રશિયાનો સૌથી ખતરનાક જવાળામુખી ફાટ્યોઃ ૨૦ કિમીની ઉંચાઇ સુધી રાખનો ઢગલો છવાયો

રશિયાઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ઘની વચ્ચે વધુ એક ખતરો તોળાઇ રહ્યો છે. રશિયાના કામચટકા દ્વીપકલ્પમાં શિવલુચ જવાળામુખી ફાટવાને કારણે લગભગ ૨૦ કિમીની ઉંચાઇ સુધી રાખનો ઢગલો જોવા મળ્યો હતો. તેને એર ટ્રાફિક માટે ખતરો કહેવામાં આવી રહ્યો છે. કામચાટકા જવાળામુખી વિસ્ફોટ પ્રતિભાવ ટીમે જણાવ્યું હતું કે જવાળામુખી ફાટ્યા બાદ ઉડ્ડયન વિભાગને ચેતવણી આપવામાં આવી છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જવાળામુખીમાં ૧૫ કિમીની ઉંચાઇ સુધી વિસ્ફોટ ગમે ત્યારે થઇ શકે છે. તેનાથી નીચા ઉડતા એરક્રાફટ અને આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિઓને અસર થઇ શકે છે. લોકોને તેમના ઘરોમાં જ રહેવા આદેશ આપ્યો છે. અધિકારીએ જણાવ્યું કે વિસ્ફોટ બાદ ધુમાડો ૭૦ કિમી દૂર કલ્યુચી અને કોઝીરેવસ્કના વિસ્તારોમા ફેલાઇ ગયો. તેથી લોકોને બિનજરુરી મુસાફરી ટાળવા માટે કહેવામાં આવ્યું છે. પૃથ્વી પર ઘણા જવાળામુખી છે. જેથી ગણતરી પણ કરી શકાતી નથી. તેમાંથી શિવલુચ જવાળામુખી ૧૦,૭૭૧ ફૂટ ઊંચો છે. તે કામચાટકા દ્વીપકલ્પનો સૌથી સક્રીય જવાળામુખી છે. છેલ્લા ૧૦ હજાર વર્ષમાં તેણે ૬૦ વખત ભયંકર વિસ્ફોટ કર્યા છે. કહેવાય છે કે અત્યાર સુધીનો સૌથી મોટો વિસ્ફોટ વર્ષ ૨૦૦૭માં થયો હતો. કામચાટકા જવાળામુખી વિસ્ફોટ પ્રતિભાવ ટીમે પહેલાથી જ ચેતવણી આપી હતી કે તે ખૂબ જ સક્રિય છે અને કોઇપણ સમયે ફાટી શકે છે. ટીમે કહ્યું હતું કે શિવલુચ જવાળામુખીની અંદર લાવા ડોઝ ઝડપથી વધી રહ્યો છે. તેના ખાડાઓમાંથી ઘણી બધી વરાળ અને ગેસ સતત નીકળી રહ્યા હતા. નાના વિસ્ફોટો પણ થયા. આખરે શિવલુચ જવાળામુખી ફાટી નીકળ્યો અને લગભગ ૨૦ કિમીની ઊંચાઇ સુધી રાખનો ઢગલો જોવા મળ્યો હતો.