યુગલનાં ગાયમાતાની હાજરીમાં ગૌધુલીવિધિથી પ્રભુતામાં પગલાં 

 

 

સુરતઃ સુરતમાં અનોખા લગ્ન યોજાયા હતા, જેમાં ગૌમાતાને મુખ્ય અતિથિ તરીકે સ્થાન અપાયું હતું, લગ્ન પણ વૈદિક વિધિથી કરાયા હતા, વરઘોડામાં પણ ગૌમાતા સૌથી આગળ હતાં અને તેમનું સ્વાગત- આવકાર કર્યા બાદ જાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત લગ્નમંડપ પાસે પણ ગૌમાતાની હાજરીમાં ગૌધુલીવિધિ કરવામાં આવી હતી. ખાસ એ પણ છે કે આ યુગલ દ્વારા લગ્નપત્રિકા પણ કાપડ પર સંસ્કૃતમાં એક જ છપાવવામાં આવી હતી, જ્યારે બાકી તમામ સંબંધીઓને માત્ર ડિજિટલ માધ્યમથી પીડીએફ મોકલી આમંત્રણ આપવામાં આવ્યાં હતાં. 

સુરતના ભટાર રોડ પર આવેલા અમૃતકુંજ એપાર્ટમેન્ટમાં ગરોડિયા પરિવારના દીકરા રોહિતના ધામધૂમથી લગ્ન એક અલગ રીતે જ કરાયા હતા. રોહિત પણ આ લગ્નમાં ડિજિટલ ઇન્ડિયા અને હિન્દુ ધર્મની શાસ્ત્રોક્ત પરંપરાને માન આપવા માગતો હતો, જેથી તેની જાનમાં સૌથી આગળ બે ગાય અને એક વાછરડાને રાખવામાં આવ્યાં હતાં. વધૂના પરિવાર દ્વારા પહેલા વરરાજાનું નહિ, પરંતુ ગૌપૂજા અને સ્વાગત કરાયાં હતા, ત્યાર બાદ વરરાજાનું સ્વાગત કરાયું.  રોહિતના લગ્ન અભિલાષા સાથે થયા છે. અભિલાષાને પણ જ્યારે રોહિતના પરિવાર દ્વારા આ વિચાર કહેવામાં આવ્યો ત્યારે તેણે પણ તેને વધાવી લીધો હતો. અભિલાષાએ કહ્યું હતું કે મારી પણ ઇચ્છા હતી કે લગ્ન સાદગીપૂર્ણ રીતે કરવામાં આવવા જોઈએ અને એમાં એક મેસેજ હોવો જોઈએ, જે સમાજને આપી શકાય.