યુદ્ધ હમાસે શરૂ કર્યું, તેને ખતમ અમે કરીશુંઃ ઇઝરાયેલના વડાપ્રધાન

ઈઝરાયેલઃ આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ પર રોકેટ મારો કર્યા બાદ 7મી ઓક્ટોબરથી ઈઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. એક અહેવાલ મુજબ 3 દિવસમાં પેલેસ્ટાઇનના ગાઝા અને વેસ્ટ બેંકમાં યુદ્ધના કારણે 704 લોકોના મોત થયા છે અને 2,616 લોકો ઘાયલ થયા છે, જ્યારે ઈઝરાયેલમાં 900 લોકોના મોત થયા છે અને 3800 લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસને કડક ચેતવણી આપતા કહ્યું ક,ે ઈઝરાયેલે આ યુદ્ધ શરૂ નથી કર્યું પરંતુ અમે તેને ખતમ કરીશું.
ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ એક સંબોધનમાં કહ્યું, ઇઝરાયેલ યુદ્ધની સ્થિતિમાં છે. અમે આ યુદ્ધ ઇચ્છતા ન હતા. આ યુદ્ધ અત્યંત ક્રૂર રીતે શરૂ કરવામાં આવ્યું હતું. જો કે ઇઝરાયેલે આ યુદ્ધ શરૂ કર્યું નથી, પરંતુ ઇઝરાયેલ તેનો અંત લાવશે.
હમાસને ચેતવણી આપતાં વડા પ્રધાન નેતન્યાહુએ કહ્યું કે હમાસને આની કિંમત ચૂકવવી પડશે અને જેને લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે. હમાસ સમજી જશે કે તેમણે અમારા પર હુમલો કરીને ઐતિહાસિક ભૂલ કરી છે. અમે એવી કિંમત વસુલીશું જેને હમાસ અને ઇઝરાયેલના અન્ય દુશ્મનો આવનારા દાયકાઓ સુધી યાદ રાખશે.
બંધકોની દુર્દશા અંગે વડા પ્રધાન નેતન્યાહુએ કહ્યું કે નિર્દોષ ઇઝરાયલીઓ વિરુદ્ધ હમાસ દ્વારા કરવામાં આવેલા ક્રૂર હુમલાઓ આઘાતજનક છે. તેઓ ઘરોમાં ઘૂસીને પરિવારોને મારી રહ્યા છે, ફેસ્ટીવલમાં સેંકડો યુવાનોને મારી નાખ્યા, બાળકો અને વૃદ્ધોનું અપહરણકર્યું. આ ક્રુરતા છે.
નેતન્યાહુએ હમાસની તુલના આઈએસઆઈએસ સાથે કરી અને તેને હરાવવા એકજુટ થવા માટે આહ્વાન કર્યું. આ સિવાય તેમણે પોતાના સંબોધન દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને વિશ્વના અન્ય નેતાઓનો પણ તેમના સમર્થન માટે આભાર માન્યો હતો. તેમણે કહ્યું, હમાસ સામે લડીને, ઇઝરાયેલ માત્ર પોતાના લોકો માટે જ નથી લડી રહ્યું. તે દરેક દેશ માટે લડી રહ્યું છે જે ક્રુરતા સામે ઊભું છે. ઇઝરાયેલ આ યુદ્ધ જીતશે અને જ્યારે ઇઝરાયેલ જીતશે, ત્યારે સમગ્ર સભ્ય વિશ્વ જીતશે.
હમાસે યુદ્ધ શરૂ કર્યા બાદ ઈઝરાયેલે 3,00,000 સૈનિકોને એકત્ર કરીને જવાબી કાર્યવાહી શરુ કરી હતી. હમાસે ઈઝરાયેલની સેનાને ચેતવણી આપતા કહ્યું કે જો ઇઝરાયેલ ગાઝામાં લોકોને નિશાન બનાવશે તો નાગરિક બંધકોને ચેતવણી આપ્યા વિના મારી નાખવામાં આવશે અને હત્યાઓનું પ્રસારણ કરવામાં આવશે. એક અહેવાલ અનુસાર, હમાસે દાવો કર્યો છે કે તેણે ઇઝરાયેલી સેનાના અધિકારીઓ સહિત 100થી વધુ લોકોને બંધક બનાવ્યા છે.