યુપીમાં પહેલા માફિયારાજ હતું, આજે ગુંડાઓ યોગ્ય જગ્યાએ : મોદી

 

પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી નજીક છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે. મંગળવારે તેઓ પ્રયાગરાજ પહોંચ્યા હતા. અહીં તેમણે જનસભા સંબોધતા કહ્યું કે આજે યુપીમાં સુરક્ષા પણ છે અને અધિકાર પણ. આજે યુપીમાં સંભાવનાઓ પણ છે અને વ્યાપાર પણ છે. તેમને વિશ્વાસ છે કે માતાઓ અને બહેનોના આશીર્વાદથી આ નવા યુપીને ફરી કોઈ અંધકારમાં નહીં ધકેલી શકે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પાંચ વર્ષ પહેલા યુપીના રસ્તાઓ પર માફિયાઓનું રાજ હતું. યુપીની સત્તામાં ગુંડાઓનો દબદબો હતો. તેનું સૌથી વધુ કોણે સહન કર્યું? યુપીની બહેન-દીકરીઓએ. તેમને રસ્તામાં નીકળવું મુશ્કેલ થઈ પડતું હતું. સ્કૂલ-કોલેજ જવું મુશ્કેલ હતું. તમે કંઈ કહી શકતા ન હતા, બોલી શકતાં ન હતા, કારણ કે પોલીસ થાણામાં જાવ તો ગુનેગારો, બળાત્કારીઓની ભલામણ માટે કોઈનો ફોન આવી જતો હતો. યોગીજીએ આ ગુંડાઓને તેમની યોગ્ય જગ્યાએ પહોંચાડયા છે. આજે કોઈ પણ જાતના ભેદભાવ, પક્ષપાત વિના ડબલ એન્જિન સરકાર બેટીઓનાં ભવિષ્યને સશક્ત બનાવવા સતત કામ કરી રહી છે. દીકરીઓના લગ્નની ઉંમરને ૧૮થી વધારી ર૧ કરાઈ રહી છે, કારણ કે તેમને અભ્યાસનો, આગળ વધવાની પૂરતી તકો મળે. આ નિર્ણય બેટીઓનાં ભવિષ્ય માટે છે પરંતુ કોને તકલીફ થઈ રહી છે તે દેશ જોઈ રહ્યો છે.