રદ કરાયેલા કૃષિ કાયદાથી ૮૬ ટકા ખેડૂત સંગઠન ખુશ હતાઃ સુપ્રીમ કોર્ટ

 

નવિ દીલ્હીઃ કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાને લઇને સુપ્રીમ કોર્ટની એક પેનલે મોટો દાવો કર્યો છે. આ પેનલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ૮૬ ટકા ખેડૂત સંગઠન સરકારના કૃષિ કાયદાથી ખુશ હતાં. આ ખેડૂત સંગઠનો લગભગ ૩ કરોડ ખેડૂતોના પ્રતિનિધિત્વ કરી રહ્યા હતાં. તેમ છતાં આ કાયદાના વિરોધમાં કેટલાક ખેડૂતોના દેખાવોના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષે ગુરૂ નાનક દેવની જયંતી પર ૧૯ નવેમ્બરે આ કાયદાને રદ કરવાની જાહેરાત કરી હતી. સુપ્રીમ કોર્ટે એક અરજી પર સુનાવણી કરતાં જાન્યુઆરી ૨૦૨૧માં ત્રણ કૃષિ કાયદાની વાસ્તવિકતા જાણવા માટે એક કમિટી બનાવી હતી. આ કમિટીમાં કૃષિ અર્થશાસ્ત્રી અશોક ગુલાટી, શેતકારી સંગઠનો સાથે જોડાયેલા અનિલ ધનવત અને પ્રમોદ કુમાર જોશીને સામેલ કરવામાં આવ્યા હતાં. બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ મુજબ કમિટીએ માર્ચ ૨૦૨૧માં પોતાનો રિપોર્ટ સિલબંધ કવરમાં સુપ્રીમ કોર્ટને સોંપ્યો હતો. રિપોર્ટમાં સરકારને કૃષિ કાયદા સાથે સંકળાયેલા સૂચનો પણ આપવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટની કમિટીએ તેના રિપોર્ટમાં કહ્યું છે કે પાકની ખરીદી અને અન્ય વિવાદના સમાધાન માટે એક વૈકલ્પિક વ્યવસ્થાની જરૂરિયાત છે. કમિટીએ સૂચન કર્યું છે કે તેના માટે ખેડૂત અદાલત જેવી વ્યવસ્થા કરી શકાય છે. કૃષિના જૂના માળખામાં ફેરફાર કરવા માટે એક બોડી બનાવવાની જરૂરિયાત છે. કમિટીનો રિપોર્ટ ઝડપથી સાર્વજનિક થશે તેવું એક અનુમાન છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ખેડૂત અને કંપની વચ્ચે કરાર થાય અને તેમાં સાક્ષી ખેડૂત પક્ષ તરફથી હોય. બજારમાં વસ્તીઓની કિંમત કોન્ટ્રાક્ટ પ્રાઇસથી વધુ થઇ જાય, તો તેની સમીક્ષા કરવાની જોગવાઇ હોય. સરકાર તરફથી નક્કી કરવામાં આવેલી કિંમતનો પ્રચાર વધુ કરવામાં આવે જેથી ખેડૂતો નવી કિંમતથી અપડેટ રહે.