રાજસ્થાનના પોખરણમાં વિશ્વની સૌથી ઝડપી ક્રુઝ મિસાઈલ બ્રહ્મોસનું સફળ પરીક્ષણ

0
721

ભારતે  અવકાશી યુધ્ધ -શસ્ત્રોના ક્ષેત્રમાં એક નવો વિક્રમ સર્જયો છે. રાજસ્થાન સ્થિત પોખરણના વિસ્તારમાં જગતની સૌથી ત્વરિત સુપર સોનિક ક્રુઝ મિસાઈલ બ્રહ્મોસનું ફરી વધુ એકવાર સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. વધુ ઊંચાઈએ ઝડપથી ઉડ્ડયન કરીને તેમજ રડારથી બચીને પોતાના લક્ષ્યને ભેદવા માટે પ્રચલિત મિસાઈલ બ્રહ્મોસનું ગુરુવારે સવારે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેને પોતાની કામગીરી સફળતાથી પૂર્ણ કરી હતી. આ મિસાઈલનું નામ ભારતની અતિ જાણીતી નદી બ્રહ્મપુત્રા અને રશિયાની નદી મસ્કવા પરથી સંયુક્તપણે બ્રહ્મોસ રાખવામાં આવ્યું હતું. આ બ્રહ્મોસ મિસાઈલનું પ્રથમ પરીક્ષણ 2001ના જૂન મહિનામાં કરવામાં આવ્યું હતું. આ મિસાઈલની રેન્જ 290 કિલોમીટર છે. આ મિસાઈલ 300 કિલો વજનના આયુધ લઈ જવાની ક્ષમતા ધરાવે છે. જમીન પર પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતી બ્રહ્મોસ મિસાઈલ શત્રુ દેશની સરહદમાં આવેલા ત્રાસવાદી કેમ્પો પર આક્રમણ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. આ પરીક્ષણ સમયે સંબંધિત ક્ષેત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરોક્ત મિસાઈલે નિશ્ચિત કરેલા સ્થાન પર હુમલો કરીને પોતાની યોગ્યતા સાબિત કરી હતી. આ સફળ પરીક્ષણ માટે ભારતના સંરક્ષણપ્રધાન સીતારમણે અભિનંદન આપ્યા હતા.