યુગવાણી કક્ષાની લોકવાણી

0
981

છક્કડિયા કે કુંડળિયા દુહાઓની માફક એના જેવી ચાંવળા બંધની રચનાઓ કંઠસ્થ પરંપરામાં ભજન અને લોકગીત કરતાં પણ વધુ સંખ્યામાં સાંભળવા મળે છે. ધ્રુવાખ્યાન જેવાં અનેક આખ્યાનો પણ ચાંવળા બંધમાં જોવા મળે છે. દુહા જેટલો જ લોકપ્રિય પ્રકાર આ ચાંવળા-રામાવળા છે. એમાં બોધ, ઉપદેશ કે જીવન અનુભવ અને ગૂઢ રહસ્યોને એનો કર્તા ઢાળતો હોય છે. દુહાની માફક ચાંવળામાં પણ એનો કર્તા પોતાની નામછાપ મૂકતો હોય છે. આવા નજેવી નામછાપના ચાંવળા લોકોપદેશ માટે કહેવાયેલા મળે છે. રામનો જેઠવો, પણ ચાંવળા કથક છે. આવા ચાંવળા કથકકવિઓના પ્રદાનને કોઈએ મૂલવવું જોઈએ. લોકસંસ્કૃતિના મશાલચી સમાન આ ચાંવળા બંધના લોકકવિઓએ સમાજને સંસ્કારવાનું બહુ મોટું કામ એમના જમાનામાં તો કરેલું, પણ પછીથી એ ચાંવળા ગાઈને અનેક ગાયકોએ પણ સમાજને સંસ્કારેલો-સંકોરેલો.
ચાંવળા એના આગવા બંધારણને કારણે સ્મૃતિમાં જકડાઈને યાદ રહી જાય. કંઠસ્થ રહી જાય એવુું એનું આગવું વિશિષ્ટ બંધારણ છે. પ્રથમ પંક્તિનો પૂર્વાર્ધ અંતિમ પંક્તિના ઉત્તરાર્ધમાં બેવડાય. બીજી પંક્તિનો ઉત્તરાર્ધ ત્રીજી પંક્તિના પૂર્વાર્ધમાં બેવડાય, એમાં થોડું ઉમેરણ થાય. પ્રાસ-અનુપ્રાસ મળતા હોય, યમક સાંભળીને વર્ણાનુપ્રાસ પણ એમાં જળવાયેલા હોય છે. આવા બધા કારણે ચાંવળા બંધના દોહરા કંઠસ્થપરંપરામાં જળવાઈ રહીને લોકજીવનની સરવાણીને વહેતી રાખતા હોય છે.
નથવા નામની વ્યક્તિએ જીવનના અનુભવોને ચાંવળા દ્વારા વહેતા મૂક્યા છે. એ કહે છે કે સારા માણસો જ બધું ખમતા-સહન કરતા હોય છે. ખોટા માણસો ફટકિયા મોતીની માફક ભાંગી પડતા હોય છે. આવા માણસો હકીકતમાં ક્યારેય જૂના થતા હોતા નથી. તેઓ ચિરંજીવપણાને પામે છે. આવા માણસોની ટંકશાળે નથવાનું મન પહોંચી ગયું છે. આમ, સમાજને ચિરંજીવ બનવું હોય તો સારા થવું, સહનશીલ થવું એવો ઉપદેશ નાથવો ચાંવળા બંધના દોહરા દ્વારા સમાજમાં પ્રસ્તુત કરે છે તેને સાંભળીએઃ
સારાં ખમે સાર, ફટકિયાં ફાટી પડે.
મીણિયું મોતીવળ હાર, સાચા નીપજે શેણનાં
સાચા નીપજે શેણના તે રિયા,
ઈ જુગો જુગ જૂના ન થિયાં,
કહે નથવો અમારું મનડું ટંકશાળે ચડે,
સારા ખમે. (1)
સાચાં મોતી છીપનાં, માનસરોવર મળે,
એરણ માથે અથડાવીએ, ટાંકે નવ ખરે,
ટાંકે નવ ખરે હે રિયાં, ઈ જુગો-જુગ જૂના ન થિઆં.
કહે નથવો જગત મર જોતી હાલે,
સાચાં મોતી છીપનાં. (2)
મોતી મહેરામણ મળે, ચીજું ઝવેરી સાર,
અમૂલખ એરણ માંડીએ, મીણિયુનો ગૂંથાવીએ હાર,
મીણિયુનો ગૂંથાવીએ હાર તે જતનથી રાખીએ,
એને સુહાગી શેણની ડોકમાં નાખીએ,
કહે નથવો એમ સેલી સમદર ઉતરે પાર,
મોતી મહેરામણ મળે. (3)
