રાજ્યમાં કેન્સરના દર્દીઓને રેડિયો એક્ટિવ સારવારમાં વધુ સુવિધા મળશે

અમદાવાદઃ ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈસ્ટિટ્યુટમાં સાયક્લોટ્રોન પ્રોજેક્ટ શરૂ કરવા માટે રાજ્ય સરકારે ૭૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં આરોગ્ય વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય ઉપરાંત આરોગ્ય સેવાઓના સંદર્ભમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા.
ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટમાં આ પ્રોજેક્ટ શરૂ થવાથી વધુ પ્રમાણમાં ઉત્પાદન ક્ષમતા સાથે જ્યારે જોઈએ ત્યારે રેડિયો એક્ટિવ પદાર્થ મળી શકશે. એટલું જ નહીં, દર્દી-દીઠ તપાસમાં પણ ઓછો ખર્ચ આવશે. આ સાયક્લોટ્રોન પ્રોજેક્ટ અને તેની સુસંગત વ્યવસ્થા માટે ૧૦૦૦ સ્ક્વેર મીટર જગ્યાની જરૂરિયાત સાયક્લોટ્રોન બંકર બનાવવા તથા બેઝમેન્ટ સહિત પાંચ માળના યુટિલિટી બિલ્ડિંગ નિર્માણ માટે ૧૦૦૦ સ્ક્વેર મીટર જગ્યાની જરૂરિયાત રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ સમગ્ર પ્રોજેક્ટનું પ્રેઝન્ટેન્શન આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કર્યુ હતું. આ સાયક્લોટ્રોન ફોર ન્યુક્લિયર મેડિસીનનો પ્રોજેક્ટ અંદાજે બે વર્ષની અવધિમાં પૂર્ણ થશે. હાલની સ્થિતિએ ઈન્સ્ટિટ્યુટમાં ન્યુક્લિયર મેડીસીન વિભાગનું પોતાનું સાયક્લોટ્રોન ના હોવાને કારણે વર્ષે દિવસે 4 હજાર જેટલા દર્દીઓને જ લાભ મળે છે. કેટલાક મોલેક્યુલસ એવા હોય છે જેની થોડી જ મિનીટો માટે હોય છે. આવી કોઇ પણ તપાસ અત્યારે આ ઇન્સ્ટીટ્યુટમાં શકય નથી, પરંતુ સાયકલોટ્રોન પ્રોજેક્ટ અન્વયે મશીન ઉપલબ્ધ થવાથી કોઇ પણ તપાસ જ્યારે પણ કરવાની હશે ત્યારે કરી શકાશે.
ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટયુટમાં ન્યુકિલયર મેડીસીન વિભાગ છેલ્લા ૨૮ વર્ષ કરતા વધુ સમયથી કાર્યરત છે અને આ વિભાગમાં રાજ્ય સરકારની મદદથી સાયકલોટ્રોન પ્રોજેક્ટ હવે કાર્યરત કરવામાં આવશે. આ નવો પ્રોજેક્ટ શરૂ થવાથી ભવિષ્યમાં હાલની સ્થિતીના ચાર ગણા એટલે કે વર્ષે ૧૬ હજાર દર્દીઓને તપાસ અને સારવારનો લાભ આપી શકાશે.