યોગ – મનની ઊથલપાથલનું અટકવું

0
1052

પ્રાચીન કાળથી આપણા રાષ્ટ્ર ભારતમાં યોગનું મહત્ત્વ છે. પ્રાચીન કાળમાં ઋષિઓ આશ્રમમાં રહીને વિદ્યાર્થીને તન અને મનની સ્વસ્થતા માટે યોગનું શિક્ષણ આપતા હતા, જેથી લોકો ચિરાયુ અને સુખી બની શકે. પહેલાં પણ ગુરુ અને વડીલ ‘શતં જીવ શરદઃ’ સો શરદ ઋતુ જીવો – સો વર્ષના થાવ – એવા આશીર્વાદ આપતા અને આજે પણ આપે છે. આ 100 વર્ષ સુખેથી જીવવા માટેનો કોઈ રામબાણ ઇલાજ હોય તો તે માત્ર યોગ છે.
યોગનું મહત્ત્વ સમજીને જ 21મી જૂને યુનોએ યોગ દિન તરીકે ઊજવવાનું નક્કી કર્યું છે, જે યોગનું માનવજીવનમાં મહત્ત્વ જ દર્શાવે છે ને! ખરેખર, આજે ભારત સહિત સમગ્ર વિશ્વમાં યોગનું ઘેલું લગાડવામાં જો કોઈએ મહત્ત્વનું યોગદાન આપ્યું હોય તો તે બાબા રામદેવે આપ્યું છે. તેમની સાથે કાયાવરોહણના મહાન સંત કૃપલાનંદજી, રાજર્ષિ મુનિ, શ્રી શ્રી રવિશંકર વગેરેનો પણ ફાળો ખરો જ ખરો.

યોગ એ સંસ્કૃત શબ્દ છે, જે યુજૂ ધાતુ પરથી બન્યો છે. યુજૂ એટલે જોડવું. આમ મનને પરમાત્મામાં જોડવું તે યોગ.
ગુજરાતીમાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા. સંસ્કૃતમાં પણ કહ્યું છે શરીરમાદ્યં ખલુ ધર્મ આવર્તમ્. અંગ્રેજીમાં પણ કહ્યું છે કે હેલ્થ ઇઝ વેલ્થ. આમ શરીર નીરોગી હોય તો જ કોઈ પ્રવૃત્તિ કે ભક્તિ થઈ શકે. યોગ ભગાડે રોગ એ સૂત્ર સાચું છે, કારણ કે યોગથી શરીર નીરોગી રહેતાં મન પણ પ્રફુલ્લિત રહે છે. ભોજનનું સુખ જોઈતું હોય તો શરીર નીરોગી જોઈ જ. પ્રાચીન કાળમાં ઋષિઓ યોગને કારણે દીર્ઘ આયુષ્ય ભોગવી શકતા અને આજે પણ લોકોનું સરેરાશ આયુષ્ય વધ્યું છે તેનું કારણ પણ લોકોમાં યોગ પ્રત્યે આવેલી સભાનતા અને જાગૃતતાનું જ પરિણામ છે ને!
ઋષિ વેદમંત્રમાં ઈશ્વરને પ્રાર્થના કરે છે કે હે પરમેશ્વર! મારું આયુષ્ય 300 વર્ષનું થઈ જાય. મારું તન, મન, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો વગેરે કર્મ કરવા, વિષયોને ભોગવવાનાં શારીરિક સાધન ત્રણ ગણા અર્થાત્ હું 300 વર્ષ સુધી દેખી, સાંભળી, ખાતો, પીતો, હાલતો, ચાલતો, બોલતો, લખતો, વિચારતો રહું. આ ત્યારે જ શક્ય બને, જ્યારે આપણે આપણી પ્રાણશક્તિને યોગ દ્વારા જાળવી રાખીએ, વ્યવસ્થિત દિનચર્યા પણ યોગ જ છે. પરોપકાર, દાન, સંયમ, સંતોષ પણ યોગ છે. વિપરીત અને અસ્તવ્યસ્ત દિનચર્યા રોગને નોતરે છે, તેથી જ કહેવાય છે કે જેની દિનચર્યા સારી, તેની જીવનચર્યા પણ સારી.જેમ સાઇકલ, સ્કૂટર, કાર વગેરેની ગેરંટી એક – બે વર્ષની હોય, પરંતુ સાવધાની રાખીને તેનો ઉપયોગ કરીએ તો એક બે નહિ, 20-25 વર્ષ સુધી વાંધો ન આવે, તેમ શરીરનો પણ સાવધાનીથી ઉપયોગ કરવો જોઈએ. જેમ સારસંભાળ ન રાખવાથી ગાડી સમય પહેલાં બગડે, તેમ શરીરની સારસંભાળ ન લઈએ તો શરીર પણ બગડે જ ને! એટલે તો કહ્યું છે કે રોગ થાય તે કરતા રોગ ન થાય તેવો ઉપચાર કરવો જોઈએ, આ ઉપચાર એટલે જ યોગ.

