રાજદ્રોહ બદલ પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને સજા-એ-મોત

0
1161

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. ઇસ્લામાબાદની વિશેષ કોર્ટે ભૂતપૂર્વ તાનાશાહ પરવેઝ મુશર્રફને રાજદ્રોહના મામલે ફાંસીની સજા સંભળાવી છે. તેમને આ સજા નવેમ્બર ૨૦૦૭માં સંવિધાનની અંદર આપાતકાળ લાગુ કરવાને કારણે સંભળાવવામાં આવી છે. મુશર્રફે દેશમાં આપાતકાળ લાગુ કર્યા બાદ માર્શલ લો લગાવી દીધો હતો.
પાક.ના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મુશર્રફને દેશદ્રોહના કેસમાં કોર્ટે મોતની સજા સંભળાવી છે. આ જાણકારી પાકિસ્તાની મીડિયા રિપોર્ટમાં આપવામાં આવી છે. નવેમ્બરમાં ૨૦૦૭માં દેશમાં આપાતકાળ લાગુ કરવા માટે પાક.ના ભૂતપૂર્વ સેનાપ્રમુખ રહેલા જનરલ પરવેઝ મુશર્રફ વિરુદ્ધ દેશદ્રોહનો મામલો પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે શરૂ કર્યો હતો. આ કેસ વર્ષ ૨૦૧૨થી બાકી હતો. લાહોરમાં આવેલી એક વિશેષ કોર્ટે ૭૬ વર્ષીય પરવેઝ મુશર્રફને રાજદ્રોહના આ કેસમાં પાંચ ડિસેમ્બર સુધી નિવેદન નોંધાવવાનો આદેશ આપ્યો હતો. હાલમાં દુબઇમાં રહેતા મુશર્રફે વિશેષ કોર્ટેના આદેશને પડકાર્યો હતો. મુશર્રફ પર ત્રણ નવેમ્બર ૨૦૦૭ના રોજ ઇમર્જન્સી લગાવવા મામલે દેશદ્રોહનો મામલો ચાલી રહ્યો છે.
પાકિસ્તાનના પૂર્વ મુસ્લિમ લીગ નવાઝ સરકારે આ મામલો દાખલ કર્યો હતો અને ૨૦૧૩થી એ પેન્ડિંગ ચાલી રહ્યો હતો. ડિસેમ્બર ૨૦૧૩માં તેમની સામે દેશદ્રોહનો મામલો નોંધાયો હતો, જે બાદ ૩૧ માર્ચ ૨૦૧૪ના રોજ તેમનેે આરોપી ઠેરવવામાં આવ્યા હતા અને એ જ વર્ષે સપ્ટેમ્બરમાં અભિયોજનના તમામ સાક્ષી વિશેષ કોર્ટની સામે રાખવામાં આવ્યા હતા. અપીલ મંચો પર અરજીઓને કારણે પૂર્વ સૈન્યશાસકના કેસમાં મોડું થયું અને એ શીર્ષ કોર્ટ અને ગૃહમંત્રાલયની મંજૂરી બાદ માર્ચ ૨૦૧૬માં પાકિસ્તાનથી બહાર જતા રહ્યા હતા. ગત અઠવાડિયે વિશેષ કોર્ટ ૭૬ વર્ષીય મુશર્રફને દેશદ્વોહ મામલે પાંચ ડિસેમ્બરે નિવેદન રેકોર્ડ કરવા માટે કહ્યું હતું, જે બાદ દુબઇમાં રહેતા મુશર્રફે સમર્થકો માટે સંદેશ જાહેર કરતાં કહ્યું હતું કે તે ખૂબ જ બીમાર છે અને દેશ આવીને નિવેદન આપી શકતા નથી. પાકિસ્તાની મીડિયાની ખબરોમાં જણાવવામાં આવ્યું છે કે મુશર્રફ એક દુલર્ભ પ્રકારની બીમારી અમિલાઇડોસિસથી પીડિત છે. આ બીમારીને કારણે બચેલું પ્રોટીન શરીરનાં અંગોમાં જમા થવા લાગે છે. પરવેઝ મુશર્રફ વર્ષ ૨૦૦૧થી ૨૦૦૮ સુધી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ રહ્યા હતા. વર્ષ ૨૦૦૮માં તેઓ દેશ છોડીને જતા રહ્યા હતા, જે બાદ તે માર્ચ ૨૦૧૩માં પાકિસ્તાન પરત ફર્યા હતા. (ગુજરાત ટાઇમ્સ સંકલન)