રામજન્મભૂમિ પાછી લઈ શકાય તો સિંધ કેમ નહીંઃ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે જો રામજન્મભૂમિને પાંચસો વર્ષ પછી પાછી લઈ શકાય છે, તો સિંધ કેમ ના લઇ શકાય કોઈ એવું કોઇ કારણ નથી કે આપણે ‘સિંધુ’ પાછું લઈ ન શકીએ. એક સંમેલનને સંબોધિત કરતા મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે 500 વર્ષ પછી અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરનું નિર્માણ પૂર્ણ થશે અને જાન્યુઆરીમાં વડા પ્રધાન દ્વારા તેમના મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવશે. યોગીજીએ જ્યારે આ નિવેદન કર્યું ત્યારે સમગ્ર સભાગૃહ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો અને લાંબા સમય સુધી તાળીઓ અને જય શ્રી રામના નારાઓ ચાલુ રહ્યા હતા. આઝાદી બાદ થયેલા વિભાજનની પીડા વ્યક્ત કરતાં યોગી આદિત્યનાથે કહ્યું હતું કે 1947 જેવી દુર્ઘટના ફરી ન થવી જોઈએ. તેમણે કહ્યું હતું કે માત્ર એક વ્યક્તિની જીદના કારણે દેશને વિભાજનની દુર્ઘટનામાંથી પસાર થવું પડ્યું હતું. દેશના ભાગલાને કારણે લાખો લોકોનો નરસંહાર થયો હતો અને ભારતનો ઘણો મોટો વિસ્તાર પાકિસ્તાન બની ગયો હતો. અને તેમાં બોર્ડર પર રહેતા સમુદાયોએ ઘણી પીડા સહન કરી છે. આજે પણ આપણે આતંકવાદના રૂપમાં વિભાજનની દુર્ઘટનાનો ભોગ બનવું પડે છે. કોઈપણ સંસ્કારી સમાજ ક્યારેય આતંકવાદ, ઉગ્રવાદ કે કોઈપણ પ્રકારની અરાજકતાને ઈચ્છતો નથી. જો આપણે માનવતાના કલ્યાણના માર્ગે આગળ વધવું હશે તો સમાજમાંથી દુષ્ટ વૃત્તિઓનો અંત લાવવો જ પડશે. આપણા ધાર્મિક ગ્રંથો પણ આપણને એવી જ પ્રેરણા આપે છે. આપણા દેશનું સૌભાગ્ય છે કે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આતંકવાદ ભારતમાં અંતિમ શ્વાસ લઈ રહ્યો છે. 1947માં વિભાજન જેવી દુર્ઘટના ફરી ક્યારેય ન બને તે માટે આપણે સૌપ્રથમ અખંડ રાષ્ટ્રની પ્રતિજ્ઞા લેવી જોઈએ. દેશની એકતા અને અખંડિતતા સાથે ખેલ કરનાર કોઈપણ વ્યક્તિને જડબાતોડ જવાબ આપવા માટે આપણે તૈયાર રહેવું જોઈએ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.