યુવા ટીવી એન્કર આદિત્ય નારાયણ કહે છેઃ લોકો મને એક સંઘર્ષ કરતા ગાયક તરીકે યાદ કરશે તો મને વધુ ગમશે. 

 

        તાજેતરમાં ઈન્ડીયન આઈડલ રિયાલિટી શોના એન્કર તેમજ ગાયક આદિત્ય નારાયણે એક ઘોષણા કરીને જણાવ્યું હતું કે, તે 2022 બાદ ટીવીના એન્કર તરીકે કામગીરી નહિ બજાવે. આદિત્ય નારાયણે પોતાની કેફિયત આપતા કહ્યું હતું કે, ટીવીના સ્ક્રીન પર કામ કરીને મને ઘણું ઘણું મળ્યું છે. હું મુંબઈમાં મારું ઘર , મોટરકાર, ફાર્મ હાઉસ સહિત અનેક સુવિધાઓ મેળવી ચૂક્યો છું , પણ હવે મારે કશુંક નવું કરવું છે. કંઈક મોટું કરવું છે. હું મૂળ તો એક ગાયક છું. ટીવીના કાર્યક્રમોની વ્યસ્તતાને કારણે હું આખા વરસમાંમાં મારા એક- બે ગીત રેકોર્ડ કરાવી શકું છું. ગાયક તરીકે મારી પ્રતિભાને પ્રદર્શિત કરવાનો, એક ગાયક તરીકે સંઘર્ષ કરવાનો મને મોકો જ મળતો નથી. પણ હવે મેં એક વાત નક્કી કરી લીધી છેકે, મારે માત્ર ગાયક તરીકે જ મારો પરિચય ઊભો કરવો છે. મારો નાતો શબ્દ સાથે છે, સૂર અને સંગીત સાથે છે. એ જ મારા વ્યક્તિત્વની સાચી ઓળખ છે, જે મારે હજી પુરવાર કરવાની છે. હવે મારે ગીત- સંગીતના ક્ષેત્રમાં આગળ વધવું છે. મારું નામ એક એન્કર તરીકે નહિ એક ગાયક તરીકે લેવાય એ મને વધુ ગમશે.