
મોસ્કો: રશિયા-યુક્રેન સંકટથી આખી દુનિયામાં ભય ફેલાયેલો છે એવા સમયે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે ચર્ચા પછી અમેરિકા અને નાટો સાથે શાંતિ મંત્રણા માટે તૈયારી દર્શાવી છે. બીજીબાજુ રશિયાની સંસદે પૂર્વીય યુક્રેનના રશિયન તરફી પ્રાંતોને રાજદ્વારી માન્યતા આપવાની દરખાસ્ત રજૂ કરીને બળતામાં ઘી હોમ્યું છે. અમેરિકા અને યુરોપના દેશોએ રશિયાના આ પગલાંની આકરી ટીકા કરી છે.
રશિયાએ એકબાજુ યુક્રેન સરહદેથી આંશિક રીતે સૈન્ય દળો પાછા ખેંચીને સ્થિતિ થાળે પાડવાના સંકેત આપ્યા છે. જર્મન ચાન્સેલર ઓલાફ સ્ક્લોઝે અંતિમ પ્રયાસોના ભાગપે રશિયામાં પ્રમુખ પુતિન સાથે વાટાઘાટો કરી હતી. તેમની સાથે ચર્ચા પછી પુતિને જણાવ્યું હતું કે અમેરિકા અને નાટોએ રશિયાની યુક્રેન અને સોવિયેત સંઘના ભૂતપૂર્વ દેશોને નાટોથી દૂર રાખવાની તેમજ રશિયન સરહદો નજીક શસ્ત્રો ખડવાની અને પૂર્વીય યુરોપમાંથી દળોને દૂર કરવાની માગણી નકારી કાઢી છે. તેમ છતાં રશિયા યુરોપમાં ઈન્ટરમીડિયેટ રેન્જ મિસાઈલ તૈનાત કરવા, સૈન્ય કવાયતની પારદર્શીતા અને આત્મ વિશ્ર્વાસ વધારતા અન્ય પગલાંઓ લેવા માટે અમેરિકા અને નાટો સાથે ચર્ચા કરવા માટે તૈયાર છે.
બીજીબાજુ રશિયન સંસદે પ્રમુખ પુતિનની પૂર્વીય યુક્રેનના રશિયા તરફી બે પ્રાંતો દોનેત્સ્ક અને લુહાન્સ્ક પીપલ્સ રિપબ્લિક્સને સત્તાવાર રીતે રાજદ્વારી માન્યતા આપવાની દરખાસ્ત સ્વીકારી લીધી છે. આ બંને પ્રાંતો ૨૦૧૪થી પોતાને યુક્રેનથી સ્વતંત્ર જાહેર કરી ચૂક્યા છે. જોકે, હજુ સુધી દુનિયામાં કોઈપણ દેશે આ બંને પ્રાંતોને સાર્વભૌમ દેશ તરીકે અન્ય માન્યતા આપી નથી. જોકે, રશિયન સંસદની દરખાસ્તનો એ અર્થ નથી કે તેને ક્રેમલીનનું પીઠબળ મળશે અથવા આ દરખાસ્ત આગળ વધશે. જોકે, રશિયન સંસદમાં આ બિલ પસાર થતાં ૨૦૧૫ના યુદ્ધ વિરામનો ભંગ થયો છે. રશિયન સંસદે પ્રમુખ પુતિનને યુક્રેનના આ બંને પ્રાંતોને સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે માન્યતા આપવા દરખાસ્ત કરી છે.