મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં સોમવારે એક જ દિવસે નવા વરાયેલા મુખ્યપ્રધાનો શપથગ્રહણ કરી રહ્યા છે. આ પ્રસંગે હાજર રહેવા માટે વિપક્ષના અગ્રણી નેતાઓને ખાસ આમંત્રણ મોકલવામાં આવ્યા હોવાનું આવ્યું હતું. આશરે 25 જેટલા રાજકીય પક્ષોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. રાજસ્થાનમાં અશોક ગેહલોટે મુખ્યપ્રધાનપદના અને સચિન પાયલોટે ઉપ – મુખ્યપ્રધાન પદના શપથ લીધા હતા, જયપુર કાથે સવારે 10 વાગે શપથવિધિ – સમારંભ યોજાયો હતો. અશોક ગેહલોટ ત્રીજી વખત રાજસ્થાનના મુખ્યમંત્રી બન્યા છે. આ અગાઉ ભૈરોસિંહ શેખાવત અને હરિદવ જોષી પણ ત્રણ વાર રાજસ્થાનના મુખ્યપ્રધાન બન્યા હતા.
મધ્યપ્રદેશની રાજધાની ભોપાળના જંબુરી મેદાનમાં રાજ્યપાલ આનંદીબેન પટેલે કમલનાથને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંધ, ફારુક અબદુલ્લા સહિત વિપક્ષના અનેક નેતાઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા. માત્ર બસપાના નેતા માયાવતી અને સમાજવાદી પક્ષના અખિલેશ યાદવે હાજરી આપી નહોતી. મુખ્યમંત્રી કમલનાથે શપથ લીધા બાદ તરત જ ખેડૂતોને દેવામાંથી માફી આપવાના નિર્ણય પર સહીસિક્કા કર્યા હતા. કોંગ્રેસે આ વિધાનસભાની ચૂંટણી વેળા પ્રજાને વચન આપ્યું હતું કે, જો કોંગ્રેસ આ રાજ્યોમાં સત્તા પર આવશે તો તરત જ ખેડૂતોનું દેવું માફ કરશે. આ નિર્ણય અંતર્ગત, 31મી માર્ચ, 2018સુધીમાં ખેડૂતોનું તમામં દેવું માફ કરી દેવામાં આવશે. રાષ્ટ્રીય તેમજ સહકારી બેન્કો દ્વારા અપાયેલા નાણાનું તમામ દેવું સરકાર માફ કરી દીધું છે. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથે જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશમાં 70 ટકા વસ્તી કૃષિ પર આધારિત છે. તેથી જો કૃષિ ક્ષેત્રમાં પ્રગતિ નહિ થાય તો આખા પ્રદેશની પ્રગતિ કે વિકાસ અટકી પડશે. મુખ્યપ્રધાન કમલનાથે કહ્યું હતું કે, જયાં સુધી ખેડૂતોના ચહેરા પર ખુશી નહિ દેખૈાય ત્યાં સુધી હું ચેનથી બેસીશ નહિ.