130 કરોડની વિશાળ જન- વસ્તી ધરાવતા લોકશાહી દેશ ભારતમાં બધા લોકોને રસી આપવાના મહાવિકટ કાર્ય બાબત વહીવટીતંત્રની ક્ષમતા પર શંકા વ્યક્ત કરતા અનેક સવાલો ઉઠ્યા હતા. રસીની ઉપલબ્ધતાને લઈને આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ સમયની સાથે સાથે ભારતના સક્ષમ સરકારી વહીવટીતંત્રે તેમજ સેવાભાવી સંસ્થાઓ અને તબીબોના સહકારને કારણે આ કાર્ય સરસ રીતે સંપન્ન થયું હતું. ભારતમાં ગત 16 જાન્યુઆરીથી લોકોને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ચીન પછી 100 કરોડ લોકોને રસી આપનાર ભારત વિશ્વનો બીજો દેશ બન્યો છે. ભારતે 278 દિવસમાં આ રસીકરણ અભિયાન પૂરું કર્યું હતું. આ ઐતિહાસિક પ્રસંગની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને સ્વાસ્થ્ય કર્મચારીઓને તેમના કાર્ય માટે બિરદાવ્યા હતા. કોરોના મહામારી સામેના યુધ્ધમાં ભારત દેશે એક મોટી સિધ્ધિ હાંસલ કરી લીધી છે. અત્યાર સુધી 18 વર્ષથી વધુ ઉંમરના 75 ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જયારે 31 ટકાથી વધુ લોકોનું સંપૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ રસીકરણ માટે લાયક લોકોને વિનંતી કરી હતી કે, તેઓ વિના વિલંબે રસી લગાવી લે.
સ્પાઈસ જેટ ગુરુવારે દિલ્હી એરપોર્ટ પર 100 કરોડ ડોઝ રસીકરણ અપાયાની સફળતાને બિરદાવવા માટે ખાસ યુનિફોર્મ જારી કરશે. આ પ્રસંગે આરોગ્ય મંત્રી, નાગરિક ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયા તેમજ સ્પાઈસ જેટના મુખ્યમેનેજિંગ ડિરેકટર અજય સિંહ ઉપસ્થિત રહેશે. લાલ કિલ્લા પર દેશનો સૌથી મોટો ખાદીનો તિરંગો ધ્વજ ફરકાવવામાં આવશે. સત્તાવાર સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, તિરંગાની લંબાઈ 225 ફૂટ અને પહોળાઈ 150 ફૂટ છે. , તેનું વજન આશરે 1400 કિલો છે. ગાંધીજયંતી પ્રસંગે લેહમાં આ જ તિરંગો ફરકાવવામાં આવ્યો હતો.