રજત જયંતી ઊજવતા નૃત્યાંજલિ નાટ્યાલયનાં સ્થાપક ‘કલારત્ન એવોર્ડ’ વિજેતા નિરતી પટેલ

0
1106


કલારત્ન એવોર્ડવિજેતા કલાગુરુ નિરતી પટેલે સ્થાપેલું નૃત્યાંજલિ નાટ્યાલય એક વટવૃક્ષ બનીને ભરતનાટ્યમના શિક્ષણની એક અનોખી સંસ્થાના રૂપમાં નૃત્યકલા પ્રસરાવે છે. વલ્લભ વિદ્યાનગરમાં આવેલું નૃત્યાંજલિ નાટ્યાલય ડાન્સ એકેડેમી છે, જેનાં સ્થાપક અને ડિરેક્ટર નિરતી પટેલ છે. નૃત્યાંજલિ ઇન્ડિયન ક્લાસિકલ અને ફોક ડાન્સ એકેડેમી છે, જેણે તાજેતરમાં રજત જયંતી વર્ષની ઉજવણી કરી અને હાલમાં 2પ વર્ષ પૂર્ણ કર્યાં છે.
નિરતી પટેલ પોતાની નૃત્યયાત્રા વિશે વિગતવાર જણાવે છેઃ 1992માં તેમણે નૃત્ય શીખવવાની શરૂઆત કરી. વડોદરાથી ગુરુજી શીખવાડવા માટે આવતા હતા, પરંતુ તે ઘણી ફી લેતા હતા એટલે તે પોસાય તેમ નહોતું. આથી સ્થાનિક વિસ્તારની દીકરીઓ પોતાના શોખથી વંચિત રહી ન જાય તે માટે મેં વિદ્યાનગર-આણંદમાં એકેેડેમીની શરૂઆત કરી. હાલમાં 150 વિદ્યાર્થિનીઓ એકેડેમીમાં નૃત્ય શીખે છે, જેમાં ઘણી વિદ્યાર્થિનીઓને નિઃશુલ્ક શીખવાડવામાં આવે છે. એડવાન્સ પ્રેકિટસ કરવી પડે છે. ઘણા ડાન્સ શો કરવામાં આવ્યા છે.
નિરતી પટેલ કહે છે, ખેતીવાડી કેમ્પસમાં આશા દલાલ અને મારાં મમ્મી મણિબહેન મહિલા મંડળ ચલાવતાં હતાં. અમને લોકોને ડાન્સ અને ગરબા કરતાં નિહાળીને નૃત્યના વર્ગો શરૂ કરવાનો તે બન્નેને વિચાર આવ્યો. હું છઠ્ઠા ધોરણમાં હતી ત્યારથી મેં નૃત્ય શીખવાની શરૂઆત કરી હતા. વિનોદ વૈદ્ય પાસેથી બેઝિક ટ્રેનિંગ લીધી. અમેરિકામાં વસતાં પિન્કી મહેતા મારાં ગુરુ છે, જ્યારે વિશારદ-અલંકારની રાધિકા પિલ્લાઈ (ચેન્નઇ) પાસેથી તાલીમ લીધી. 1992માં પાંચ વિદ્યાર્થિનીઓ સાથે એનડીડીબીમાં શરૂઆત કરી અને આજે 150 વિદ્યાર્થિનીઓ તાલીમ લે છે. અત્યાર સુધીમાં બે હજાર વિદ્યાર્થિનીઓએ ડાન્સની તાલીમ લીધી છે.
ક્લાસિકલ ડાન્સ ફેસ્ટિવલમાં કલા મહાકુંભમાં ઝોન લેવલે સેકન્ડ અને ગરબામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તેમની એકેડેમીમાંથી 42 વિદ્યાર્થિનીઓ વિશારદ થઈ છે, જેઓ ઇજનેરી, મેડિકલ, ફાર્મસી, બીબીએ જેવા કોર્સમાં અભ્યાસ કરે છે. છ વિદ્યાર્થિની એમબીબીએસ થયેલી છે, જેમણે આરંગેત્રમ કર્યું છે.


ઇસ્કોનની ‘કૃષ્ણલીલા’ નાટિકા અમદાવાદ-વિદ્યાનગરમાં રજૂ થઈ હતી જેને ગુજરાત સરકારે બેસ્ટ કોરિયોગ્રાફર, નૃત્યનાટિકા માટે એવોર્ડ આપ્યો છે. ગુજરાત કલાપ્રતિષ્ઠાન દ્વારા નૃત્યક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ સુપ્રસિદ્ધ નૃત્યકાર- કલાગુરુ નિરતી પટેલને કલારત્ન એવોર્ડ પ્રદાન થયો છે.
અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય દર વર્ષે નૃત્યની પરીક્ષા લે છે, જેમાં કેનેડા, લંડન, યુએસએમાં પરીક્ષા લેવાય છે. નિરતી પટેલની વિદ્યાર્થિની લંડનમાં વૈદેહી પંડ્યા-કેનેડામાં દષ્ટિ મિસ્ત્રી ક્લાસ ચલાવે છે. છઠ્ઠા ધોરણથી શરૂઆત કરી અત્યાર સુધી લગભગ 35 વર્ષ દરમિયાન નૃત્ય પ્રત્યે લગાવ ધરાવે છે. નૃત્ય તેમના માટે ભગવાનની ભેટ છે. તેઓ કહે છે કે અત્યાર સુધી તમામ આરંગેત્રમ શ્રેષ્ઠ કર્યાં છે.
નિરતી પટેલને 12 ધોરણ પછી હોમિયોપેથિક કોલેજમાં એડમિશન મળતું હતું, તેઓ એક વીક કોલેજમાં ગયા હતા, પરંતુ નૃત્ય પ્રત્યેનો લગાવ હતો આથી તેમણે હોમિયોપથી છોડીને બીએસસી કર્યું .
નિરતી પટેલે બી.એસસી. (કેમિસ્ટ્રી), ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર સાયન્સના અભ્યાસ સાથે અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય મંડળ મુંબઈથી ભરતનાટ્યમ વિશારદની પદવી મેળવી છે. તેમણે રાધિકા પિલ્લાઈના માર્ગદર્શન હેઠળ અલંકાર પૂર્ણ કરેલું છે. તેઓ નૃત્યાંજલિ નાટ્યાલયનાં સ્થાપક છે અને છેલ્લાં 26 વર્ષથી આણંદ વિદ્યાનગરમાં ભરતનાટ્યમ નૃત્યનું માર્ગદર્શન આપી રહ્યાં છે. અમદાવાદ દૂરદર્શન પર વિવિધ કાર્યક્રમો તેઓ રજૂ કરે છે. ઇસ્કોન મંદિર, અમદાવાદ અને વિદ્યાનગર માટે રામનવમી-રથયાત્રા-જન્માષ્ટમીમાં નૃત્યનાટિકાઓ રજૂ કરે છે.
પૂનામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય કક્ષાની નૃત્યનાટિકા સ્પર્ધામાં તેમના દ્વારા દિગ્દર્શિત ‘કૃષ્ણલીલા’ નૃત્યનાટિકાને પ્રથમ ઇનામ મળ્યું હતું. આ જ સ્પર્ધામાં ફોક ડાન્સને – લોકનૃત્યને પણ પ્રથમ ઇનામ મળ્યું હતું.
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા આયોજિત નૃત્યનાટિકા સ્પર્ધામાં ‘કૃષ્ણલીલા’ નૃત્યનાટિકાને બેસ્ટ કોરિયોગ્રાફી એવોર્ડ ગુજરાત સરકાર તરફથી મળ્યો છે.
બેન્ગલોરમાં ફેસ્ટિવલ ઓફ ગુજરાત અંતર્ગત ગુજરાતના લોકનૃત્યની રજૂઆત નૃત્યાંજલિ નાટ્યાલયે કરી હતી. ગયા વર્ષે મનાલીમાં રામમંદિર દ્વારા દેવદિવાળી નિમિત્તે યોજાયેલા ડાન્સ ફેસ્ટિવલમાં ક્લાસિકલ ડાન્સ પરફોર્મન્સ કર્યું હતું.
સપ્ટેમ્બર, 2012માં તુર્કીમાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફોક ફેસ્ટિવલમાં નિરતી પટેલે તેમનાં કોરિયોગ્રાફ કરેલાં નૃત્યો રજૂ કર્યાં હતાં.
ડાન્સના રિયલિટી શો વિશે નિરતી પટેલ માને છે કે આ પ્રકારના રિયાલિટી શો બાળકોનું બાળપણ છીનવી લે છે. માતાપિતા ડાન્સ શો નિહાળીને પોતાના બાળકને ડાન્સ શોમાં મોકલવા ડાન્સ કલાસીસ જોઇન કરાવે છે. બાળકને બાળક જ રહેવા દેવું જોઈએ. હું રિયલીટી શોમાં માનતી નથી.
તેમના માર્ગદર્શન હેઠળ 26 શિષ્યાઓએ આરંગેત્રમ પૂર્ણ કર્યું છે અને 43 શિષ્યાઓએ વિશારદની પદવી પ્રાપ્ત કરી છે. તેઓ ગુજરાતની દીકરીઓને સંસ્કારમય અને સત્ત્વમય સાધના તરફ દોરવાનું ભગીરથ કાર્ય ગૌરવપૂર્ણ રીતે કરી રહ્યા છે.
