રાડુકાનુ બની યુએસ ઓપન ચેમ્પિયન

 

ન્યુ યોર્કઃ બ્રિટનની ૧૮ વર્ષીય એમ્મા રાડુકાનુએ કેનેડાની ૧૯ વર્ષની લાયલા ફર્નાન્ડિઝને હરાવીને યુએસ ઓપનનો ખિતાબ જીત્યો છે. યુએસ ઓપનમાં રર વર્ષ બાદ યોજાયેલી ઓલ ટીનએજ વિમેન્સ સિંગલ્સ ફાઇનલમાં રાડુકાનુએ લાયલાને ૬-૪, ૬-૩થી હરાવી નવો ઇતિહાસ રચ્યો હતો.

આ પહેલા રાડુકાનુએ ગ્રીસની મારિયા સાક્કારીને ૬-૧, ૬-૪થી હરાવીને ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પ્રવેશનારી પ્રથમ ક્વોલિફાયર બની હતી. ફાઇનલ રમનાર બંને ટીનએજ ખેલાડીઓની આ પહેલી ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ હતી. રાડુકાનું છેલ્લાં પ૩ વર્ષમાં આ ખિતાબ જીતનારી પહેલી બ્રિટિશ ખેલાડી છે. તે યુએસ ઓપનમાં અત્યાર સુધી કોઈ સેટ હારી નથી. તેણે તમામ ૧૮ સેટ જીત્યા છે જેમાં ક્વોલિફાઇંગના ૩ અને મેઇન ડ્રોના ૬ મેચ સામેલ છે.

યુએસ ઓપનમાં વર્ષ ૧૯૯૯ બાદ પહેલીવાર એવું બન્યું જયારે બે ટીનએજ ખેલાડીઓ વચ્ચે ફાઇનલ રમાઈ હતી. રાડુકાનું ગત મહિને ન્યુ યોર્કમાં દુનિયાની ૧પ૦મી રેન્કના ખેલાડી તરીકે આવી હતી અને આ પહેલા તેણે માત્ર એક ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. ખિતાબ જીત્યા બાદ રાડુકાનુએ કહ્યું કે મહિલા ટેનિસનું ભવિષ્ય અને હાલ ખેલની ઉંડાઈ શાનદાર છે. તેને લાગે છે કે ડ્રોમાં સામેલ તમામ ખેલાડી પાસે ટુર્નામેન્ટ જીતવાની તક હતી.