રાજ્યસભાની ચૂંટણીઃ ભાજપ-કોંગ્રેસમાં ઉચાટભરી સ્થિતિ

 

અમદાવાદઃ ૧૯મી શુક્રવારે રાજયમાં રાજયસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ અને કોંગ્રેસ બંને માટે ખૂબ જ અગત્યની એવી આ ચૂંટણીને લઇને બંને પક્ષોમાં ઉચાટની સ્થિતિ જોવા મળી રહી છે. કોંગ્રેસને બીક છે કે આટલી મહેનત પછી પણ બની શકે કે તેના કેટલાક ધારાસભ્યો ૨૦૧૭ની જેમ ક્રોસ વોટિંગ કરી શકે છે. જયારે ભાજપ માટે ચિંતાનું કારણ પોતાના ધારાસભ્યો ૨૦૧૭ની જેમ વોટિંગ દરમિયાન કોઈ ભૂલ કરી બેસશે તો તેમનો મત ગેરકાયદે ઠરશે. રાજયસભાની ચૂંટણીમાં એક એક મતની ખૂબ જ કિંમત હોય છે ત્યારે જો એક પણ મત આ રીતે ગુમાવવો પડે તો તે નુકસાનકારક છે. જેને લઈને ભાજપ ચિંતિત છે. મહત્ત્વનું છે કે ૨૦૧૭માં યોજાયેલ રાજયસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ૮ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરી પાર્ટીના મેન્ડેટને નકારી દીધો હતો અને ભાજપના ઉમેદવાર તરફી મતદાન કર્યું હતું. ભાજપના એક ધારાસભ્યે મતદાન સમયે પાળવામાં આવતા નિયમોમાં ભૂલ કરવાથી તેમનો મત ગેરકાયદે કરવામાં આવ્યો હતો. જેના કારણે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલ ખૂબ જ પાતળી સરસાઈથી વિજેતા બન્યા હતા. આ વખતે પણ કોંગ્રેસના કેટલાક દિગ્ગજ નેતાઓને ભય સતાવી રહ્યો છે કે ભલે હાલ કોંગ્રેસી ધારાસભ્યો પક્ષની સાથે ઉભા હોય પરંતુ મતદાન સમયે તેઓ ભાજપ તરફી મતદાન કરી શકે છે. જેથી કોંગ્રેસના બંને ઉમેદવારોને જીતાવવા લગભગ અશકય બની શકે છે. ગુજરાતમાં આ વખતે રાજયસભાની ૪ બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. જેના માટે કોંગ્રેસે ૨ ઉમેદવાર શકિતસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીના નામ છે જયારે ભાજપ તરફથી અભય ભારદ્વાજ, રમિલાબેન બારા અને નરહરી અમીનના નામ નિશ્ચિત કરવામાં આવ્યા છે. જે પૈકી ૪ ઉમેદવારોને ગુજરાતના ધારાસભ્યો મત આપશે.