રાફેલમાં ૬૫ કરોડનું કમિશન ચૂકવાયાનો ફ્રાન્સના મીડિયા મીડિયાપાર્ટેનો દાવો

 

નવી દિલ્હીઃ ભારત અને ફ્રાન્સ વચ્ચેના રાફેલ યુદ્ધવિમાન સોદામાં ફરી એક વખત ભ્રષ્ટાચારનું ભૂત ધૂણ્યું છે. ફ્રાન્સના મીડિયા ‘મીડિયાપાર્ટે’ દાવો કર્યો હતો કે ફ્રાન્સની વિમાન કંપની દસોલ્ટ એવિએશને ૩૬ વિમાનના સોદા માટે એક વચેટિયાને આશરે ૬૫ કરોડ રૂપિયા કમિશન આપ્યું હતું અને તેના દસ્તાવેજ હોવા છતાં પણ ભારતીય એજન્સીઓએ તેની તપાસ કરી ન હતી. મીડિયાપાર્ટે જણાવ્યું હતું કે આ માટે બનાવટી બિલ બનાવવામાં આવ્યાં હતાં. પબ્લિકેશને એવો પણ દાવો કર્યો હતો કે ઓક્ટોબર-૨૦૧૮થી સીબીઆઈ અને ઈડીને પણ આ અંગે જાણ હતી કે એવિએશને સુશેન ગુપ્તા નામના વચેટિયાને ૭૫ લાખ યુરો (આશરે ૬૫ કરોડ રૂપિયા)નું કમિશન આપ્યું હતું. આ બધું કંપનીએ એટલા માટે કર્યું હતું કે ભારત સાથે ૩૬ યુદ્ધવિમાનનો સોદો પૂર્ણ થઈ શકે. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ગુપ્તાએ દસોલ્ટ એવિએશન માટે મધ્યસ્થીનાં રૂપમાં કામ કર્યું હતું.

સુશેન ગુપ્તાની મોરેશિયસ સ્થિત કંપની ઈન્ટરસ્ટેલર ટેક્નોલોજિસને ૨૦૦૭થી ૨૦૧૨ દરમ્યાન દસોલ્ટ પાસેથી ૭૫ લાખ યુરો મળ્યા હતા. મીડિયાપાર્ટે દાવો કર્યો હતો કે મોરેશિયસ સરકારે ૧૧ ઓક્ટોબર ૨૦૧૮ના તેનાથી જોડાયેલા દસ્તાવેજો સીબીઆઈને સોંપ્યા પણ હતા જેને બાદમાં સીબીઆઈએ ઈડીને પણ આપ્યા હતા. મીડિયાપાર્ટનો દાવો છે કે, ૪ ઓક્ટોબર, ૨૦૧૮નાં રોજ સીબીઆઈને રાફેલ સોદામાં ભ્રષ્ટાચાર થયાની ફરિયાદ મળી હતી અને તેનાં એક અઠવાડિયા પછી જ છૂપી દલાલીના દસ્તાવેજો પણ મળી ગયા હતા, તેમ છતાં સીબીઆઈએ આમાં કોઈ સક્રિયતા દેખાડી નહોતી. અહેવાલમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે ભારતે યુદ્ધવિમાન ખરીદવાની ઘોષણા કરી ત્યારે જ દસોલ્ટે ૨૦૦૧માં સુશેન ગુપ્તાને વચેટિયા તરીકે રોકી લીધો હતો. જો કે, આની પ્રક્રિયા ૨૦૦૭માં શરૂ થઈ હતી. 

ઉલ્લેખનીય છે કે, સુશેન ગુપ્તા ઓગસ્ટા વેસ્ટલેંડ સોદા સાથે પણ જોડાયેલો હતો. એવો ઘટસ્ફોટ પણ થયો છે કે, એક ભારતીય આઈટી કંપની આઈડીએસ પણ આમાં સામેલ છે. આ કંપનીએ ૧ જૂન, ૨૦૦૧નાં ઈન્ટરસ્ટેલર ટેકનોલોજી સાથે સમજૂતી કરી હતી, જેમાં નક્કી થયું હતું કે, દસોલ્ટ એવિએશન અને આઈડીએસ વચ્ચે જે કંઈપણ કરાર થશે તેની કિંમતનાં ૪૦ ટકા જેટલું કમિશન ઈન્ટરસ્ટેલરને આપવામાં આવશે. આઈડીએસનાં એક અધિકારીએ સીબીઆઈને જણાવ્યું હતું કે, આ સોદો ગુપ્તાનાં વકીલ ગૌતમ ખેતાને કરાવ્યો હતો, જે ઓગસ્ટ વેસ્ટલેન્ડ કેસમાં પણ તપાસનાં દાયરામાં હતો.

સીબીઆઈને મળેલા દસ્તાવેજોમાં ખ્યાલ આવે છે કે સુશેન ગુપ્તાની બનાવટી કંપનીને આ રીતે ૨૦૦૨થી ૨૦૦૬ વચ્ચે ૯.૧૪ લાખ યુરો મળ્યા હતા. ઈન્ટરસ્ટેલર પણ એક છદ્મ કંપની જ હતી, જેની કોઈ ઓફિસ કે કર્મચારી હતા નહીં. ઈડીનાં દસ્તાવેજો મુજબ સુશેને કહ્યું હતું કે, અનેક ભારતીય અધિકારીઓને પણ દસોલ્ટે નાણાં આપ્યાં છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, ૨૦૧પમાં જ્યારે રાફેલનો સોદો આખરી ચરણમાં હતો, ત્યારે ગુપ્તાએ ભારતીય સંરક્ષણ મંત્રાલયમાંથી કેટલાક ગુપ્ત દસ્તાવેજો પણ મેળવી લીધા હતા.