યુક્રેનનું પેસેન્જર વિમાન તહેરાનમાં ક્રેશ, તમામ મુસાફરોનાં મોત

તહેરાનઃ ઈરાનની રાજધાની તહેરાનમાં ૧૮૦ મુસાફરને લઈને જઈ રહેલું યુક્રેનનું બોઇંગ ૭૩૭ એક પેસેન્જર પ્લેન ક્રેશ થઈ ગયું છે. આ વિમાનમાં ૧૮૦ મુસાફરો સવાર હતા, જેમાંથી ૧૬૭ લોકોનાં મોત થયા હોવાની જાણકારી સામે આવી છે. પ્રાથમિક જાણકારી મુજબ, ટેક્નિકલ ખામીને કારણે પ્લેન ક્રેશ થયું હોવાનું કહેવાય છે. એવા અહેવાલ છે કે તહેરાન ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાન ભર્યા બાદ ગણતરીની ક્ષણોમાં વિમાન ક્રેશ થઈ ગયું. છેલ્લે મળતી માહિતી મુજબ, આ વિમાનમાં સવાર તમામ લોકોનાં મોત નીપજ્યાં છે. આ દુર્ઘટના પાછળનું કારણ જોકે હજુ સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું નથી, પરંતુ નોંધનીય છે કે મંગળવારે ઈરાને ઇરાકમાં અમેરિકી સૈન્ય ઠેકાણાં પર મિસાઇલો વરસાવી હતી. આ હુમલા બાદ તાઇવાન એર અને ચીને ઈરાન તથા ઇરાકથી પોતાનાં વિમાનોની અવરજવરને રોકી દીધી છે. ઈરાનના સરકારી ટીવીએ જણાવ્યું હતું કે યુક્રેનનું પ્લેન ૧૭૦ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સાથે ઉડાન ભરતાં જ એરપોર્ટ નજીક ક્રેશ થઈ ગયું હતું.