રહેવાલાયક શહેરોમાં સુરત ગુજરાતમાં પ્રથમ ક્રમે, દેશમાં છઠ્ઠા ક્રમે

 

સુરતઃ કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ અર્બન એન્ડ હોમ અફેર્સ દ્વારા તાજેતરમાં ‘ઇઝ ઓફ લિવિંગ’ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં જુદાં જુદાં ક્ષેત્ર બાબતે સર્વે કરાયો હતો. આમાં સિટિઝન ફીડબેકની દષ્ટિએ દેશમાં રહેવાલાયક સ્થળોમાં સુરત છઠ્ઠા ક્રમે અને રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યું છે. જોકે હજુ માળખાગત સુવિધા, શિક્ષણ, આરોગ્ય, પોલીસ તેમજ અન્ય સેવાઓ બાબતે થયેલા સર્વેનું તારણ બાકી હોવાથી આ તમામ ગુણો મળ્યા બાદ પ્રથમ ક્રમે સુરત આવે એવી આશા સેવાઈ રહી છે.

દેશનાં ૧૧૬ સ્માર્ટ સિટીમાં રહેતા નાગરિકોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, પ્રદૂષણ, સુરક્ષા વગેરે માપદંડોના આધારે ઓનલાઇન સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. કુલ ૨૪ માપદંડોના આધારે કરાયેલા   સર્વેમાં ગુજરાત રાજ્યમાં સુરત પ્રથમ ક્રમે આવ્યું છે અને દેશમાં છઠ્ઠા ક્રમે છે.

દેશભરમાં રહેવાલાયક શહેરોમાં મધ્યપ્રદેશનું ઇન્દોર શ્રેષ્ઠ શહેર છે. જ્યારે પ્રથમ પાંચ શહેરમાં મધ્યપ્રદેશનાં ત્રણ શહેર છે, જેમાં ભોપાલ અને ગ્વાલિયરનો સમાવેશ થાય છે. અમદાવાદ નવમા ક્રમે છે. દેશમાં કુલ ૩૧,૧૨,૭૭૯ લોકોએ પોતાનાં શહેરો માટે ફીડબેક આપ્યા હતા.

સુરત સહિત ગુજરાતનાં છ શહેરમાં અને કુલ ૧૧૬ સ્માર્ટ સિટીને તેમની કુલ વસતિને એક ટકા નાગરિકો દ્વારા પોતાના શહેર અંગેના અભિપ્રાય ઓનલાઇન આપી શકે એવો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. સુરત શહેરની ૫૦ લાખની વસતિના અંદાજ પ્રમાણે કુલ ૫૦ હજાર નાગરિકો ફીડબેક આપે એવો લક્ષ્યાંક હતો, જેથી સુરત મહાનગરપાલિકા દ્વારા નાગરિકોમાં ફીડબેક લેવામાં આવ્યો હતો અને વિવિધ માપદંડો માટે તમામ ડેટા કલેક્ટ કરી કેન્દ્રમાં સબમિટ કરવામાં આવ્યા હતા. 

સુરત શહેરના ૧,૧૩,૨૪૩ નાગરિકોએ ઓનલાઇન વેબસાઇટ પર પોતાના ફીડબેક આપ્યા હતા અને શહેર માટે પોતાના પ્રતિભાવ આપ્યા હતા.