રનિંગ,સ્વિમિંગમાં મેડલ મેળવી યુવાનોને શરમાવે છે શનાભાઈ પઢીયાર

 

વડોદરાઃ ‘મન હોય તો માળવે જવાય’ ઉક્તિને  વડોદરાના ૭૧ વર્ષના રનર,  સ્વિમર અને સાયક્લિંસ્ટ શનાભાઇ મંગળભાઇ પઢિયારે  પૂરવાર કર્યું છે. મોટી ઉંમર છતા તેઓ દેશના કોઇપણ ખૂણે યોજાતી સિનિયર સિટિઝનની એથ્લેટિક્સ સ્પર્ધા અથવા મેરેથોનમાં પહોંચી જાય અને મેડલો મેળવે છે.

વડોદરાના કલ્યાણનગરમાં રહેતા ૭૧ વર્ષના શનાભાઇ પઢીયારે વડોદરામાં યોજાયેલી ખેલ મહાકુંભની જિલ્લા કક્ષાની સિનિયર સિટિઝન કેટેગરીની સ્વિમિંગની ૧૦૦ મીટર ફ્રી સ્ટાઇલ, ૫૦ મીટર બેક સ્ટ્રોક અને ૫૦ મીટર બટરફ્લાય સ્ટાઇલમાં પ્રથમ નંબર મેળવ્યો હતો હવે તેઓ આવતા મહિને રાજ્યકક્ષાની યોજાનારી સ્પર્ધામાં ભાગ લેવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે. તેમને વર્ષ-૨૦૧૧માં યોજાયેલી ખેલ મહાકુંભની સ્ટેટ લેવલની સ્પર્ધામાં ૨ ગોલ્ડ અને ૧ સિલ્વર મેડલ મેળવ્યો હતો.

શનાભાઇએ જણાવ્યું હતું કે પેટ્રોફિલ્સ કંપની બંધ થયા બાદ મે મારૂં ધ્યાન માત્ર રમતગમતમાં આપ્યું છે.  વર્ષ-૧૯૯૭થી શરૂ કરેલી સ્પોર્ટસની યાત્રા હજી પણ ચાલું છે. હિંમતનગરમાં યોજાયેલી સિનિયર સિટિઝનની એથ્લેટિક્સ સ્પર્ધામાં ૪૦૦, ૮૦૦ અને ૧૫૦૦ મીટરની સ્પર્ધામાં ભાગ લઇ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. તેઓ કહે છે કે ખેલ મહાકુંભની દરેક સ્પર્ધામાં ભાગ લઇ મેડલ પ્રાપ્ત કરૂં છું.

તેઓ કહે છે કે સિનિયર સિટિઝનની વિવિધ સ્પર્ધામાં ભાગ લેવા માટે મારે રોજ પ્રેક્ટિસ કરવી પડે છે. કારેલીબાગમાં સ્વિમિંગપૂલમાં રોજ સવારે એક કલાક સ્વિમિંગની પ્રેક્ટિસ કરવા ઉપરાંત રોજ એકથી બે કલાકનું રનિંગ કરૂં છું. વડોદરામાં યોજાતી દરેક મેરેથોન સ્પર્ધામાં ભાગ લઇ મેડલ મેળવુ છું. આ ઉપરાંત મુંબઇ, અમદાવાદમાં મેરેથોનમાં પણ ભાગ લઇ બીજો ક્રમ મેળવ્યો હતો. શનાભાઇએ જણાવ્યું  હતું કે સામાજિક જાગૃતિ લાવવા માટે પણ અનેક પ્રયાસો કર્યા છે. વર્ષ-૨૦૧૦માં પર્યાવરણ જાગૃતિ માટે છ સીટ સાયકલ લઇને મુંબઇથી દિલ્હી વચ્ચે સાયકલયાત્રા કરી હતી. હું અન્ય સિનિયર સિટિઝનોને પણ વિવિધ સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરૂં છું. વધતી જતી ઉંમરને લઇ નિરાશ ન થાઓ, પોઝિટિવ થિંકિગ અપનાવો. જીવનની ખરી મોઝ ઘડપણમાંજ આવે છે. તમે સંપૂર્ણ અનુભવી અને પાકટ થયેલ છો. યુવાનો અને સમકક્ષ ઉંમરના લોકો માટે પ્રેરણારૂપ બનો. પોસ્ટિક આહાર લો, સવારે વહેલા ઉઠો, કસરત કરો, યોગા કરો તમારા શરીરને સંપૂર્ણ તંદુરસ્ત રાખવા માટે પ્રયાસ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here