યુરોપમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યાં:  સ્પેન અને પોર્ટુગલમાં ગરમીથી ૭૪૮ના મોત

 

યુરોપ: ભારતમાં હાલ ચોમાસુ તો યુરોપમાં જોરદાર હીટ વેવ ચાલી રહ્યો છે. યુરોપમાં ગરમીનો પારો તમામ રેકોર્ડ તોડી રહ્યો છે અને લૂના કારણે લોકોના મોત પણ થઈ રહ્યા છે. અધુરામાં પુ‚ સ્પેન અને ફ્રાંસના જંગલોમાં લાગેલી આગે મુસીબત વધારી દીધી છે. બ્રિટનના દરેક ભાગમાં તાપમાન નવા રેકોર્ડ બનાવી રહ્યુ છે. સ્પેનમાં બે લોકોના આગના કારણે મોત થયા છે. બ્રિટનમાં સ્થિતિ બગડી રહી છે અને પહેલી વખત તાપમાનનો પારો ૪૦ ડિગ્રીની નજીક પહોંચ્યો છે. જેના પગલે હેલ્થ વિભાગ દ્વારા નેશનલ ઈમરજન્સી લાગુ કરવામાં આવી છે. હવામાન વિભાગનુ કહેવુ છે કે, આગામી દિવસોમાં ૪૧ ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચે તેમ છે અને કદાચ આ બ્રિટનના ઈતિહાસનો સૌથી ગરમ દિવસ હશે. આ પહેલા ૨૦૧૯માં બ્રિટનમાં સૌથી વધારે ૩૮.૭ ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. લંડનમાં એટલી ગરમી પડી રહી છે કે, ૧૩૫ વર્ષ જુના લંડન બ્રિજને સિલ્વર ફોઈલથી ઢાંકવો પડયો છે. ફ્રાંસમાં એક ડઝનથી વધારે જગ્યાઓ પર તાપમાને નવો વિક્રમ સર્જયો છે અને ફ્રાંસના બ્રિટની નામના વિસ્તારમાં ૩૯.૩ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. સ્પેન અને પોર્ટુગલમાં ૭૪૮ લોકોના મોત થયા છે અને આ માટે ગરમીને જવાબદાર ગણવામાં આવી રહી છે.