રશિયાની Sputnik V રસી આટલા વર્ષ સુધી આપશે કોરોનાથી સુરક્ષા કવચ, ભારતમાં ટ્રાયલ શરૂ

 

નવી દિલ્હીઃ બ્રિટન બાદ હવે રશિયાની સ્પુતનિક રસી ચર્ચામાં છે. દુનિયાના અનેક દેશોમાં હવે રસીનો ઉપયોગ શરૂ થઈ ગયો છે અને ભારતમાં પણ સ્પુતનિકની ક્લિનિકલ ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. આ બધા વચ્ચે રશિયાએ પહેલીવાર જણાવ્યું છે કે સ્પુતનિક રસીની અસર ક્યાં સુધી રહેશે અને તે કેટલા વર્ષ સુધી લોકોને કોરોનાથી બચાવી શકે છે. રશિયાની ન્યૂઝ એજન્સી ‘તાસ’ ના જણાવ્યાં મુજબ સ્પુતનિક રસી બનાવનારી ટીમમાંથી પ્રમુખ નિર્માતા એલેક્ઝાન્ડર ગેન્સબર્ગે દાવો કર્યો છે કે કોરોના વિરુદ્ધ સ્પુતનિક રસી બે વર્ષ સુધી કારગર રહેશે. આ રસી બે વર્ષ કે તેનાથી વધુ સમય સુધી સુરક્ષા પ્રદાન કરી શકે છે. ભારતમાં સ્પુતનિક રસીની ક્લિનિકલ ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં પુણેની નોબલ હોસ્પિટલમાં ગયા અઠવાડિયે હ્યુમન ટ્રાયલ હેઠળ ૧૭ વોલિન્ટિયર્સને રશિયાની સ્પુતનિક કોરોના રસી આપવામાં આવી હતી. નોબલ હોસ્પિટલના ડાયરેક્ટર ડો. રાઉતે જણાવ્યું હતું કે કુલ ૧૭ વોલિન્ટિયર્સને રસી આપવામાં આવી છે. આ રસી અંગે રશિયાએ ગત મહિને કહ્યું હતું કે ‘સ્પુતનિક વી’ રસી ટ્રાયલ દરમિયાન ૯૨% કારગર જોવા મળી હતી. ગત અઠવાડિયે રાષ્ટ્રપતિ પુતિને રસી બનાવનારા એક પ્લાન્ટને લોન્ચ કરવાના સમારોહમાં કહ્યું હતું કે રશિયા આગામી દિવસમાં બે મિલિયન રસીનું ઉત્પાદન કરશે.