પાછા વળો મજાં સજણાં, કરો દલડાની વાત,
વ્હાલા આવે આંગણે, તો ભાંગે હૈડાની ભ્રાંત,
ભાંગે હૈડાની ભ્રાંત તે શેણાં,
વરતો ઈ આ ટાણે વેળા,
કહે નથવો ક્યાં રોકાણાં સૈરુની સાથ,
પાછા વળો મુજાં સજણાં. (4)
સાચા માણસોના મહિમાને ગાતા આ ચાંવળા સમાજની જમાબાજુને પ્રસ્તુત કરે છે. સાચા માણસો દુલર્ભ છે, ઠેર ઠેર મળતા નથી. એ ગમે તેમ અથડાવા – પછાડવા- તોડવાથી તૂટતા નથી. ટાંકણાંરૂપી દુઃખથી તૂટી પડતા નથી ત્રીજા ચાંવળામાં નથવો આ સાચૂકલા માણસોના પરખંદાની વિગતો કહે છે અને એના માન-સન્માન કરવાનું સૂચવે છે. સાચાં મોતીઓ માફક સાચા માણસો પણ દુર્લભ છે એની ભાળ અઘરી છે. એને એરણ માથે ટીપવા છતાં એ તૂટતા નથી. સારા-સજ્જન માણસોનું પણ એવું છે, ગમે તેવી વિપત્તિમાં તેઓ ભાંગી પડતા નથી. આવા સાચા મોતીને હારમાં ગૂંથવાના હોય અને જતનથી ડોકમાં રાખવાના હોય, મોતીની માફક સજ્જન-સારા માણસોને પણ જાળવવાના-સાચવવાના હોય.
નથવો ચોથા ચાંવળામાં સજણા-પ્રેયસીને ઉદ્દેશીને કહે છે કે મારાં સજણા-સખી-પ્રેયસી પાછાં ફરો અને તમારા હૃદયની વાત કહો, જે વહાલાં હોય એ જો આંગણે પધારે તો હૈયાની ભ્રમણા ભાંગે માટે તમે સમય સંભાળીને સહિયરોની સાથે રહેવાને બદલે-પાછાં વળીને પધારો. નાયિકાને પાછાં વાળવા પોકારતો નથવો પ્રેમીની વાણી બોલે છે. આવાં હૃદયસ્પર્શી સંવેદનો અને સનાતન ભાવમૂલ્યો દુહામાં પ્રયોજાતાં હોઈને એ કાયમ સ્મરણમાં રહે છે ને એને કાળનો કાટ ચડતો નથી.
એનું ભગ્ન હૃદય પાંચમા ચાંવળામાં ભારે ખીલ્યું છે. તે ગાય છે કે ભાંગેલું સાજું થતું નથી, સંધાતું નથી. કાયા, કંકણ અને કાચ ભાંગ્યા પછી એને સાંધી શકાતા નથી. દિલની સાથે દિલડું મળે નહિ અને નિરાશ કરીને પાછા વાળે એની પીડાને ન જાણવાને કારણે જ પ્રેમીને પાછા વાળીને હૃદય ભાંગવાની ક્રિયા કરતા હોય છે. વહાલાની તો નિયમિત વાટ જોવાતી હોય છે અને વાટ જોનારનું હૃદય ભાંગીને નંદવાઈ ન જાય એનો ખ્યાલ રાખવાનું નથવો કહે છે.
નથવા નામની ચાંવળા પરંપરામાં ભારે પ્રચલિત છે. એમાં સ્વાનુભવ જ સ્થાન પામ્યો છે, પણ સર્વાનુભવ કક્ષાનો હોવાને કારણે નથવો સમગ્ર પ્રેમીઓનું મુખ બની શક્યો છે. લોકકવિતાને આવા કારણે યુગવાણી-યુગવંદના તરીકે ઓળખવામાં-ઓળખાવવામાં આવે છે. સનાતન સત્યો, શાશ્વત મનોભાવો અને યુગ જૂના પ્રશ્નોને સાચવતી અને સમાવતી-કંઠસ્થ પરંપરાની લોકવાણી યુગપ્રવર્તક-શકવર્તી બનીને યુગવાણી તરીકેના સ્થાન-માન પ્રાપ્ત કરે છે.

લેખક લોકસાહિત્ય, ચારણી સાહિત્ય અને સંતસાહિત્યના જાણીતા વિદ્વાન છે. તેમણે ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય વિશે પણ ખૂબ કામ કર્યું છે.