રશિયામાં વિમાન ક્રેશ થતાં ૨૮ લોકોનાં મોત! રડારથી ગાયબ થઈ ગયું

 

મોસ્કોઃ પૂર્વ રશિયામાં પલાના નજીક મંગળવારે લેન્ડિંગ વખતે એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક ગુમાવ્યા બાદ એક વિમાન સમુદ્રમાં તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનાને પગલે શોધખોળ કરી રહેલી ટીમના લોકોને નવ જેટલા લોકોના મૃતદેહ મળ્યા છે. વિમાનમાં ૨૨ પેસેન્જર અને છ ક્રૂ સભ્યો મળીને કુલ ૨૮ લોકો હતા અને તમામના મોત થયા હોવાનું જણાવાયું હતું.

એન્ટોવ ખ્ઁ-૨૬ એરક્રાફ્ટ મંગળવારે પલાના એરપોર્ટ નજીક લેન્ડિંગથી ૧૦ કિ.મી દૂર હતું ત્યારે તેનો સંપર્ક એટીસી સાથે તૂટી ગયો હતો અને રડારમાંથી પણ ગુમ થયું હતું. ખરાબ હવામાનને લીધે વિમાન સમુદ્રમાં ક્રેશ થયું હતું. મંગળવારે સાંજે વિમાનનો કાટમાળ સમુદ્રમાંથી મળી આવ્યો હતો. તપાસ અભિયાન દરમિયાન બુધવારે નવ જેટલા મૃતકોના મૃતદેહ મળ્યા હતા. કામચાટકાના ગર્વનર વ્લાદિમીર સોલોડોવે રશિયન ન્યુઝ એજન્સી તાસને જણાવ્યું કે, મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ઈમર્જન્સી મંત્રાલયે નવ લોકોના શબ બહાર કાઢ્યા હોવાની પુષ્ટિ કરી છે.

વિમાન દુર્ઘટનાને પગલે કામચાટકાના સત્તાધીશોએ ત્રણ દિવસના શોકની જાહેરાત કરી છે. મૃતકોના પરિવારજનોને ૪૭,૨૦૦ અમેરિકન ડોલર (આશરે ૩.૫ મિલિયન રૂબલ્સ)નું વળતર આપવામાં આવશે.

અગાઉ ૨૦૧૨માં કામચાટકા એવિએશન એન્ટરપ્રાઈઝનું એન્ટોનોવનું ખ્ઁ-૨૮ પ્લેન પણ પર્વત સાથે ટકરાઈને દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ફ્લાઈટમાં ૧૪ લોકો સવાર હતા જે પૈકી ૧૦નાં મોત થયા હતા. બંને પાઈલટ્સના મોત થયા હતા અને તેમના લોહીના નમૂનામાં આલ્કોહોલ પણ મળ્યું હતું.