રાજ્યમાં દશેરાએ ૧૫૦ કરોડનો ફાફડા-જલેબી ચટાકો

 

અમદાવાદ: ફરસાણ માટે અનેરી ઓળખ ધરાવતા ગુજરાતનાં જાણીતા ફાફડા-જલેબીનો વેપાર આ દશેરાએ ૧૫૦ કરોડને આંબી ગયો છે. કાચા માલના ભારે ભાવવધારો હોવા છતાંય સ્વાદના રસિયાઓએ આ વર્ષે જલેબી અને ફાફડા મન મૂકીને માણ્યા હતા. નોંધપાત્ર છે કે ઉત્પાદન અને વેચાણમાં પણ ૩૦%નો જંગી વધારો નોંધાયો હતો. ફરસાણઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રો પ્રમાણે આ વર્ષે માંગ સારી હતી. વેચાણ અને ફાફડા અને જલેબીનું ઉત્પાદન પણ ૩૦% વધ્યું હતું.

બે વર્ષના કોરોનાકાળ પછી અનેક વેપારમાં વૃદ્ધિ આવી એમ ફરસાણ ઉદ્યોગને પણ સારી આશાઓ મળી હતી. ગુજરાતીઓએ હોંશથી ફાફડા, જલેબીની માંગમાં વધારો જોયો છે. ગુણવત્તા અને સ્વચ્છતાના આગ્રહી ગુજરાતીઓએ  કોર્પોરેટ ગિફ્ટ બોક્સ તરીકે પણ ફાફડા-જલેબીનો મોટેપાયે ઉપાડ કર્યો હતો. એક અંદાજ પ્રમાણે શહેરમાં એક જ દિવસમાં લગભગ ૮ લાખ કિલો ફાફડા અને જલેબીનું વેચાણ થયું હતું. આ વર્ષે, બંને વસ્તુઓના ભાવમાં સરેરાશ ૨૦%નો વધારો થયો છે. ફાફડાની કિંમત ‚. ૭૦૦થી ‚. ૯૦૦ પ્રતિ કિલો છે, જ્યારે જલેબીની કિંમત ‚. ૧,૦૦૦થી ‚. ૧,૩૦૦ કિલો છે. આ વખતે બંને આઇટમોનું વેચાણ સારું હતું અને ભાવમાં વધારો થવા છતાં વેપારીઓએ ૨૫-૩૦% વધારો મેળવ્યો હતો. મીઠાઈ અને ફરસાણની દુકાનોએ સમગ્ર અમદાવાદમાં અસંખ્ય હંગામી સ્ટોલ ઊભા કર્યા હતાં.