રક્તદાનનો મહાયજ્ઞઃ વર્લ્ડ રેડક્રોસ ડે નિમિત્તે રક્તદાન કરતી વિવિધ સંસ્થાઓ-દાતાઓને એવોર્ડ પ્રદાન

0
1243

રક્તદાન એ જ મહાદાન ઉક્તિને સાર્થક કરવામાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, આણંદ શાખા અગ્રેસર છે. તાજેતરમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, આણંદ જિલ્લા દ્વારા વર્લ્ડ રેડક્રોસ ડેની ઉજવણી ભાગરૂપે એવોર્ડ વિતરણ સમારંભ યોજાયો હતો.
સમારંભમાં સ્વૈચ્છિક રક્તદાન પ્રવૃત્તિને પ્રોત્સાહન આપનારી વિવિધ સંસ્થાઓને ટ્રોફી આપવામાં આવી હતી, જેમાં સ્વ. હિંમતભાઈ જે. પટેલ (કોન્ટ્રાક્ટર)ની સ્મૃતિમાં કલાબહેન હિંમતભાઈ પટેલ તરફથી સહકારી મંડળીને અપાતો એવોર્ડ આ વર્ષે અમૂલ ડેરી આણંદને (રક્ત બોટલ 662) એનાયત કરાયો હતો. સ્વ. કેપ્ટન અરુણ પટેલની સ્મૃતિમાં પ્રમીલાબહેન નવીનચંદ્ર પટેલ તરફથી બેસ્ટ મોટિવેટરનો એવોર્ડ લાયોનેસ ક્લબ આણંદને (રક્ત બોટલ 523) મળ્યો હતો. ચંદુભાઈ વી. દોશી તરફથી તેમના પિતા સ્વ. વલ્લભજી લક્ષ્મીચંદ દોશીની સ્મૃતિમાં સેવાકીય સંસ્થા માટે અપાતો એવોર્ડ સંજીવની ટ્રસ્ટ, આણંદ (રક્ત બોટલ 257)ને, દીપકભાઈ સી. પટેલ તરફથી શૈક્ષણિક સંસ્થાને અપાતો એવોર્ડ જીસેટ કોલેજ (રક્ત બોટલ 159) વલ્લભ વિદ્યાનગરને, કૌશિકભાઈ જયંતીભાઈ દોશી તરફથી સ્વ. મણિભાઈ નરસિંહભાઈ દોશી ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ વધુ રક્તદાન કરનાર ઔદ્યોગિક સંસ્થાને અપાતો એવોર્ડ કેટલ ફીડ ફેક્ટરી, (રક્ત બોટલ 213) કણજરીને અપાયો હતો. સ્વ. ડો. ચિતરંજનભાઈ ડી. પટેલની સ્મૃતિમાં શારદાબહેન ચિતરંજનભાઈ પટેલ તરફથી ગ્રામ્ય વિસ્તારમાં વધુ રક્તદાન મેળવી આપનાર ગામને અપાતો એવોર્ડ ધ કાલુપુર કોમર્શિયલ સહકારી મંડળી બેન્ક લિમિટેડ (રક્ત બોટલ 104), ખંભાતને, ઉમલાવ, રાવળાપુરા – દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ., આસ્થા, આણંદ, શ્રી રામકૃષ્ણ સેવા મંડળ, આણંદ, સંકેત સેલ્સ ઇન્ડિયા આણંદ તથા શ્રી જલારામ સેવા ટ્રસ્ટ, બોરસદને પણ એવોર્ડ એનાયત કરાયા હતા, જ્યારે કમ્ફી પરિવારને આ એવોર્ડ તેમનાં માતુશ્રી સ્વ. મંગળાબાના જન્મદિવસ નિમિત્તે આયોજિત રક્તદાન શિબિર (રક્ત બોટલ 258) માટે પ્રદીપભાઈ અને કિરણભાઈને સન્માનિત કરવામાં આવ્યા હતા.
