રશિયાના વૈજ્ઞાનિકોનો દાવોઃ તેમણે કોરોના વાયરસ વેકસીનનું માનવો પર ટ્રાયલનું કામ પૂરું કરી લીધું છે..

 

             દુનિયામાં અનેક દેશોના વૈજ્ઞાનિકો તેમજ સંશોધકો કોરોના મહામારીમાંથી ઉગરવા માટે, બચવા માટે, સુરક્ષિત રહેવા માટે કોરોના પ્રતિરોધક રસી બનાવવાના કાર્યમાં વ્યસ્ત છે. આ ચુનંદા તબીબો તેમજ સંશોધકો દિવસ- રાત એક કરીને રસી બનાવવા માટે કામ કરી રહ્યા છે. કેટલાક દેશોએ એવો દાવો પણ કર્યો હતો કે, તેમણે કોરોના પ્રતિરોધક રસી બનાવીને, રસીની માનવ શરીર પર ટ્રાયલ પણ શરુ કરી દીધી છે. આધારભૂત સૂત્રોએ આપેલી માહિતી અનુસાર, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન, રશિયાની અન્ય વગદાર વ્યક્તિઓ, રાજદ્વારીઓ અને રશિયાના અન્ય મહત્વની શ્રીમંત વ્યક્તિઓનો તો ગત એપ્રિલ મહિનામાં જ કોરોના વાયરસની રસી આપી દેવામાં આવી હતી. ઉપરોકત નેતાઓ તેમજ આગેવાનને પ્રાયોગિક ધોરણે વેકસીન આપવામાં આવી હતી. પ્રમુખ પુતિનને ખરેખર આ રસી આપવામાં આવી છે કે નહિ – તે વાતની કશી સ્પષ્ટતા કરવામાં આવી નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, હજી ગત અઠવાડિયે જ આ વેકસીનની ટ્રાયલ પૂરી કરવામાં આવી હતી. આનું પરીક્ષણ રશિયાના સૈન્યના જવાનો પર કરવામાં આવે્યું હતું. આ વેકસીન મોસ્કો સ્થિત રશિયાની સરકારી કંપની ગમલેઈ ઈન્સ્ટીટયૂટે એપ્રિલમાં જ તૈયાર કરી દીધી હતી. જવાનો પર કરવામાં આવેલાં પરીક્ષણના પરિણામો હજી સુધી જાહેર કરવામાં આવ્યું નથી. રશિયાની આ ગમલેઈ વેકસીન પશ્ચિમના દેશોની તુલનામાં વધુ ઝડપથી આગળ વધી રહી છે. આગામી 3 ઓગસ્ટના દિવસે આ વેકસીનનો ત્રીજા તબક્કોનો ટ્રાયલ શરૂ થઈ રહ્યો છે. જેમાં સાઉદી આરબ, યુએઈ અને રશિયાના હજારો નાગરિકો ભાગ લેશે. માનવામાં આવી રહ્યું છે કે આગામી સપ્ટેમ્બર મહિના સુધીમાં રશિયા કોરોના વાયરસ વેકસીન પોતાના તમામ નાગરિકો સુધી પહોંચતી કરી દેશે. ગમલેઈ સેન્ટરના વડાના જણાવ્યા અનુસાર, 12થી 14ઓગસ્ટના સમયગાળા દરમિયાન આ રસી લોકોમાં વહેંચાવાનું શરૂ થઈ ગયું હશે.