રસી, કંપનીઓ પર ટેક્સ, ચીનને ઘેરવા મુદ્દે જી-૭ સંમત

 

કેર્બિસ બે (ઈંગ્લેન્ડ): વિશ્વના સૌથી ધનવાન દેશોએ તેમનાથી ગરીબ દેશોને કોરોનાની સારવાર માટેની રસીના એક અબજ ડોઝ આપવાનો નિર્ધાર કર્યો છે. આ દેશો મલ્ટિનેશનલ કંપનીઓ પર મિનિમમ ટેક્સ લાગુ કરવા પણ સંમત થયા છે અને ચીનની નોન-માર્કેટ ઈકોનોમિક પ્રેક્ટિસને પડકારવા પણ સંમત થયા છે. આ દેશોએ ચીનને શિનજિયાંગ અને હોંગકોંગમાં માનવ અધિકારનો આદર કરવા પણ કહ્યું છે. આની સાથે સાથે ચીન જેને અત્યારસુધી નકારતું આવ્યું છે તે કોરોના વાઇરસના મૂળ શોધી કાઢવા પણ જી-સાતના દેશોએ આહ્વાન કર્યું છે. 

જી-૭ દેશોના નેતાઓની સમિટના સમાપન પ્રસંગે રવિવારે સંબોધન કરતા બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને કહ્યું હતું કે વિવિધ દેશોને રસીના એક અબજ ડોઝ પ્રત્યક્ષ અને આંતરરાષ્ટ્રીય કોવેક્સ પ્રોગ્રામ મારફતે પહોંચાડવામાં આવશે. જોકે વિશ્વ આરોગ્ય સંસ્થા(ષ્ણ્બ્)એ વિશ્વની ૭૦ ટકા વસતીને રસી આપવા અને ખરા અર્થમાં કોરોના પર અંકુશ માટે ૧૧ અબજ ડોઝની જરૂર હોવાનું કહ્યું હતું, જેની સામે આ દેશોએ ખૂબ જ ઓછા ડોઝ જાહેર કર્યા છે.

મલ્ટિનેશનલ કંપનીઓ પર મિનિમમ ટેક્સનો નિર્ણય અપેક્ષિત હતો કારણ કે આ દેશોના નાણામંત્રીઓની અગાઉ મળેલી બેઠકમાં મોટી મલ્ટિનેશનલ કંપનીઓ પર ઓછામાં ઓછો ૧૫ ટકા ગ્લોબલ ટેક્સ લાગુ કરવા નિર્ણ લેવાયો હતો. આ કંપનીઓને કરચોરી અટકાવવા માટે ટેક્સ હેવન દેશોનો ઉપયોગ કરતા અટકાવવા માટે આ નિર્ણય લેવાયો હતો. અમેરિકાએ મિનિમમ રેટની વાત કરી હતી.

અમેરિકાના પ્રમુખ જો બાયડેન ચીન સામે આર્થિક જંગ માટે અને ચીનની નોન-માર્કેટ પોલિસી અને માનવ અધિકારના ભંગના મામલે અન્ય દેશોને સંગઠિત કરવા માગતા હતા. જી-૭ ગ્રુપે જે સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે તેમાં કહેવાયું છે કે ચીનના સંદર્ભમાં અને વૈશ્વિક અર્થતંત્રમાં સ્પર્ધા અંગે જે નોન-માર્કેટ પોલિસી સંબંધિત પડકારો છે અને ન્યાયસંગત તથા પારદર્શક વૈશ્વિક અર્થતંત્રમાં જે બાધારૂપ પ્રેક્ટિસ છે તેની સામે સંયુક્ત રીતે પરામર્શ ચાલુ રાખીશું.  આ નેતાઓએ કહ્યું હતું કે તેઓ મૂલ્યોનું જતન કરવાની પરંપરાને પ્રોત્સાહન આપશે અને ચીનને શિનજિયાંગમાં મૂળભૂત સ્વતંત્રતાના અધિકારનો આદર કરવા તથા ઉઇગર લઘુમતી સમુદાય સામે ગંભીર માનવાધિકાર ભંગની ઘટનાઓ અંગે તથા હોંગકોંગમાં માનવાધિકાર ભંગ અંગે ચીનનો કાન આમળશે.