આણંદ-વિદ્યાનગરસ્થિત નૃત્ય સંસ્થા નૃત્યાંજલિ નાટ્યાલયનાં 25 વર્ષ પૂર્ણ થતાં રજત જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ખેડા-આણંદ જિલ્લામાં 25 વર્ષના નૃત્યના ક્લાસની આવી ભવ્ય ઉજવણી કદાચ આ પહેલી જ વાર યોજાઈ હતી. નૃત્યાંજલિ નાટ્યાલયની ભૂતકાળની શિષ્યાઓ અને વર્તમાન શિષ્યો મળી કુલ 71 શિષ્યાઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પાંચ વર્ષની ઉંમરની શિષ્યાથી લઇને 50 વર્ષની ઉંમરની શિષ્યાઓએ ભાગ લીધો હતો
નૃત્યાંજલિ નાટ્યાલયની વિદ્યાર્થિનીઓની મમ્મીઓએ પણ કલાગુરુ નિરતી પટેલ સંસ્કારવારસાનું તેમની બાળાઓમાં સિંચન કરે છે તેમ જ તેઓ બાળાઓમાં શિસ્તપાલન અને આત્મવિશ્વાસમાં વધારો કરે છે તેવો પ્રતિભાવ આપ્યો હતો, તો નૃત્યાંજલિ નાટ્યાલયમાં નૃત્ય પ્રશિક્ષણ લેતી તેમ જ લઈને ગયેલી શિષ્યાઓએ પણ તેઓના પ્રતિભાવો રજૂ કર્યા અને કલાગુરુ નિરતી પટેલ તેમનાં નિરતીદીદી છે તેવો ભાવ રજૂ કર્યો હતો.
આ કાર્યક્રમમાં ભાગ લેનારી દરેક વિદ્યાર્થિનીને નૃત્યાંજલિ નાટ્યાલયનાં સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યાં હતાં.
મોગરીમાં અનુપમ મિશન સંચાલિત જ્ઞાનયજ્ઞ વિદ્યાલયમાં 14 વર્ષ ભરતનાટ્યમ કલા શીખવી હતી. અનુપમ મિશનના જ્ઞાનયજ્ઞ વિદ્યાલયમાં પણ તેઓ નૃત્ય શીખવતાં હતાં. 2006થી તેઓ સ્વામીનારાયણ વિદ્યાપીઠ વલાસણમાં નૃત્યકલાનાં નિષ્ણાત તરીકે સેવા આપી રહ્યાં છે. નિરતી પટેલે સ્વામીનારાયણ વિદ્યાપીઠમાં ભરતનાટ્યમ્ વિષયની શરૂઆત કરી છે.
નૃત્યાંજલિ નાટ્યાલયના વર્ગો ઘણા સમયથી આણંદમાં જાગૃત મહિલા સંગઠનમાં તથા વિદ્યાનગરમાં હીરાબા મહિલા સંગઠનમાં ચાલી રહ્યા છે. નિરતી પટેલને ડાન્સ કરવો ગમતો હતો એટલે ડાન્સ શીખ્યાં અને ડાન્સ શીખવાડવાની શરૂઆત કરી હતી. નિરતી પટેલને હેમામાલિનીનો ભરતનાટ્યમ ડાન્સ વધારે ગમે છે. તેમણે હેમામાલિનીના લાઇવ શો પણ નિહાળેલા છે. નિરતી પટેલ કહે છે કે મને નૃત્યક્ષેત્રે મળેલી સફળતાનું શ્રેય મારા પિતા ડો. એમ. એમ. પટેલ અને માતા મણિબહેનને અને મારા ગુરુજન કલાગુરુ રાધિકા પિલ્લાઈને જાય છે.
નિરતી પટેલ વાલીઓને એક સંદેશો આપતાં કહે છે કે બાળકો જ્યારે નવમા દસમા ધોરણમાં આવે ત્યારે જે કલા શીખવતાં હોય તે શીખવવાનું બંધ કરી દે છે, પણ જો એ કલા અભ્યાસની સાથેસાથે ચાલુ રાખે તો બાળકો સ્ટ્રેસ ફ્રી થાય છે અને તેનું રીઝલ્ટ ઘણું સારું મળે છે. ઇન્ટરનેટનો ઉપયોગ કરવા કરતાં કલા શીખવામાં આનંદ આવે છે.
નિરતી પટેલ માને છે કે ભવિષ્યમાં મારી સંસ્થા મારી વિદ્યાર્થીનીઓ ચલાવતી રહે તેવી મારી ઇચ્છા છે. બધી વિદ્યાર્થિનીઓ મારી દીકરીઓ છે.

લેખક ‘ગુજરાત ટાઇમ્સ’ના ન્યુઝ એડિટર છે.