યુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ ફલોરિડાના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં નિમાતા દિગ્વિજય ગાયકવાડ

 

ન્યુ યોર્કઃ ફલોરિડાના ગવર્નર રીક સ્કોટ દ્વારા ભારતીય અમેરિકન દિગ્વિજય ગાયકવાડની યુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ ફલોરિડાના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં નિમણૂક કરવામાં આવી છે. યુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ ફલોરિડાએ 11 અન્ય નિમણૂકની પણ જાહેરાત કરી હતી.

ગાયકવાડની મુદત બીજી ફેબ્રુઆરી, 2018થી શરૂ થઈ છે અને તે છઠ્ઠી જાન્યુઆરી, 2021માં પૂરી થશે. ગાયકવાડ ફલોરિડાના ઓકાસામાં વસતા ઉદ્યોગપતિ છે, જેમને સફળ ઉદ્યોગગૃહના સંચાલનનો ત્રણ દાયકાથી વધારે અનુભવ છે.
ગાયકવાડે વિવિધ ક્ષેત્રોમાં પોતાના ઉદ્યોગો સ્થાપ્યા છે, જેમાં કન્વિનિયન્સ સ્ટોર, રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી, ઇન્ફોર્મેશન ટેક્નોલોજીનો સમાવેશ થાય છે. તેઓ આઇટી ફર્મ એનડીએસ યુએસએ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી તેમ જ ડેની જી. મેનેજમેન્ટના ફાઉન્ડર-સીઈઓ છે, જે ફલોરિડામાં રેસ્ટોરાં-હોટેલોની ચેઇન ચલાવે છે.

તેમણે વિવિધ બોર્ડમાં સેવા આપી છે, જેમાં એન્ટરપ્રાઇઝ ફલોરીડા ઇન્ક., વિઝિટ ફલોરિડા, ફલોરિડા ચેમ્બર ઓફ કોમર્સ, મેરિયોન કાઉન્ટી પ્લાનિંગ એન્ડ ઝોનિંગ કમિશનર, સ્પેસ ફલોરિડા, ઇન્ડિપેન્ડન્સ નેશનલ બેન્ક, ટેલર, બીન એન્ડ વિટેકરનો સમાવેશ થાય છે. તેમનો જન્મ વડોદરામાં થયો હતો. અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સની પદવી મેળવી હતી. આ પછી 1987માં અમેરિકા આવ્યા હતા.