
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારતની સુરક્ષા તૈયારીઓને લઈ એક હાઈ લેવલની બેઠકની અધ્યક્ષતા કરી હતી. જ્યારથી રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં વડાપ્રધાને કેન્દ્રીય મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે અનેક હાઈ લેવલ બેઠકો યોજી છે. આ બેઠકમાં વડાપ્રધાન ઉપરાંત સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, નાણા મંત્રી નિર્મલા સીતારામણ, વિદેશ મંત્રી એસ. જયશંકર, વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ઉપસ્થિત રહ્યા હતા. યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે બોલાવવામાં આવેલી આ બેઠકમાં ભારતની સુરક્ષાની તૈયારીઓ અને વર્તમાન વૈશ્વિક પરિવેશ પર ચર્ચા થઈ હતી. બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ નિર્દેશ આપ્યો કે, ખાર્કીવમાં માર્યા ગયેલા નવીન શેખરપ્પાના પાર્થિવ શરીરને પરત લાવવા માટે તમામ સંભવિત પ્રયત્નો કરવામાં આવે. બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીને યુક્રેનમાં નવીનતમ ઘટનાઓ અંગે જાણકારી આપવામાં આવી કે ભારતીય નાગરિકોની સાથે સાથે ભારતના પાડોશી દેશોના કેટલાક નાગરિકોને પણ ઓપરેશન ગંગા અંતર્ગત યુક્રેનમાંથી સુરક્ષિત કાઢવામાં આવ્યા છે. તેમને સરહદી ક્ષેત્રોની સાથે સાથે સમુદ્રી અને હવાઈ ક્ષેત્રમાં ભારતની સુરક્ષા તૈયારીઓના વિકાસ અને વિભિન્ન પાસાઓ અંગે પણ જાણકારી આપવામાં આવી. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. વૈશ્વિક દબાણ અને તમામ દેશો દ્વારા આકરા પ્રતિબંધોની જાહેરાત છતાં રશિયા સતત યુક્રેન પરના હુમલાઓ તેજ કરી રહ્યું છે અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે.