રાફેલ યુધ્ધ વિમાનના સોદા અંગે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો :રાફેલ અંગે કરવામાં આવેલી તમામ પિટિશન રદબાતલ કરી .. ચુકાદામાં મહત્વની વાત કરી : રાફેલની ખરીદીના સોદામાં અમને કશું જ ખોટું કે અયોગ્ય થયેલું જણાયું નથી.

0
639

 

સુપ્રીમ કો્ર્ટે આજે રાફેલ યુધ્ધ વિમાનના સોદા અંગે તપાસની માગણી કરતી પિટિશનની સુનાવણી કરતાં ખૂબ જ મહત્વની વાત કરી હતી. દેશની સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયમૂર્તિ જસ્ટિસ રંજન ગોગોઈએ જણાવ્યું હતું કે, રાફેલની ખરીદ માટેના સોદાની કાર્યવાહીમાં, એની તમામ પ્રક્રિયામાં અમને કશું પણ અયોગ્ય થયું હોય એવું જણાયું નથી. એની કોઈ પણ કામગીરીમાં કંઇ પણ ભેદભાવ કરવામાં આવ્યો હોય એવું કોઈ કારણ અમને મળ્યું નથી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ જણાવ્યું હતું કે, ઓફસેટ પાર્ટનરના વિકલ્પમાં દખલ કરવાનું કોઈ કારણ નથી.

સમગ્રદેશના રાજકીય ક્ષેત્રમાં રાફેલ વિમાનની ખરીદીના સોદાનો મામલો ચર્ચાના ચકડોળે ચઢયો હતો. કોંગ્રેસ સહિતના વિપક્ષો જાતજાતના આક્ષેપ કરતા હતા. એમાંય કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી રોજબરોજ નવા નવા આરોપો મૂકતા હતા. ભાજપ સરકાર અને નરેન્દ્ર મોદીની પ્રમાણિકતા અને નિષ્ઠા સામે શંકા સ્પદ માહોલ સર્જવામાં આવતો હતો. તેમની નિષ્ઠા સામે સવાલો ઉભા કરાતા હતા. તેમણે રાફેલ વિમાનના સોદામાં પક્ષપાત કર્યો છે, ભ્રષ્ટાચાર કર્યો છે એવી વાતો કરવામાં આવતી હતી. તાજેતરના સંસદના શિયાળુ સત્રમાં રાફેલના મામલે મોદી સરકારને સકંજામાં લેવાની કોંગ્રેસની મેલી મુરાદ પર પાણી ફરી વળ્યું છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી મોદી સરકારને મોટી રાહત મળી છે. કોંગ્રેસને મોટો ધક્કો લાગ્યો છે. કોંગ્રેસે મોદી સરકાર પર આરોપ મૂક્યો હતો કે, મોદી સરકારે અગાઉની યુપીએ સરકારની તુલનામાં ત્રણ ગણી વધારે કિંમત આપીને રાફેલ યુધ્ધ વિમાનનો સોદો કર્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, રાફેલની કિંમત બાબત નિર્ણય લેવાનું કામ કોર્ટનું નથી. અમે મોદી સરકારને 126 વિમાનોની ખરીદી માટે મજબૂર ના કરી શકીએ. એ જરૂરી નથીકે અદાલત સોદાના દરેક પાશાની તપાસ કરે. વળી વિમાનની કિંમતોની સરખામણી કરવી એ અદાલતનું કામ નથી. અમને ફ્રાંસની કંપની પાસેથી 36 રાફેલ વિમાનોની ખરીદીની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાનું કોઈ જ કારણ મળ્યું નથી.

 સુપ્રીમ કોર્ટની ચીફ જસ્ટિસની બેન્ચે વધુમાં જણાવ્યું હતુંકે, રાફેલ વિમાનના સોદા બાબત સવાલો ઊભા થયા, વિવાદ સર્જાયો ત્યારે ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસવા આલાંદે  જે નિવેદન આપ્યું હતું તે ન્યાયિક સમીક્ષાનો આધાર બની શકે નહિ. રાફેલ અંગેના કરારમાં નિણૅય લેવાની પ્રક્રિયા પર કોઈ શંકાને સ્થાન નથી.

રાફેલના સોદામાં વિમાનોની વધેલી કિંમત, સરકારી કંપની એચએએલને સોદામાંથી બાકાત રાખવા, અનિલ અંબાણીની કંપનીને દસોલ્ટ એવિએશન દ્વારા ઓફસેટ પાર્ટનર બનાવવા વગેરે મુદા્ઓ માટે ભારે વિવાદ થયો હતો. આ મામલા માટે કોંગ્રેસે ભારે આક્રમક વલણ અપનાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવવાથી મોદી સરકાર પર કરાતા ભ્રષ્ટાચારના આરોપ ખોટા પુરવાર ઠર્યા છે. સરકારનો પક્ષ વધુ મજબૂત બની પ્રગટ થયો છે. અનિલ અંબાણીએ જણાવ્યું હતું કે, રિલાયન્સ ગ્રુપ અને મારી વિરુધ્ધ કરવામાં આવેલા આરોપો રાજકારણથી પ્રેરિત હતા.

 કેન્દ્ર સરકારે રાફેલ અંગેના તમામ દસ્તાવેજો સિલબંધ કવરમાં સુપ્રીમ કોેર્ટને સોંપ્યા હતા. રાફેલની કિંમત બાબત પણ એક અલગ દસ્તાવેજ અદાલતનો સોંપવામાં આવ્યો હતો. સરકારે કોર્ટને જણાવ્યું હતું કે, કુલ 74 બેઠકોમાં ચર્ચા- વિચારણા કર્યા બાદ રાફેલ યુધ્ધ વિમાનની ખરીદી અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.  સરકારે અદાલતને જણાવ્યું હતું કે, સરકારી કંપની એચએએલને રાફેલનું નિર્માણ કરવાૈ માટે ફ્રાંસની દસોલ્ટ કંપની કરતા 2.7 ગણા વધુ સમયની જરૂર હતી.

  રાફેલ વિમાનની સોદા બાબત તપાસની માગણી કરતી અરજીઓ  એમ એલ શર્મા, સંજય સિંહ, વિનિત ઢાંડા, યશવંત સિંહા, અરુણ શૌરી અને પ્રશાંતભૂષણ દ્વારા કરવામાં આવી હતી.