સમારંભમાં મુખ્ય મહેમાનપદે જિલ્લા કલેક્ટર દિલીપભાઈ રાણા, અતિથિવિશેષ તરીકે ચારુતર વિદ્યામંડળના ચેરમેન ભીખુભાઈ પટેલ, મેહુલભાઈ પટેલ (મેનેજિંગ ડિરેક્ટર, સંકેત ઇન્ડિયા, આણંદ) તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, આણંદના ચેરમેન ઉપેન્દ્રભાઈ કે. શાહ, વાઇસ ચેરમેન દેવેન્દ્રભાઈ આર. પટેલ, સેક્રેટરી શૈલેશભાઈ આઇ. પટેલ, ખજાનચી કે. જી. પટેલ, સ્વૈચ્છિક રક્તદાન પ્રવૃત્તિ કરનાર વિવિધ સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દરમિયાન રક્તદાનનો મહિમા સાર્થક કરવા માટે તાજેતરમાં આણંદમાં સંકેત સેલ્સ ઇન્ડિયા દ્વારા બ્રાન્ડેડ કંપનીઓની ઇલેક્ટ્રોનિકસ આઇટમોના મેગા સમર સેલનું આયોજન કરાયું હતું. આ મેગા સમર સેલ અંતર્ગત મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ જીવનદાન સમાન રક્તદાનના સૂત્રને સાર્થક કરતાં 434 યુનિટ રક્તદાન કર્યું હતું. સંકેત સેલ્સ દ્વારા સર્વ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરીને તેઓને વિશેષ ઉપહાર આપીને પ્રોત્સાહિત કરાયા હતા. સંકેત સેલ્સ ઇન્ડિયાની રક્તદાન શિબિરમાં કુલ 434 યુનિટ બ્લડ એકઠું કરવામાં આવ્યું હતું. સંકેત ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મેહુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં વિવિધ દર્દીઓને લોહીની તાતી જરૂર હોય છે. આથી આણંદ રેડક્રોસ સોસાયટીના સહયોગથી આ મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. કેમ્પમાં મેહુલભાઇ પટેલ, સંકેત સેલ્સ ઇન્ડિયાના ચેરમેન ડી. સી. પટેલ, સંકેત પટેલ, કમ્ફી પરિવારના પ્રદીપભાઈ પટેલ, કિરણભાઈ પટેલ, શૈલુભાઈ પટેલ સહિત અગ્રણીઓ, રેડક્રોસ સોસાયટી ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

રેડક્રોસ સોસાયટી, આણંદ જિલ્લા શાખા દ્વારા ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની આણંદ શાખાની શરૂઆત 1961માં થોડા સભ્યોથી કરવામાં આવી હતી. શરૂઆતનાં વર્ષોમાં જરૂરી પ્રવૃત્તિઓની નાના પાયે શરૂઆત કરાઈ. આણંદ શહેરમાં વિવિધ જગ્યાએ લગભગ છથી આઠ છાશ વિતરણનાં કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં અને રોજ વહેલી સવારે નિયમિત રીતે જરૂરિયાતમંદ કુટુંબોને વહેંચવામાં આવતી. થોડા વખત પછી રેડક્રોસની પ્રવૃત્તિમાં ઓટ આવી અને ધીમે ધીમે શાખાની પ્રવૃત્તિઓ 1965માં બંધ થઈ ગઈ.
1965થી 1970ના દશકામાં આણંદનો ઝડપી વિકાસ થયો. શહેરમાં નર્સિંગ હોમનો પણ તેટલો જ ઝડપી વધારો થયો. આણંદમાં નગરપાલિકા, આઇ. પી. મિશન અને ખાનગી નર્સિંગ હોમમાં લગભગ 600 પથારીની સુવિધા થઈ. આ સંજોગોને ધ્યાનમાં લઈને રેડક્રોસની આણંદ શાખાના થોડા સભ્યો ભેગા મળ્યા અને ફરી રેડક્રોસ શાખાને વેગવંતી બનાવવા નિર્ણય કર્યો. પ્રથમ કાર્ય તરીકે આણંદની હોસ્પિટલોમાં દર્દીઓને જરૂર પૂરતું લોહી આપવા માટે એક બ્લડ બેન્કની શરૂઆત કરવી તે વાતનો સર્વાનુમતે સ્વીકાર થયો અને ફક્ત દસ દિવસના ટૂંકા ગાળામાં પૂરતાં સાધનો ઉપલબ્ધ ન હોવા છતાં 15મી ઓગસ્ટ, 1977ના રોજ આણંદના અગ્રણીઓની હાજરીમાં ડો. રમણિકલાલ દોશીના હસ્તે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, આણંદ શાખાના પ્રથમ કાર્યરૂપે બ્લડ બેન્કનો આરંભ કરાયો. શરૂઆતમાં જગ્યા ન હોવાથી ડો. ચિતરંજનભાઈએ પોતાના નર્સિંગ હોમમાંથી બ્લડ બેન્ક માટે જગ્યા આપી અને ઉછીનું ફ્રિજ લાવી બ્લડ બેન્કની શરૂઆત કરાઈ. આ પછી જગ્યા માટે આણંદ નગરપાલિકાને વિનંતી કરી અને બ્લડ બેન્ક માટે નગરપાલિકાની હોસ્પિટલમાં એક રૂમ એક રૂપિયા ટોકન ભાડાથી ફાળવી આપી. આ પછી ઉત્તરોત્તર સંસ્થાનો ખૂબ ઝડપથી વિકાસ થયો અને લોહીની માગમાં ખૂબ વધારો થયો.
