યુનિવર્સિટી ઓફ જ્યોર્જિયામાં ચારુસેટના વિદ્યાર્થી ચિંતન મણિયાર દ્વારા સફળ ઇન્ટર્નશિપ

ચાંગાઃ ભારતીય વિદ્યાર્થીને વિશ્વની અગ્રક્રમાંકિત યુનિવર્સિટીમાં, અન્ય દેશોના તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે કદમથી કદમ મિલાવીને કંઈક નવું શીખવાની તક મળે તે સાચે જ આપણા સૌ માટે ગર્વની વાત છે. ચાંગાસ્થિત ચંદુભાઈ એસ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીની કોમ્પ્યુટર એન્જિનિયરિંગ શાખામાં છઠ્ઠા સેમિસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ચિંતન મણિયારે શિક્ષણની સાથે સાથે સંશોધન કરી ચારુસેટ યુનિવર્સિટીને ગૌરવાન્વિત કરી છે.
સંબંધિત વિષય પર સઘન સંશોધન અને ઊંડાણપૂર્વક તૈયાર કરાયેલી રિસર્ચ પ્રપોઝલ યુનિવર્સિટી દ્વારા પસંદ કરાઈ હતી. આ પછી જિયોગ્રાફી વિભાગના ટોચના વિષય તજ્જ્ઞો દ્વારા વિદ્યાર્થીઓના વ્યક્તિગત સ્કાઇપ ઇન્ટરવ્યુ લેવાયા હતા. આ પછી યુનિવર્સિટી ઓફ જ્યોર્જિયા દ્વારા સંશોધનકાર્ય માટે ચિંતનની પસંદગી આ ઇન્ટર્નશિપ માટે કરવામાં આવી હતી.
યુએસએની યુનિવર્સિટી ઓફ જ્યોર્જિયામાં જ્યોગ્રાફી વિભાગમાં આઠ અઠવાડિયાંની સંપૂર્ણ સ્કોલરશિપ સાથેની સમર ઇન્ટર્નશિપ દરમિયાન ચિંતને સાયનોટ્રેકર ટીમ સાથે કામ કર્યું અને ભારત તેમ જ અન્ય સાઉથ એશિયન દેશોમાં સાયનોબેક્ટેરિયાથી ઉપદ્રવતાં જળાશયો પર અભ્યાસ કર્યો. પહેલી જુલાઈથી 31મી જુલાઈ સુધીની આ ઇન્ટર્નશિપમાં ચિંતનનું મુખ્ય કાર્ય સાયનોટ્રેકર ટીમ માટે સંબંધિત ટ્વિટ્સને ખોજવાનું અને વિશ્વના નકશા પર તે ટ્વિટને હાઇલાઇટ કરવાનું હતું.
આ ઉપરાંત ચિંતને પ્રોસેસિંગ ટાઇમ અને લેયરિંગ મિકેનીઝમને બહેતર બનાવવા માટે સેન્ટિનલ-2 સેટેલાઇટ ઈમેજરીના વર્તમાન કોડમાં સુધારણાનું કાર્ય કર્યું. જ્યોર્જિયા યુનિવર્સિટીના ડો. દીપક મિશ્રાના નેતૃત્વ હેઠળ ચિંતન મણિયારે સફળતાપૂર્વક ઇન્ટર્નશિપ પૂરી કરીને ચારુસેટ યુનિવર્સિટીને વિશેષ ગૌરવ અપાવ્યું છે.
આ ઇન્ટર્નશિપ અર્થે પ્રયત્નશીલ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ સેલના કન્વીનર ડો. વિજય પંચાલ અને સભ્યો ડો. પ્રોભીન સુકુમાર તથા પ્રા. અર્પણ દેસાઈનું યોગદાન સરાહનીય રહ્યું હતું.