રાની મુખરજીની ચાર વર્ષ પછી કમબેક ફિલ્મ ‘હિચકી’


સામાન્ય શિક્ષક ભણાવે છે, સારો શિક્ષક સમજાવે છે, ઘણો સારો શિક્ષક કામ કરીને બતાવે છે, પરંતુ કોઈ ખાસ શિક્ષક તમારી પ્રેરણા બને છે, જેને તમે આજીવન યાદ રાખો છો. આવી જ પ્રેરણા આપનારા પોતાના શિક્ષક મિસ્ટર ખાનથી પ્રેરિત ફિલ્મ ‘હિચકી’ની નૈના માથુર (રાની મુખરજી)ના જીવનની કથની પણ કંઈક આવી જ છે. અભિનેત્રી રાની મુખરજીની કમબેક ફિલ્મ ‘હિચકી’માં કોઈ નવીનતા નથી, પરંતુ રાની મુખરજીના ચાહકોએ આ ફિલ્મ તેની શાનદાર એક્ટિંગ માટે અચૂક જોવી જોઈએ.
સોશિયલ ડ્રામા ‘હિચકી’ના ડિરેક્ટર સિદ્ધાર્થ મલહોત્રા છે. યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ હોલીવુડની મુવી ‘ફ્રન્ટ ઓફ ધ ક્લાસ’થી પ્રેરીત છે.
ફિલ્મની વાર્તા નૈના માથુર (રાની મુખરજી)થી શરૂ થાય છે. રાની ટોરેટ સિન્ડ્રોમથી પીડાય છે, જેના કારણે તેને વારંવાર હિચકી આવે છે અને તેને બોલવામાં મુશ્કેલી થતી હોય છે. તેણે નાનપણમાં 12 સ્કૂલો બદલવી પડે છે. આથી તેને શિક્ષિકાની નોકરી મળવામાં તકલીફ પડે છે. છેલ્લાં પાંચ વર્ષમાં 18 સ્કૂલોમાં રિજેક્ટ થાય છે. અંતે તેને એક સ્કૂલમાં નોકરી મળે છે અને 14 સ્લમ એરિયાનાં બાળકોને ભણાવવાની જવાબદારી સોંપવામાં આવે છે. આ બાળકોને ભણાવવાની જવાબદારી રાની લે છે, પરંતુ આ બાળકો રાનીને હેરાનપરેશાન કરે છે. રોજેરોજ બાળકો રાનીને અવનવી તરકીબોથી હેરાન કરે છે. આ બાળકોને સુધારવામાં રાની સફળ થાય છે કે કેમ તે જાણવા આ ફિલ્મ જોવી જોઈએ.
આ પ્રકારની ફિલ્મો સમાજમાં ટોરેટ સિન્ડ્રોમ જેવી બીમારીઓ વિશે જાગરૂકતા લાવવાનું કામ કરે છે, જેને સામાન્યપણે આપણે હસવામાં લઈએ છીએ.
ફિલ્મમાં નવીનતા નથી અને હવે શું બનશે તેનો ખ્યાલ આવી જાય છે.
ફિલ્મમાં રાનીની ભૂમિકા અમેરિકન મોટિવેશનલ સ્પીકર-ટીચર બ્રેડ કોહેનથી પ્રેરિત છે, જે ટોરેટ સિન્ડ્રોમના કારણે તમામ મુશ્કેલી સામે ઝઝૂમી સફળ શિક્ષક બન્યા હતા. તેમણે પોતાના જીવન પર એક પુસ્તક લખ્યું હતું, જેના ઉપર સન 2008માં ‘ફ્રન્ટ ઓફ ધ ક્લાસ’ નામની અમેરિકન ફિલ્મ બની હતી.


રાની મુખરજી અગાઉ 2014માં આદિત્ય ચોપરા સાથે લગ્ન પછી ‘મર્દાની’ ફિલ્મમાં આવી હતી. પોતાની પુત્રી અદિરાના જન્મ પછી ચાર વર્ષના સમયગાળા બાદ રાની સિલ્વર સ્ક્રીન પર પાછી આવી છે. ચાર વર્ષ પછી રાની ફિલ્મી પડદે કમબેક કરી રહી છે. આ ફિલ્મ સંપૂર્ણપણે રાની મુખરજીની છે. તેણે પોતાના રોલને બખૂબીથી અદા કર્યો છે. ‘બ્લેક’ જેવી દમદાર ફિલ્મ કરનાર રાનીએ દર્શાવ્યું છે કે તે લાગણીશીલ ભૂમિકા સારી રીતે ભજવી શકે છે. સચીન અને પ્રિયા પિલગાંવકરે રાનીનાં માતાપિતાની ભૂમિકા ભજવી છે. રાનીના ભાઈના રોલમાં હુસેન દલાલ છે.
જો તમે રાની મુખરજીના ચાહક છો અને કંઈક અલગ ફિલ્મ જોવા આતુર છો, તો તમારે આ ફિલ્મ જોવી જોઈએ. જીવનનો અસલ પાઠ ભણાવવા માટે તમારાં બાળકોને પણ પોતાની સાથે ફિલ્મ જોવા લ જવાં જોઈએ.