રાફેલ યુધ્ધ વિમાનો સાથે સંબંધિત માહિતી કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટને નહિ આપે

0
986

સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકાર પાસેથી રાફેલ યુધ્ધ વિમાન અંગેની જાણકારી માગવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે ટોચના સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર એ અંગે એફિડેવિટ દાખલ કરીને પોતાની અસમર્થતા પ્રગટ કરશે. એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની બેંચ સમક્ષ જણાવ્યું હતું કે, ફુલ્લી- લોડેડ રાફેલ જેટ વિમાનની કિંમતો વિષે સંસદને પણ માહિતગાર ન કરી શકાય. અદાલતે વેણુગોપાલને જણાવ્યું હતું કે, રાફેલની કિંમત અંગેની માહિતી કોર્ટ કે સંસદને જણાવી શકાય એમ ના હોય તો એ બાબત તમારે એફિડેવિટ દાખલ કરવી જોઈએ. અદાલતની બેન્ચે વિશેષમાં જણાવ્યું હતું કે, ગોપનીય તેમજ વ્યૂહાત્મક મહત્વ ધરાવતી બાબતો સાર્વજનિક કરવી જરૂરી નથી.

સુપ્રીમ કોર્ટે રાફેલ વિમાન  વિષયક સંબંધિત ચાર પિટિશનની સુનવણી હાથ ધરી હતી. જેમાં એટવોકેટ પ્રશાંતભૂષણ, પૂર્વમંત્રી અને નામાંકિત પત્રકાર અરુણ શૌરી અને ભાજપના અગ્રણી નેતા યશવંત સિંહાની અરજીઓ પણ શામેલ છે. સુપ્રીમ કોર્ટે આ કેસની આગલી સુનાવણી માટે 14 નવેમ્બરની તારીખ નિશ્ચિત કરી છે.

ફ્રાંસની કંપની સાથે કરવામાં આવેલા રાફેલ વિમાનની ખરીદીના સોદામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને સરકાર દ્વારા કશુંક અયોગ્ય કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો દ્વારા સતત કરવામાં આવી રહયો છે. સરકાર દ્વારા એવી દલીલ કરવામાં આવી રહી છે કે આ સોદાની વિગતો સાર્વજનિક કરવી રાષ્ટ્રના હિતમાં નથી. ભારતના વિરોધી દેશ એનો ફાયદો ઊઠાવી શકે એવી શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here