યુરોપિયન દેશો લોકડાઉન હળવું બનાવી રહ્યા છે, અમેરિકી રાજ્યો પણ ધીમે ધીમે નિયંત્રણો ઉઠાવે છે

 

વોશિંગ્ટન, ઝ્યુરીચઃ  યુરોપિયન દેશો પદ્ધતિસર રીતે પોતાના લોકડાઉન હળવા બનાવીને ધંધા વેપાર ફરી શરૂ કરી રહ્યા છે ત્યારે અમેરિકાના રાજ્યોના ગવર્નરો પોત પોતાના રાજ્યોમાં નિયંત્રણો ઉઠાવી લેવા પગલાં ભરી રહ્યા છે જેમાં કેટલાક રાજ્યો નિયંત્રણો ઉઠાવવાની બાબતમાં આક્રમકતાથી જ્યારે કેટલાક સાવધાનીપૂર્વક ધીમે ધીમે આગળ વધી રહ્યા છે.

અમેરિકામાં સૌથી ખરાબ અસરગ્રસ્ત રાજ્યો ન્યુ યોર્ક, મિશિગન જેવા રાજ્યોના ગવર્નરો તેમના રાજ્યોમાં સ્ટે એટ હોમ જેવા નિયંત્રણો ઓછામાં ઓછા મધ્ય મે સુધી ચાલુ રાખી રહ્યા છે જ્યારે જ્યોર્જિયા, ઓકલાહોમા અને અલાસ્કા જેવા રાજ્યોના તેમના સમકક્ષો કેટલાક ચોક્કસ ધંધાઓને ફરી શરૂ થવા દઈ રહ્યા છે. અમેરિકામાં સૌથી વધુ ખરાબ અસરગ્રસ્ત ન્યુ યોર્કમાં ગયા મહિનાથી તેનો સૌથી નીચો મૃત્યુઆંક નોંધાયો છે જ્યારે ઈટાલી સહિતના યુરોપિયન દેશોમાં પણ સ્થિતિ સુધરતી જણાઈ છે. યુરોપિયન દેશમાં દુકાનો ફરી ખોલવાની મંજૂરી આપી છે, જ્યારે નોર્વેએ પ્રાથમિક શાળાઓ ફરી શરૂ કરી છે. જર્મનીએ જાહેર પરિવહન ફરી શરૂ કર્યું છે પણ જાહેર ટ્રાન્સપોર્ટના વાહનોમાં માસ્ક પહેરવાનું ફરજીયાત બનાવાયું છે.