યુપીમાં પંચાયત ચૂંટણીની ડ્યુટીમાં લાગેલા ૫૭૭ ટીચર્સ કોરોનાનો કોળિયો બન્યાઃ શિક્ષક સંઘનો દાવો

 

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં ગુરુવારે પંચાયતની ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. રાજ્ય શિક્ષક સંગઠને કરેલા દાવા પ્રમાણે કોરોના કાળમાં યોજાયેલી આ ચૂંટણી દરમિયાન અત્યાર સુધીમાં ૫૭૭ બેઝિક શિક્ષકો મૃત્યુ પામ્યા છે. અગાઉ એક સમાચાર પત્રે પંચાયતની ચૂંટણી દરમિયાન ૧૩૫ પોલિંગ ઓફિસર્સના મૃત્યુના સમાચાર છાપ્યા હતા જેના પર અલાહાબાદ હાઈકોર્ટે સંજ્ઞાન લીધું હતું.

રાજ્ય શિક્ષક સંગઠને ઉત્તર પ્રદેશ રાજ્ય ચૂંટણી પંચને એ ૫૭૭ શિક્ષકોની યાદી સોંપી છે જે ચૂંટણી ડ્યુટી બાદ મૃત્યુ પામ્યા છે. આ યાદી સોંપ્યા બાદ રાજ્ય શિક્ષક સંગઠને બીજી મેના રોજ યોજાનારી મતગણતરી ટાળવાની માંગણી કરી છે. ઉત્તર પ્રદેશ શિક્ષક મહાસંઘના અધ્યક્ષ દિનેશ ચંદ્ર શર્માના કહેવા પ્રમાણે પંચાયત ચૂંટણીના નામ પર રાજ્ય ચૂંટણી પંચે ૭૧ જિલ્લાના ૫૭૭ બેઝિક શિક્ષકોને સંક્રમિત કરી દીધા. અગાઉ સરકાર તરફથી તમામ ડીએમ, એસપી અને જિલ્લા ચૂંટણી અધિકારીને એક સર્ક્યુલર મોકલવામાં આવ્યો હતો.