રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાના ૪૭૦ કેસો નોંધાયા, સંક્રમિતોની સંખ્યા ૨૧૦૦૦ને પાર

 

ગાંધીનગરઃ કોરોના મહામારી દરમિયાન તા. ૧લી જૂનથી અનલોક-૧નો અમલ થયો ત્યારથી ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધી છે. જેમાં છેલ્લાં ૨૪ કલાકમાં રાજ્યમાં ૪૭૦ નવા પોઝિટિવ દર્દી નોંધાયા છે. જ્યારે સારવાર દરમિયાન મંગળવારે વધુ ૩૩ દર્દીનાં મૃત્યુ થયાં છે. ઉપરાંત રાજ્યમાં ૪૦૯ દર્દી કોરોનાને માત આપી સાજા થઈને ઘરે ગયા છે. ગાંધીનગરમાં ફરજ બજાવતા સિનિયર આઈએએસ અધિકારી હારિત શુક્લનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તેમને હવે સારવાર આપવામાં આવી રહી છે. મંગળવારે નવા ૪૭૦ કેસ સાથે રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ હોય તેવા કેસની સંખ્યા વધીને ૨૧,૦૪૪ સુધી પહોંચી છે. મંગળવારે રાત્રે આરોગ્ય વિભાગનાં સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૪૭૦ કેસો નોંધાયા છે. જેના પગલે રાજ્યમાં કોરોના પોઝિટિવ હોય તેવા કુલ કેસ વધીને ૨૧,૦૪૪ સુધી પહોંચી ગયા છે. ૪૭૦ કેસ પૈકી અમદાવાદમાં ૩૩૧, સુરતમાં ૬૨, વડોદરામાં ૩૨, ગાંધીનગરમાં ૮, મહેસાણામાં ૧, ભાવનગરમાં ૩, બનાસકાંઠામાં ૧, રાજકોટમાં ૨, અરવલ્લીમાં ૧, સાબરકાંઠામાં ૫, આણંદમાં ૪, પંચમહાલમાં ૩, પાટણમાં ૩, કચ્છમાં ૧, ખેડામાં ૩, ભરૂચમાં ૨, વલસાડમાં ૨, જૂનાગઢમાં ૧, નવસારીમાં ૧, અમરેલીમાં ૩, અન્ય રાજ્યના ૧ એમ કુલ ૪૭૦ કેસનો સમાવેશ થાય છે. જ્યારે સારવાર દરમિયાન રાજ્યમાં મંગળવારે વધુ ૩૩ દર્દીનાં મૃત્યુ થયાં છે. જેમાં એકલા અમદાવાદમાં ૨૭, સુરતમાં ૨, મહેસાણામાં ૧, અરવલ્લીમાં ૧, અમરેલીમાં ૧ અને પંચમહાલમાં ૧ એમ કુલ ૩૩ દર્દીનો સમાવેશ થાય છે. આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુ આંક વધીને ૧૩૧૩ સુધી પહોંચી ગયો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં ૨,૬૧,૫૮૭ ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલમાં રાજ્યમાં સારવાર હેઠળ ૫૩૫૮ દર્દી છે. જેમાંથી ૬૪ દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે ૫૨૯૯ દર્દી સ્ટેબલ છે. જુદા જુદા જિલ્લાઓમાં રાજ્યમાં ૨,૦૯,૬૭૩ લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી ૨,૦૩,૦૫૦ લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. મંગળવારે સારવાર દરમિયાન વધુ ૪૦૯ દર્દી સાજા થઈ ઘરે ગયા છે. જેમાં અમદાવાદમાં ૨૪૮, વડોદરામાં ૬૪, સુરતમાં ૪૮, છોટા ઉદેપુરમાં ૯, બનાસકાંઠામાં ૬, મહેસાણામાં ૫, નવસારીમાં ૫, ખેડામાં ૩, રાજકોટમાં ૩, સુરેન્દ્રનગરમાં ૩, અમરેલીમાં ૨, અરવલ્લીમાં ૨, ભાવનગરમાં ૨, ગાંધીનગરમાં ૨, પંચમહાલમાં ૨, આણંદમાં ૧, જૂનાગઢમાં ૧, કચ્છમાં ૧, પાટણમાં ૧ અને વલસાડમાં ૧ એમ કુલ ૪૦૯ દર્દી કોરોનાને માત આપી ઘરે ગયા છે.

સૌરાષ્ટ્રના ભાવનગરમાં અચાનક કોરોના વિસ્ફોટ થતાં લોકોમાં ગભરાટનો માહોલ છે. ભાવનગર જિલ્લામાં એક સાથે ૮ પોઝીટીવ કેસ આવતા તંત્ર મુશ્કેલીમાં મૂકાયું છે. બીજી તરફ ભાવનગરમાં કોરોનાના કારણે વધુ એકનું મોત થયું છે. ૬૬ વર્ષના વૃધ્ધનું કોરોનાના કારણે મોત થયું છે. ભાવનગર વિમાન દવાખાના નજીક રહેતા આ વૃધ્ધને ૩ જૂન, ૨૦૨૦ના ના રોજ સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે તેમનું સારવાર દરમિયાન મોત નીપજયું છે.

આ સાથે ભાવનગર કોરોના મૃત્યુ આંક ૧૧ પર પહોંચ્યો છે. નોંધાયેલા ૮ કેસો પૈકી ૬ કેસો તો શહેરી વિસ્તારના છે જ્યારે ભાવનગર જિલ્લામાં બે કેસ નોંધાયા છે. ભાવનગર સીટી વિસ્તારના છ કેસ નોંધાતાં લોકોમાં ગભરાટ છે. સત્તાવાર સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે કોરોના પોઝીટીવ કેસમાં ૫ લોકોની ટ્રાવેલિંગ હિસ્ટ્રી અમદાવાદની છે જ્યારે અન્યની હિસ્ટ્રી અંગે તંત્ર તપાસ કરી રહ્યું છે. હાલ ભાવનગરમાં વધુ ૮ કેસ સાથે કુલ કોરોના પોઝિટિવ કેસનો આંક ૧૫૦ પર પહોંચ્યો, તો અત્યાર સુધીમાં ૧૧ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.