રાફેલ સોદામાં વચેચીયાને 9 કરોડ રૂપિયા અપાયાનો આક્ષેપ

 

નવી દિલ્હીઃ ભારત અને ફ્રાંસ સરકાર વચ્ચે થયેલા રાફેલ યુદ્ધ વિમાનોનાં સોદામાં ફરી એકવાર ભ્રષ્ટાચારનો ભોરિંગ બેઠો થયો છે. રાફેલના સોદા અંગે ફ્રાંસની એક સમાચાર વેબસાઇટે સનસનીખેજ દાવો કર્યો છે. જેમાં રાફેલ બનાવતી ફ્રાંસની કંપની દસોલ્ટ તરફથી ભારતના એક વચેટિયાને આશરે ૮ કરોડ ૬૨ લાખ રૂપિયા ભેટ સ્વરૂપે અપાયા હોવાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. 

ફ્રાંસની વેબસાઇટ મીડિયાપાર્ટે રાફેલ પેપર્સ નામે એક અહેવાલ જારી કર્યો છે. જેમાં આ સોદા વિશે અનેક ખુલાસાઓ કરવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, રાફેલના સોદામાં દસોલ્ટ એવિએશને એક ભારતીય વચેટિયાને આ સોદાના બદલામાં કરોડો રૂપયા ધર્યા હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય વચેટિયાને ૧૦ લાખ યુરો એટલે કે આશરે ૮ કરોડ ૬૨ લાખ રૂપિયા જેટલી રકમ ચૂકવાઈ હતી અને ગિફ્ટ તરીકે ચૂકવાયેલાં નાણાં અંગે દસોલ્ટ ફ્રાંસની એન્ટી કરપ્શન એજન્સીના અધિકારીઓને ઉચિત જવાબ આપી શકી નથી. 

ફ્રાંસની એન્ટી કરપ્શન એજન્સી એએફએ દ્વારા દસોલ્ટનાં ખાતાઓનાં ઓડિટ હાથ ધરવામાં આવેલાં. જેમાં આ ખુલાસો થતાં દસોલ્ટે સ્પષ્ટતામાં કહ્યું હતું કે, આ પૈસાનો ઉપયોગ રાફેલ વિમાનના પ૦ જેટલા મોટા મોડેલ-પ્રતિકૃતિઓ બનાવવા માટે થયો હતો. જો કે વાસ્તવમાં આવા કોઈ મોડેલ બન્યા હોવાની પુષ્ટિ મળી નથી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઓડિટમાં આ ગોટાળો બહાર આવ્યા બાદ પણ એજન્સી તરફથી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નહોતી. જે ફ્રાંસના રાજનેતાઓ અને ન્યાય વ્યવસ્થાની મિલીભગત બતાવે છે. દસોલ્ટ ગ્રુપ તરફથી ગિફ્ટમાં અપાયેલી રકમનો બચાવ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર ભારતીય કંપની ડીફ્સીસ સોલ્યુશન્સનાં ચલણના આધારે એવું બતાવવામાં આવ્યું હતું કે, રાફેલનાં પ૦ જેટલા મોડેલ તૈયાર થયાં હતાં અને તેની અડધી રકમ કંપનીએ ચૂકવી હતી. પ્રત્યેક મોડેલની કિંમત આશરે ૨૦ હજાર યુરો જેટલી હતી. જો કે આ તમામ આરોપોના દસોલ્ટ પાસે કોઈ જવાબ નહોતા.