18 અધ્યાયની શ્રીમદ્ ભગવદ્ગીતાામાં મહર્ષિ વ્યાસે દરેક અધ્યાયને અંતે યોગ શબ્દનો જે વિનિયોગ કર્યો છે તે આપણા જીવનમાં યોગનું શું મહત્ત્વ છે તે જ ઉજાગર કરે છે ને!હિન્દીમાં કહ્યું છે કે મનકે હારે હાર હૈ, મન કે જીતે જીત.જનકરાજા વિદેહી કહેવાયા, કારણ કે તેમના શરીર પર મનનું નિયંત્રણ હતું, પરંતુ આ ક્યારે શક્ય બને? જ્યારે મન પરમતત્ત્વની આરાધનામાં લાગેલું હોય ત્યારે જ ને! આમ પરમતત્ત્વની દિલથી આરાધના તે યોગ. આમ યોગ શરીર હોવા છતાં જનકરાજાની જેમ આપણને અશરીરી બનાવે છે, એટલું જ નહિ, આપણા જીવનને સુખમય એવં પ્રસન્નમય બનાવે છે.
ઈશ્વર આપણને એક શરીર આપીને ધરતી પર મોકલે છે એ શરીરનું ધ્યાન રાખવું એ તો માણસમાત્રની ફરજ છે. આપણે આપણું વાહન હોય તો તે સાચવીએ છીએ, ઘર સાચવીએ છીએ, વાહન પર સહેજ ઘસરકો પડે કે કંઈક બગડે તો તરત જ આપણે તેને પૂર્વવત્ કરી દઈએ છીએ. ઓફિસમાં બાવો લાગ્યો હોય કે ડાઇનિંગ ટેબલ પર ધૂળ હોય તો તરત જ દૂર કરી તેને સ્વચ્છ કરીએ છીએ. આમ વસ્તુઓને આપણે કેટલી સાચવીને વાપરીએ છીએ, તેમ શરીરને પણ સાચવીને વાપરવું જોઈએને! કારણ કે વસ્તુ તો નવી ખરીદી શકાય છે, પણ નવું શરીર થોડું ખરીદી શકાય છે? માટે જ શરીર સાચવવા યોગ જરૂરી છે.

ઉપનિષદનું મુખ્ય પાસું આત્મવિદ્યા એવં બ્રહ્મવિદ્યા છે. શરીરને અન્ન વિના, ઇન્દ્રિયોને ભોગ વિના જેમ ચાલે નહિ, તેમ અંતઃકરણ (મન, બુદ્ધિ, વિત્ત, અહં)ને યોગ વિના ચાલે નહિ. મનનું કામ મનનનું છે, પણ એ અસ્થિર છે. ચિત્તનું કામ ચિંતનનું છે, પરંતુ એ ચંચળ છે, અહંનું કામ નિદિધ્યાસનનું છે, પણ એ ઘમંડી છે, તેથી આ ચારેને કાર્યરત રાખવા યોગ અતિ આવશ્યક છે. યોગ દ્વારા જ આ ચાર પર અંકુશ મેળવી શકાય છે.
ગીતામાં સાચું જ કહ્યું છે કે સમત્વ યોગ ઉચ્યતે! સમત્વ એ યોગ કહેવાય છે. યોગથી જ સમત્વ આવે છે. મનના – ચિત્તના ઉધામા અને તોફાનોને નિયંત્રણમાં રાખવા યોગ ખૂબ જરૂરી છે, યોગથી જ ચિત્તની ચંચળવૃત્તિઓનો વિરોધ થાય છે. યોગથી જ કર્મમાં કુશળતા આવે છે. તેથી જ કહેવાય છે કે અંતઃકરણને યોગ વિના ચાલે જ નહિ.

