિત રામ મંદિરના ભૂમિ પૂજનની વિધિ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વરદ્હસ્તે હાથ ધરવામાં આવી ત્યારે રાજ્યભરમાં સ્થાનિક લોકો દ્વારા દિવા પ્રગટાવીને રામમંદિર ભૂમિપૂજન પ્રસંગે ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાને સીએમ ડેશ બોર્ડ પર સમગ્ર ભૂમિપૂજન કાર્યક્રમ નિહાળ્યો હતો.

ભાજપની પ્રદેશ નેતાગીરી દ્વારા કમલમ્ કાર્યાલયમાં રંગોળી અને પૂજન પણ કરવામાં આવ્યું હતુ. જ્યારે કાર્યાલયની બહાર મોટી સ્ક્રીન પર આ સમારંભ સિનિયર નેતાઓએ જોયો હતો. અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયેલા ભૂમિપૂજન અને શિલાન્યાસ સંદર્ભે પ્રદેશ નેતાગીરીએ શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, પાંચ શતાબ્દીની તપસ્યા, સંઘર્ષ બલિદાન અને કરોડો દેશવાસીઓની શ્રદ્ધાથી તથા અનેક વિવાદો બાદ સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી આજરોજ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરનું ભૂમિપુજન સમગ્ર ગુજરાત સહિત દેશવાસીઓ માટે આનંદ અને ગૌરવનો પ્રસંગ બન્યો છે. સમગ્ર દેશમાં દિવાળીના પ્રસંગ જેવો માહોલ છે.

ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે ભગવાન શ્રીરામ મંદિર નિર્માણના શિલાન્યાસ પ્રસંગને વધાવતા સુરતના વરાછામાં માનગઢ ચોક ખાતે આયોજિત સમારોહમાં ઉપસ્થિત રહી ભગવાન શ્રીરામની પૂજા અર્ચના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજે કરોડો દેશવાસીઓનો રામ મંદિરનો સંકલ્પ સિદ્ધ થયો છે. વડા પ્રધાન મોદીએ ક્હ્યું હતું કે રામ મંદિર માટે ચાલતા આંદોલનનાં અર્પણ પણ હતુ, સંઘર્ષ અને સંકલ્પ પણ હતો. જેમના ત્યાગ, બલિદાન અને સંઘર્ષથી આજે આ સ્વપ્ન સાકાર થઈ રહ્યુ છે, જેમની તપસ્યા રામ મંદિરમાં પાયાની જેમ જોડાયેલી છે, હું એ તમામને આજે ૧૩૦ કરોડ દેશવાસીઓ વતી નમન કરું છું.

૫ ઓગસ્ટે રામ મંદિરનાં ભૂમિ પૂજનનો કાર્યક્રમ શરૂ થતા પહેલા જ દેશનાં કરોડો લોકો ટીવી સામે ગોઠવાઈ ગયા હતા અને આ ઐતિહાસિક ક્ષણોનાં સાક્ષી બનવા તૈયાર થયા હતા. ટીવી ચેનલોમાં પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં અયોધ્યા પહોંચવા સુધીનાં ફોલોઅપ લોકો નિહાળી રહ્યા હતા. વડાપ્રધાને મંદિરના પાયામાં ઇંટ મુકવાની સાથે ચાંદીનો કળશ મુક્યો હતો. તેમની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગુજરાતની પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તથા આરએસએસના વડા મોહન ભાગવતે પોતાના તરફથી પાયામાં સોનાનો સિક્કો મુક્યો હતો.

અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે શિલાન્યાસ થતા રામભક્તો ઝૂમી ઉઠયા

અમદાવાદઃ અયોધ્યામાં રામજન્મભૂમિ ખાતે ભવ્ય અને દિવ્ય રામ મંદિરના નિર્માણ માટે તા.૫ ઓગષ્ટને બુધવારે ભુમિ પુજન અને શિલાન્યાસનો કાર્યક્રમ યોજાયો હતો.  જેને લઇને અમદાવાદ સહિત ગુજરાતભરમાં હર્ષ અને આનંદની લાગણી ફેલાઇ જવા પામી હતી. રામધૂન યોજી, મંદિરોમાં મહાઆરતી કરી, ફટાકડા ફોડી, પેંડા સહિતની મીઠાઇઓ અને પ્રસાદી વહેંચીને તેમજ રાત્રે ઘરેઘરે દીવા પ્રગટાવીને લોકોએ તેમની ભગવાન રામ પ્રત્યેની આસ્થા પ્રગટ કરી હતી. આશરે ૫૦૦ વર્ષ લાંબા સંઘર્ષ બાદ રામમંદિરનું સ્વપ્ન સાકાર થતા આ ઔતિહાસિક ક્ષણને દિવસભર લોકોએ મનમૂકીને માણી અને જીવી હતી.