1. રક્તદાન પ્રવૃત્તિઃ ડો. અંબાલાલ જે. શાહ સંચાલિત 365 દિવસ અને 24 કલાક ચાલતી આણંદ જિલ્લાની માત્ર એક જ બ્લડ બેન્ક છે. 2. બ્લડ કમ્પોનન્ટ ડિપાર્ટમેન્ટઃ સ્વ. શ્રીમતી કપિલાબહેન ચતુરભાઈ અને સ્વ. રાજેશકુમાર ચતુરભાઈ પટેલ સંચાલિત બ્લડ કમ્પોનન્ટ વિભાગ. 3. ફિઝિયોથેરપી વિભાગઃ ડો. અંબાલાલ જે. શાહ અને કંચનબહેન ડાહ્યાલાલ રામજી મોરઝરિયા અને કાન્તાબહેન ગોરધનદાસ રામજી મોરઝરિયા સંચાલિત ફિઝિયોથેરપી સેન્ટર. 4. અપંગ સહાય યોજનાઃ સ્વ. કમળાબહેન અંબાલાલ શાહ અપંગ સહાય યોજના હેઠળ જરૂરિયાતમંદ દર્દીઓને બગલઘોડી, કેલિપર્સ, વોટરબેડ, એરબેડ, વોકર, હાઇડ્રોલિક બેડ જેવાં સાધનો નહિવત્ ભાડાથી અપાય છે. 5. પેથોલોજિકલ લેબોરેટરીઃ શારદાલક્ષ્મી અંબાલાલ તકતાવાલા પેથોલોજિકલ લેબોરેટરીમાં અદ્યતન સાધનો, ડોક્ટરના સતત માર્ગદર્શન હેઠળ નજીવી ફી લઈને દર્દીઓને લોહી-પેશાબ-ઝાડાની તપાસ કરાય છે. 6. ડાયાબિટીસ ક્લિનિકઃ ત્રિભુવનદાસ કાશીભાઈ પટેલ દ્વારા તેમના પુત્ર પ્રફુલ્લભાઈના સ્મરણાર્થે શરૂ કરાયેલું આ ક્લિનિક છે. 8. બ્લડ કલેક્શન મોબાઇલ વાનઃ ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી તથા રેડક્રોસ સોસાયટી આણંદના સહયોગથી રૂ. 27.62 લાખના ખર્ચે વસાવેલી મોબાઇલ બ્લડ કલેક્શન વાન. આ વાનમાં ત્રણ રક્તદાતાઓ એકસાથે રક્તદાન કરે તેવી સુવિધા છે, જેમાં બ્લડ સ્ટોરેજ ફ્રીજ, બ્લડ કલેક્શન મોનિટર, એલસીડી ટીવી, એરકન્ડિશન, કાઉન્સેલિંગ સેન્ટર ઉપલબ્ધ છે. 9. પ્રાથમિક સારવાર તાલીમના વર્ગો. 10. ડો. નટુભાઈ પટેલ સભાગૃહઃ શારદાબહેન નટુભાઈ પટેલ દ્વારા મળેલા દાનમાંથી ડો. નટુભાઈ એ. પટેલ સભાગહ. 11. હોમ હેલ્થ એટેન્ડન્સ વિભાગઃ સ્વ. કાશીબહેન મનગનભાઈ પટેલ સિંહોલ દ્વારા અપાયેલા દાનમાંથી હોમ હેલ્થ એટેન્ડન્સ વિભાગ.