ઇન્દ્રિયોની ક્રિયાને અટકાવી તેમને સ્થિર રાખી તેને ઋષિઓ યોગ કહે છે. મતલબ કે મન સહિત પાંચ ઇન્દ્રિય બુદ્ધિની શક્તિથી એક જ સ્થાનમાં સ્થિર થાય છે ત્યારે તે ઇન્દ્રિયોની સ્થિર ધારણાને યોગ કહે છે. યોગ એટલે સત્ય જ્ઞાનની ઉત્પતિ અને અજ્ઞાનનો લય. શરીર અને સંસારવિષયક ભ્રમણાઓમાંથી મુક્ત થઈને જીવનને સફળ અને સાર્થક કરવાનો કર્મ-ધર્મ સમજાય તે યોગ.
પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, તર્ક (બ્રહ્મ વિચાર) અને સમાધિ – બ્રહ્મની સાથે એકતા પ્રાપ્ત કરવા છ અંગવાળો યોગ છે. ઓમકાર એકાક્ષરી બીજમંત્ર છે, તેના દ્વારા સાધક શબ્દબ્રહ્મથી પર થઈને અશબ્દ બ્રહ્મમાં લીન થઈ જાય છે. પ્રાણ, મન, ઇન્દ્રિયોની એકતાની જે સ્થિતિ સર્જાય તે યોગ, યોગવિદ્યા શબ્દો વડે પૂરેપૂરી કહેવી અને સમજાવવી મુશ્કેલ છે, તેનો અભ્યાસ અને સાધનાની કેવળ અનુભૂતિ કરી શકાય છે. યોગવિદ્યા આપણી અંદર એક એવા સેતુનું નિર્માણ કરે છે, જેના વડે આપણે આપણા આત્મા અને સૃષ્ટિના બ્રહ્મ સુધી પહોંચી શકીએ છીએ. આત્મા કે બ્રહ્મોથી નિવૃત્ત થતા અમૃતના અક્ષરપ્રવાહને ગ્રહણ કરી શકાય છે. યોગ દ્વારા પ્રેમનો સેતુ બનાવવાથી જીવન સાર્થક બને છે.
વ્યવહારની દષ્ટિએ યોગના ચાર પ્રકાર છે. (1) મંત્રયોગ (2) લયયોગ (3) હઠયોગ (4) રાજયોગ. – મંત્રયોગ એટલે માતૃકા વગેરેથી યુક્ત મંત્ર. ચિત્તનો લય કરે તે લય યોગ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિવાળા અષ્ટોગ યોગને હઠયોગ કહે છે. મનથી મનને જોતા જઈ તેની ગતિવિધિનું નિરીક્ષણ કરીને તેમાંથી મુક્ત થવાની સાધના તે રાજયોગ.

યોગનાં મુખ્ય ચાર અંગ છેઃ આસન, પ્રાણાયામ, ધ્યાન અને સમાધિ. શરીરને સુંદર રાખવા આપણે બ્યુટીપાર્લરથી લઈને જિમ સુધી જઈએ છીએ. શરીરને સ્વસ્થ રાખવા ડોક્ટરની સલાહથી વિવિધ દવાઓ લઈએ છીએ, પરંતુ મનની સ્વસ્થતા તો યોગથી જ શક્ય બને છે, કારણ કે શારીરિક સ્વસ્થતાનો સીધો સંબંધ મન સાથે છે. મન સ્વસ્થ હશે તો જ તન સ્વસ્થ રહેશે. જીવનમાં બધી રમત મનની જ હોય છે. આપણે પગથી ચાલીએ છીએ, પરંતુ ચાલે છે આપણું મન. મન એ એવી ધરી છે, જેના પર શરીર ટકેલું હોય છે. તેથી જ કહેવાય છે કે જેવું મન એવું જીવન. આમ તન અને મનને સ્વસ્થ રાખવા યોગ જ માસ્ટર કી છે, ખરું ને!

યોગના અનેક પ્રકાર છે. ભક્તિયોગ, કર્મયોગ, જ્ઞાનયોગ, રાજયોગ, હાસ્યયોગ, વ્યવસાયયોગ. યોગ એક જીવનશૈલી છે. આપણું જીવન યોગમય હોય છે. યોગનો સાચો અર્થ મનની ઊથલપાથલનું અટકવું. મનમાં જ તોફાનો ઊમટે છે, મનની જે મૂંઝવણો છે, દુઃખ છે, હતાશા છે, વધારે પડતી મહત્ત્વાકાંક્ષા છે અને એનાથી જન્મે છે તે લોભ છે. આ તમામ જાળમાંથી છુટકારો મેળવીને મન શાંત થઈ જાય, પણ ક્યારે, યોગમય બનીએ ત્યારે જ ને!
આજના યોગદિને સૌ યોગનું મહત્ત્વ સમજી પોતપોતાને અનુકૂળ થોડો સમય યોગ માટે આપશે તો જરૂર તન અને મન સ્વસ્થ બને તો જીવન પ્રસન્ન બને, સુખમય બનશે જ બનશે. એના જેવું બીજું રૂડું શું? પરમકૃપાળુ પરમાત્મા વિશ્વના તમામ આબાલવૃદ્ધ સૌને નીરોગી અને ચિરાયુની સાથે સૌના જીવનને અર્થપૂર્ણ બનાવે એ જ આજના યોગદિને અંતરની અભ્યર્થના!

લેખક કેળવણીકાર છે.