યુરોપ, યુકેમાં મોટું શિયાળુ તોફાનઃ ૧૫ ઇંચ બરફ પડ્યો

 

લંડનઃ યુરોપ અને યુનાઇટેડ કિંગ્ડમના અનેક ભાગોમાં બરફના જાડા થર પથરાઇ ગયા છે જ્યાં એક પ્રચંડ શિયાળુ તોફાન ત્રાટક્યું છે જેમાં કેટલાક વિસ્તારોમાં તો ૧૫ ઇંચ જેટલો બરફ ઠલવાઇ ગયો છે. આ તોફાનને કારણે પ્રવાસીઓની મુશ્કેલીઓ સર્જાઇ હતી અને કોરોનાવાઇરસ સામેની કામગીરીને ઘણી અસર થઇ હતી.

આર્કટિક પ્રદેશમાંથી ફૂંકાતા ઠંડાગાર પવનોની સાથે નેધરલેન્ડમાં દસ વર્ષમાં પ્રથમ આટલું મોટું શિયાળુ તોફાન ત્રાટક્યું છે, જ્યારે જર્મનીમાં તો કેટલાક વિસ્તારોમાં ત્રણ ફૂટ જેટલા બરફનો થર જામી ગયો હતો તથા ત્યાં તમામ ટ્રેન સેવાઓ અટકાવી દેવી પડી હતી. કાર અકસ્માતના પણ અનેક બનાવો નોંધાયા હતા. આમ્સ્ટર્ડામ એરપોર્ટ પરથી સંખ્યાબંધ ફ્લાઇટો રદ કરવી પડી હતી. યુકે અથવા બ્રિટનમાં પણ શિયાળુ તોફાને તરખાટ મચાવ્યો હતો અને તેને કારણે રસ્તાઓ પર બરફ છવાઇ જતા અનેક વિસ્તારોનો સંપર્ક કપાઇ જવાનો ભય સર્જાયો હતો. હજી કેટલાક દિવસ સુધી યુરોપમાં સખત ઠંડી ચાલુ રહી શકે છે અને પૂર્વીય પોલેન્ડ, દક્ષિણ બેલારૂસ તથા યુક્રેઇનમાં બે આંકડામાં બરફ વર્ષા થઇ શકે છે જ્યારે જર્મની અને નેધરલેન્ડમાં હજી દસ દિવસ સુધી તાપમાન શૂન્યની નીચે રહી શકે છે તેવી આગાહી થઇ છે