લોહીની બોટલનો ચાર્જ કેમ લેવાય છે?
1. દાતાઓએ આપેલા રક્તનું પાંચ રોગો, જેવા કે મેલેરિયા, સિફિલિસ (જાતીય રોગ), હીપેટાઇટિસ-બી, હિપેટાઇટીસ-સી, એચઆઇવી-એઇડ્સનું પરીક્ષણ કરાય છે જેનો રૂ. 1500 ખર્ચ થાય છે.
2. સ્ટાફ પગાર, લાઇટબિલ, કીમતી સાધનોની જાળવણી, વહીવટી ખર્ચ, રિફ્રેશમેન્ટ, રકતદાતાને મળતી ગિફ્ટનો ખર્ચ રૂ. 1200 પ્રતિ બ્લડ બેગ સંસ્થા ભોગવે છે.
3. સરકારે બ્લડ બેગદીઠ રૂ. 1450 ચાર્જ લેવાનું નક્કી કર્યું હોવા છતાં પરીક્ષણના થતા ખર્ચ પેટે સંસ્થા માત્ર રૂ. 650 લે છે, જે ભારતની તમામ બ્લડ બેન્કોના ચાર્જ કરતાં ઓછો છે.
4. થેલેસેમિયા-હિમોફિલિયા જેવા દર્દીઓને આજીવન રક્ત ચડાવવું પડે છે, તેવા ર્દીઓને સંસ્થા કાયમી ધોરણે વિનામૂલ્યે રક્ત આપે છે.
5. રક્ત પરીક્ષણ દરમિયાન મેલેરિયા, સિફિલિસ (જાતીય રોગ), હિપેટાઇટિસ-બી, હિપેટાઇટિસ-સી, એચઆઇવી-એઇડસ જંતુયુક્ત (રિએક્ટિવ) બેગ્સ ડિસકાર્ડ-ઓટોક્લેવ કરી તેનો નિકાલ કરાય છે. આવી વેસ્ટેજ થતી બેગ્સનો નુકસાની ખર્ચ સંસ્થા ભોગવે છે.
જરૂર પડે ત્યારે રક્ત મળતું નથી, શા માટે?
1. રક્તની કોઈ ફેક્ટરી નથી. સંસ્થામાં રોજ સરેરાશ 20 રક્ત બોટલની આવક સાથે 70થી 80 રક્ત બોટલ જરૂરિયાતમંદ દર્દીઓને અપાય છે. બ્લડ બેન્ક ઉપરાંત વિવિધ સ્થળે બ્લડ ડોનેશન કેમ્પો કરી સંસ્થા લોહીની બોટલો એકઠી કરી આ ખોટ સરભર કરી દર્દીઓનું જીવન બચે તે જ સંસ્થાનો ઉમદા હેતુ છે. રકતદાન એ બહુમુલ્ય દાન છે જેનાથી કોઇની જિંદગી બચે છે.
આણંદ જિલ્લામાં લોહીની વાર્ષિક જરૂરિયાત 22500 બ્લડ યુનિટની છે તેની સામે 11000 કલેકટ થાય છે. કોઇ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ આવે તો તેને નિઃશુલ્ક બ્લડ આપવામાં આવે છે. રેડક્રોસ સોસાયટી આણંદ શાખા ચોવીસે કલાક, બારેમાસ કાર્યરત શાખા છે.
આણંદની શાખામાં લોકભાગીદારી થકી જોગવાઈ કરાઈ છે, જેમાં પરિવારની કોઈ વ્યક્તિ કે સ્વજનની તિથિ નિમિત્તે દાતા તરફથી કરાયેલી જોગવાઇને લઇને તે તિથિના દિવસે જેટલા બ્લડ યુનિટ લોકો લઇ જાય તેમાં યુનિટદીઠ રૂ. 100 ઓછા લેવાય છે જે અનુકરણીય અને પ્રશંસનીય છે.

લેખક ‘ગુજરાત ટાઇમ્સ’ના ન્યુઝ એડિટર છે.