નવી દિલ્હીઃ બ્રિટનમાં યોજાયેલા જી-૭ શિખર સંમેલનમાં કોરોના રસી અને ચીન પર દબાણ લાવવાની રણનીતિ છવાયેલી રહી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા દિવસે પણ જી-૭ને વર્ચ્યુઅલ સંબોધનમાં વેક્સિનને પેટન્ટમુકત કરવાની હિમાયત કરી હતી અને તમામ દેશો સુધી રસી પહોંચાડવા સહયોગ માગ્યો હતો. ભારત અને દક્ષિણ આફ્રિકાની આ સંદર્ભની દરખાસ્તને ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિશન, ડબલ્યુટીઓના ડાયરેક્ટર જનરલ ઓકોન્જો ઈવિલા અને યુનોના મહામંત્રી એન્ટોનિયો ગિટેરેઝનું સમર્થન મળ્યું હતું.
જી-૭ દેશોએ સંમેલનના સમાપને એવી જાહેરાત કરી હતી કે, આ વર્ષના અંત સુધી વિશ્વના ગરીબ દેશોને એક અબજથી વધુ રસીના ડોઝ અપાશે. વિદેશ મંત્રાલયના અધિક સચિવ પી. હરીશના જણાવ્યા અનુસાર વડા પ્રધાને કોરોના રસીને પેટન્ટમુકત કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને પ્રવાસ છૂટ માટેનું પણ સમર્થન માગ્યું હતું. ભારતની એવી માંગ છે કે, મહામારીના સામના માટે ડબલ્યુટીઓએ વ્યાપારને લગતા અમુક અધિકારો પર હંગામી રોક લગાવવી જોઇએ જેથી તમામ દેશોને રસી અને મેડિકલ ઉપકરણો મળવામાં સરળતા રહેશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જી-૭ શિખર સંમેલનમાં પહેલા દિવસે પણ વર્ચ્યુઅલ ભાગ લીધો હતો. કોરોનાકાળમાં મોદીએ પોતાના ભાષણમાં સ્વાસ્થ્યની વાત કરી કોરોના વાઇરસની મહામારીને પહોંચી વળવા વન અર્થ, વન હેલ્થનો મંત્ર આપ્યો હતો. જી-૭ દેશોના સંમેલનના એક સત્રને ડિજિટલ માધ્યમથી સંબોધતા તેમણે ભવિષ્યની મહામારીઓને રોકવા માટે વૈશ્વિક એકજૂટતા, નેતૃત્વ, સંકલનનું આહવાન કરતાં પડકારોનો સામનો કરવા લોકતાંત્રિક અને પારદર્શી સમાજોની વિશેષ જવાબદારી પર ભાર મૂક્યો હતો. તેમણે કોવિડ સંબંધિત ટેકનોલોજી પર પેટન્ટ છૂટ માટે ભારત અને દક્ષિણ આફ્રિકા દ્વારા ડબલ્યુટીઓમાં રજૂ કરાયેલા પ્રસ્તાવમાં જી-૭ દેશોનું સમર્થન માગ્યુ હતું.
તેમણે વૈશ્વિક સ્વાસ્થ્ય શાસનમાં સુધાર માટે સામૂહિક પ્રયાસોમાં ભારતની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. વડા પ્રધાન મોદીએ આપેલા મંત્રનો જર્મનના ચાન્સેલર એંજેલા મર્કેલાએ ખાસ ઉલ્લેખ કર્યો હતો. ફ્રાંસના રાષ્ટ્રપતિએ વેક્સિન માટે કાચા માલની ભારતને સપ્લાયની અપીલ કરી હતી