યુક્રેનથી પરત આવેલા ૨૦ હજાર છાત્રો માટે અભ્યાસની જોગવાઇ નહિ: કેન્દ્ર સરકાર

 

નવી દિલ્હી: યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી પરત ભારત ફરેલા ૨૦ હજાર મેડિકલ છાત્રોનું ભાવિ જોખમમાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્યમંત્રી ડો. ભારતી પ્રવીણ પવારે રાજ્યસભામાં સ્પષ્ટ કર્યુ હતું કે વિદેશમાં અભ્યાસ કરતા છાત્રોનો ‘સ્ક્રીનિંગ ટેસ્ટ વિનિમય-૨૦૦૨’ તેમજ વિદેશી ચિકિત્સા સ્નાતક લાઇસન્સ વિનિમય-૨૦૨૧ અંતર્ગત સમાવેશ થાય છે. ભારતીય ચિકિત્સા પરિષદ અધિનિયમ ૧૯૫૬ અને રાષ્ટ્રીય ચિકિત્સા આયોગ અધિનિયમ- ૨૦૧૯ અન્વયે વિદેશમાં અભ્યાસ કરતા કોઇ પણ મેડિકલ છાત્રનો દેશની કોલેજોમાં સમાવેશ કરી શકાય નહિ. તેથી યુક્રેનથી પરત આવેલા કોઇ પણ ભારતીય છાત્રને દેશની શૈક્ષણિક સંસ્થામાં સમાવવા મંજૂરી નથી આપવામાં આવી. ભારતીય દૂતાવાસ છાત્રોની મદદ કરી રહ્યું છે. દૂતાવાસની મદદથી યુક્રેનની તમામ મેડિકલ યુનિવર્સિટી, કોલેજોનો સંપર્ક કરી અભ્યાસની સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.