યોગી કૃષ્ણની જેમ સજ્જનોની સુરક્ષા માટે દુર્જનોનો નાશ કરે છે: ગડકરી

 

ગોરખપુર: ઉત્તર પ્રદેશની આ બદલાઈ રહેલી તસવીર અને અહીં મોટા પાયે થઈ રહેલા રોકાણ એ વાતનો સંકેત છે કે, યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશ દેશનું સૌથી સુખી, સમૃદ્ધ અને સંપન્ન રાજ્ય બનશે. જે રીતે ભગવાન શ્રીકૃષ્ણે ભગવદ્ ગીતામાં કહ્યું છે કે, જ્યારે જ્યારે દુષ્ટ પ્રવૃત્તિ, સમાજ માટે ઘાતક, અન્યાય અને અત્યાચારીઓનો પ્રભાવ વધે છે, ત્યારે લોકોની સુરક્ષા માટે હું અવતાર લઉં છું. એ જ રીતે યોગી સજ્જનોની સુરક્ષા માટે દુર્જનોનો નાશ કરી રહ્યા છે.

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં રૂ. દસ હજાર કરોડના મૂલ્યની ૧૮ પરિયોજનાઓની ભેટ આપતી વખતે આ શબ્દો ઉચ્ચાર્યા હતા. દિગ્વિજયનાથ પાર્કમાં આયોજિત સમારંભમાં ગડકરીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તુલના ભગવાન કૃષ્ણ સાથે કરીને તેમના ભરપૂર વખાણ કર્યા હતા. ગડકરીએ કહ્યું કે, યોગીએ માફિયા સામે કઠોર પગલાં લીધા છે. તેમના શાસનમાં સજ્જનોનો આત્મવિશ્વાસ વધ્યો છે.

દુર્જનો પર પ્રહાર જ ભગવાન શ્રીકૃષ્ણનો સંદેશ હતો. તેઓ લોક કલ્યાણ માટે આદર્શ રામ રાજ્યની સ્થાપના કરી રહ્યા છે. દેશ અને ઉત્તર પ્રદેશની પ્રજા પણ આ અનુભવી રહી છે. સબકા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ અને સબ કા પ્રયાસના મંત્રથી દેશદુનિયામાં આ રાજ્ય નંબર-૧ મહાશક્તિ બનશે.

ગડકરીએ કહ્યું કે, ૨૦૨૪ સુધી ઉત્તર પ્રદેશમાં રૂ. પાંચ લાખ કરોડના રસ્તાનું કામ થશે. અહીં ૨૦૧૪ પછી રાષ્ટ્રીય ધોરી માર્ગોની લંબાઈ બમણી થઈ ગઈ છે. સારા રસ્તાથી ઉત્તર પ્રદેશ પણ અમેરિકા જેવું સમૃદ્ધ થશે. અમે એવા રસ્તા બનાવીશું કે, લોકો દિલ્હી વિમાનથી ઓછા અને રસ્તા પરથી જવું વધારે પસંદ કરશે. અમે લખનઉથી દિલ્હી સુધી વિમાનોના વિકલ્પ એવા સારા માર્ગ બનાવીશું, પછી ગોરખપુર સુધી રસ્તા એવા હશે કે, સાત જ કલાકમાં દિલ્હી પહોંચી જવાશે