રજનીકાન્તનો અફલાતૂન અભિનય દર્શાવતી ફિલ્મ ‘કાલા’

 

સિનેમાહોલ-મલ્ટિપ્લેક્સમાં દર્શકો અને ચાહકો ફક્ત રજનીકાન્તને જ જોવા માટે જાય છે, આથી ફિલ્મ ત્રણ કલાક લાંબી હોવી જોઈએ એમ દર્શકો માને છે. જોકે ફિલ્મ ‘કાલા’ બે કલાકની જ બની શકી હોત. ફિલ્મમાં રજનીકાન્ત અને નાના પાટેકર ઉપરાંત ઈશ્વરી રાવ અને હુમા કુરેશી છે.
ડિરેક્ટર પા. રંજિતે ફિલ્મની વાર્તા લખી છે, જેમાં હિન્દીમાં ફિલ્મની અસર ઘણી ઓછી પડે છે. આ ફિલ્મની વાર્તા મુંબઈની ધારાવી ઝૂંપડપટ્ટી પર આધારિત છે. સ્થાનિક નેતા હરિ બાબુ (નાના પાટેકર) જમીનનો માફિયા છે અને ધારાવી ઝૂંપડપટ્ટી સાફ કરી તેના પર ઇમારતો બનાવવા માગે છે. ધારાવીમાં કાલા કરિકલન (રજનીકાન્ત)ની પરમિશન વગર પાંદડું પણ હલી શકતું નથી. કાલા ધારાવીનો રાજા છે, ધારાવીમાં કોઈ પણ આવી શકે, પરંતુ બહાર તો કાલાની મરજીથી જ જઈ શકે છે. ગરીબોની જમીન પર હકને આધાર બનાવીને આ ફિલ્મની વાર્તા તૈયાર થઈ છે. શહેરો અને મહાનગરો ઝૂંપડપટ્ટીમાં વસે છે જેઓ ગરીબ છે અને જ્યારે આ વિસ્તારની આસપાસનો વિકાસ થાય ત્યારે તેની કિંમત વધી જાય છે અને તેને કબજે કરવા પૈસાદારો-નેતાઓ આવે છે. આ ફિલ્મ રજનીકાન્તની જ છે, પરંતુ નાના પાટેકર પણ કેટલાંક દશ્યોમાં સારો અભિનય કરે છે. નાના પાટેકરની એન્ટ્રી ઇન્ટરવલ પછી થાય છે.
ડિરેક્ટરે ગમે તે જગ્યાએ હીરો-વિલન વચ્ચેની લડાઈ ઊભી કરી છે, ત્યારે ફિલ્મ રોમાંચક બને છે, પરંતુ ક્યારેક રજનીકાન્તની રાજકારણી તરીકેની છબિ ઉપસાવવાનો પ્રયાસ હોય તેમ લાગે છે.
ફિલ્મની નબળી કડી હુમા કુરેશી છે. તે સફેદ દાઢીવાળા રજનીકાન્તની પ્રેમિકા લાગતી નથી. હુમા કુરેશી હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ અને સિંગલ મધર છે. કાલાની પત્નીની ભૂમિકામાં ઈશ્વરી રાવની સારી એક્ટિંગ છે. ગીતસંગીતને અવકાશ નથી. મુંબઈ અને ધારાવીમાં સારું શૂટિંગ થયું છે. રજનીકાન્તની સિગારેટ અથવા સિક્કાની કોઈ કારીગરી ફિલ્મમાં નથી, અહીં તે ચાર બાળકોના પિતા દર્શાવવામાં આવ્યા છે. ચાહકો માટે રજનીકાન્ત, નાના પાટેકરની સાથેસાથે કેમેરા વર્ક પણ ફિલ્મ નિહાળવાનું એક કારણ છે. ફિલ્મ ‘કબાલી’ના ડિરેક્ટર પા રંજિત ‘કાલા’ના ડિરેક્ટર છે. 166 મિનિટની આ ફિલ્મ ઘણી લાંબી છે, પણ સ્ટોરી દર્શકોને જકડી શકતી નથી. માત્ર રજનીકાન્તની એક્શન અને એક્ટિંગ જોવા માટે જ આ ફિલ્મ જોઈ શકાય. રજનીકાન્ત ડોનની ભૂમિકામાં ફિલ્મમાં છવાઈ જાય છે. (ગુજરાત ટાઇમ્સ સંકલન)