યુરોપમાં ઓમિક્રોનનો આતંક: US કોરોનાનો મૃતકાંક આઠ લાખ

 

લંડનઃ કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના ફેલાવા વચ્ચે અમેરિકા અને યુરોપમાં ઓમિક્રોન અને કોરોનાની સ્થિતિ સતત બગડી રહી છે. અમેરિકાના મિશિગન રાજ્યમાં તો ફરી અગાઉ જેવી જ ગંભીર કટોકટી સર્જાતાં હોસ્પિટલોમાં વેન્ટિલેટર ખૂટી પડયા હતા. યુરોપમાં પણ કેસ વધ્યા છે અને તેની પાછળ નાતાલના કારણે બજારોમાં વધેલી ભીડને કારણભૂત માનવામાં આવે છે. 

સ્વિત્ઝર્લેન્ડમાં લોકડાઉનનો ખતરો ઊભો થયો છે જ્યારે ઓસ્ટ્રેલિયા અને બેલ્જિયમમાં રસીની અનિવાર્યતા ઊભી થઇ?છે. બ્રિટનમાં રવિવારે ઓમિક્રોનના નવા ૧૨૩૯ કેસ નોંધાતા કુલ મામલા ૩૧૩૭ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં અમેરિકાના મિશિગનમાં નવા ૧૧,૭૮૩ કેસ સામે આવ્યા. સાથે જ વિક્રમી ૨૩૫ મોત થયાં.  અમેરિકામાં કોરોનાનો સત્તાવાર મૃત્યુઆંક આઠ લાખને પાર થયો છે. તો બાવીસ રાજ્યમાં ઓમિક્રોન ફેલાયો છે.ઇન્ડિયાના રાજ્યમાં છેલ્લાં બે અઠવાડિયાં દરમિયાન કેસ ૪૯ ટકા વધ્યા છે. હોસ્પિટલોમાં વ્યવસ્થા જાળવી રાખવા નેશનલ ગાર્ડ બોલાવાયા છે.અમેરિકામાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના ૪૩ કેસ સામે આવી ચૂક્યા છે. નિષ્ણાતોનું કહેવું છેકે ઠંડી વધતાં અને ક્રિસમસને કારણે બજારોમાં ભીડના લીધે સંક્રમણ વધી રહ્યું છે. બીજી તરફ સ્વિટ્ઝરલેન્ડમાં ફરી લોકડાઉન કરવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. 

બ્રિટનમાં પણ નવા કેસ વધ્યા છે. દરમિયાન, જર્મનીમાં તો ડોક્ટર્સના એસોસિયેશને વેક્સિનના ચોથા ડોઝની પણ ભલામણ કરી છે. ડો. વેલગેટનું કહેવું છે કે આવતા વર્ષે ચોથો ડોઝ લેવો પડશે. બ્રિટનના ટોચના રોગવિજ્ઞાની પ્રો. ઇલિયાનોર રીલેએ આશંકા વ્યક્ત કરી છે કે ઓમિક્રોન વેરિયન્ટને પગલે જો સરકાર દ્વારા વધુ કડકાઇ નહીં દાખવાય તો આગામી ૫ મહિનામાં બ્રિટનમાં રોજ ઓમિક્રોનના નવા ૨,૫૦૦ કેસ નોંધાઇ શકે છે અને ૭૫ હજાર મોત થઇ શકે છે. લંડન સ્કૂલ ઓફ હાઇજીન એન્ડ ટ્રોપિકલ સાયન્સે એક વૈજ્ઞાનિક મોડલના આધારે આ આશંકા વ્યક્ત કરી છે. 

બ્રિટનમાં આ અઠવાડિયે કોરોનાના નવા દર્દીઓની સંખ્યા ૧૫ ટકા વધી છે. બ્રિટનમાં વેક્સિનના બુસ્ટર ડોઝ માટે અભિયાન છેડાયું છે. કોરોના સંક્રમણ વધતાં યુરોપના ઘણા દેશોની સરકારો પ્રતિબંધો જાહેર કરી રહી છે. ફ્રાન્સ, જર્મની, ઇટાલી, ઓસ્ટ્રિયા, બેલ્જિયમ અને સ્વિટ્ઝરલેન્ડમાં કોરોના વેક્સિન ફરજિયાત કરાઇ રહી છે. વેક્સિનના બુસ્ટર ડોઝ માટે પણ અભિયાન છેડાયું છે પરંતુ ઘણાં સંગઠનો તેનો વિરોધ કરી રહ્યાં છે. ઓસ્ટ્રિયાની રાજધાની વિએનામાં શનિવારે મોટી સંખ્યામાં લોકોએ રસ્તા પર ઉતરીને પ્રતિબંધોનો વિરોધ કર્યો. તેમનું કહેવું છે કે પ્રતિબંધો તેમની આઝાદી પર તરાપ છે